2026ના વર્ષની શરૂઆત ઉદાસ વાતાવરણમાં થઈ, ક્રેગના 54 વર્ષની ઉંમરે કુદરતી મૃત્યુના સમાચાર સાથે. તેનું નિધન સવાનામાં તેની હાજરીથી પ્રભાવિત થયેલા બધાના હૃદય પર એક કાયમી છાપ છોડી ગયું.

તેનો મૃતદેહ 3 જાન્યુઆરી, 2026ના રોજ મળી આવ્યો હતો. ક્રેગ કોણ હતો, કોઈ મહાનુભાવ, કોઈ નેતા કે કોઈ નામાંકિત વ્યક્તિ? ના, ક્રેગ હતો આઇકોનિક સુપર ટસ્કર (મોટા દંતશૂળવાળો) હાથી. હાથી સંરક્ષણના પ્રતીક તરીકે ઓળખાતો એક હાથી જેનો જન્મ 1972માં થયો હતો. હાથીઓ જેમના દાંત 100 પાઉન્ડ (45 કિલો)થી વધુ હોય તેને સુપર ટસ્કર કહે છે.

ખૂબ જ દુઃખ સાથે, IFAW અને વૈશ્વિક સંરક્ષણ સમુદાય કેન્યાના પ્રિય સુપર ટસ્કર ક્રેગના અવસાનનો અફસોસ કરે છે તે હાથી સંરક્ષણનું પ્રતીક અને પ્રકૃતિની ભવ્યતાનું જીવંત સ્વરૂપ બંને હતો. આજે એમ્બોસેલી રાષ્ટ્રીય ઉદ્યાનનાં મેદાનો તેના વિના શાંત દેખાય છે. માઉન્ટ કિલીમાંજારોની નજર નીચે એક લેન્ડસ્કેપમાં જ્યાં તેણે પાંચ દાયકાથી વધુ સમય સુધી શોભા વધારી હતી. છેલ્લા બાકી રહેલા સુપર ટસ્કર્સમાંના એક તરીકે ક્રેગ એક લુપ્ત થઈ રહેલા મહાકાય વંશનું પ્રતિનિધિત્વ કરતો હતો. એવી દુનિયામાં જ્યાં આવા અસાધારણ દંતૂશળ ધરાવતા હાથીઓ વધુ ને વધુ દુર્લભ બની રહ્યા છે ત્યારે તેનું લાંબું જીવન અવિશ્વસનીય રક્ષણ, સુસંગત સમુદાય સંભાળ અને દાયકાઓના અવિરત સંરક્ષણથી અલભ્ય પરિણામ મેળવી શકાય છે, એ વાતનો પુરાવો છે.

ક્રેગ એક સાધારણ હાથી કરતાં ઘણો વધારે હતો. હાથીદાંત માટે થતા શિકારના, સંકટના સૌથી ઘેરા દિવસોમાં તે આશાનું પ્રતીક બની ગયો. ઘણાં વર્ષો સુધી તે લાંબા ગાળાના, પ્રતિબદ્ધ સંરક્ષણ દ્વારા શું પ્રાપ્ત કરી શકાય છે તેના માટે પોસ્ટર એલિફન્ટ તરીકે ઊભો રહ્યો. શિકારના દબાણની ટોચ પર તેનું અસ્તિત્વ ફક્ત કેન્યા વાઇલ્ડ લાઇફ સર્વિસ, બિગ લાઇફ ફાઉન્ડેશન, એમ્બોસેલી ટ્રસ્ટ ફોર એલિફન્ટ્સ અને સમર્પિત માસાઈ સમુદાય રેન્જર્સ દ્વારા 24/7 રક્ષણને કારણે શક્ય બન્યું, જેમણે અતૂટ હિંમત અને ગર્વથી તેનું રક્ષણ કર્યું. નાના નરને માર્ગદર્શન આપવામાં સુપર ટસ્કર મુખ્ય ભૂમિકા ભજવે છે. કોઈ પણ અનિયંત્રિત વર્તનને નિયંત્રણમાં રાખે છે તેના વિશાળ કદ દ્વારા તે ખાસ કરીને મહત્ત્વપૂર્ણ `ઇકોસિસ્ટમ એન્જિનિયર્સ' છે.

વૃદ્ધાવસ્થાના કારણે ક્રેગનું શાંતિપૂર્ણ મૃત્યુ સંરક્ષણની દૃષ્ટિએ એક ગહન વિજય છે. તે સાબિત કરે છે કે જ્યારે સ્થાનિક સમુદાયો, રાષ્ટ્રીય સત્તાવાળાઓ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે મળીને કામ કરે છે, ત્યારે સૌથી સંવેદનશીલ જાયન્ટ્સ પણ તેમનું સંપૂર્ણ કુદરતી જીવન જીવી શકે છે. ક્રેગનો વારસો એમ્બોસેલીથી પણ આગળ વધશે. તેણે હાથીઓના સંરક્ષણ માટે વૈશ્વિક સમર્થન વધારવામાં મદદ કરી, રેસ્ટ ઇઝી ક્રેગ! તારું રક્ષણ કરવામાં આવ્યું હતું, ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

જાન્યુઆરી 1972માં `સીબી' હાથી પરિવારમાં જન્મેલા ક્રેગ ફક્ત તેના અસાધારણ દાંત માટે જ જાણીતો ન હતો, તેના એક એક દાંતનું વજન 45 કિલોથી વધુ હતું એટલું જ નહિ અંદાજે 2.1 મીટર - 6.9 ફૂટથી વધુ દાંતની લંબાઈ, જે લગભગ જમીનને સ્પર્શી રહ્યા હતા. તેની સંયમિત, ધીમી પણ મક્કમ ચાલવાળી હાજરી માટે પણ ખ્યાત હતો. સૌમ્ય અને ગૌરવપૂર્ણ, સંશોધકો, ફિલ્મ નિર્માતાઓ, મુલાકાતીઓ અને મસાઈ સમુદાયોમાં પ્રિય હતો. તે ઘણો શાંત હતો અને પર્યટકોને તેનું ફિલ્માંકન પણ શાંતિથી કરવા દેતો હતો. જાણીતી બિયર ઉત્પાદક કંપની ઈસ્ટ આફ્રિકન બ્રુઅરીઝ દ્વારા 2021માં ક્રેગને તેની લોકપ્રિય `ટસ્કર' બ્રાન્ડ માટે એડોપ્ટ કરાયો હતો. જંગલમાં ક્રેગનો સામનો કરવો ઘણા લોકો માટે એક પરિવર્તનશીલ અનુભવ હતો. ક્રેગ એક અસાધારણ હાથી હતો અને વર્ષની શરૂઆતમાં જ વિશ્વએ ક્રેગને ગુમાવ્યો. કેન્યાના વન્યજીવન અર્થતંત્રમાં ક્રેગની ભૂમિકાને ઓછી આંકી શકાય નહીં.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો