ડોક્ટરની ચેમ્બરમાં પ્રવેશ્યા પછી કંકુમાનાં શરીરે ધ્રુજારી વ્યાપી ગઈ. એક હાથે દીવાલનો ટેકો લઇ લીધો નહિતર લથડિયું ખાઈ જાત. એક તો એસીની ઠંડીના લીધે અને બીજું મનમાં ધાસ્તી બેઠી હતી કે ડોક્ટર પોતાના ગજા બહારનું બિલ કરશે તો પોતે રૂપિયા આપશે ક્યાંથી? અને ડોક્ટર તો કોઈની શરમ રાખ્યા વગર ધડ દઈને કહી દેશે: `હોસ્પિટલનું બિલ આપો પછી જ દર્દીને લઇ જાવ!' પાછું એવું થઇ આવ્યું હતું: `એટલો વળી દયાળુ ડોક્ટર લાગે છે તે અગાઉ રૂપિયા જમા કરાવ્યા નહીં.'
ડોક્ટર કોઈ બીજા દર્દી સાથે ચર્ચામાં હતા. તે દરમ્યાન કંકુમાની નજર દીવાલો પર ફરવા લાગી હતી. ઘણું નવાઇ પમાડે એવું હતું. તેમાંથી એકાએક નજર ડોક્ટરના માથેની બરાબર ઉપરના ભાગમાં ચોંટાડી દીધેલા ફોટા પર ચોંટીને સ્થિર થઇ ગઇ હતી. પછી અણસારને અંકે કરતાં બોલી જવાયું હતું: `અરે! આ તો મનજી મુખીની તસવીર છે!' એક પળ માટે હૈયું થડકારો ચૂકી ગયું હતું. સાવ શૂન્ય થઇ ગયાં હતાં. નહિતર તો કંકુમા મનમાં ઘણી બાફ કે બળાપો ભરીને આવ્યાં હતાં.પહેલાં તો ડોક્ટરને સીધું જ પૂછી લેવું હતું: `હેં ડોક્ટર સા'બ, આ છોરું જણનારી બાયુમાં ઠામકું જોર ર્યું નથી તે તમે હંધીય બાયુને ઉપરથી છોરું લેવાનું ક્યો છો?' પછી કહી જ દેવાનું હતું: `તમારા ઓપરેશન વગર છોરું નો જન્મે એવું કોણે કહ્યું?'
આ સવાલ કે પછી મનમાં ઊભરાતો બળાપો જરાય ખોટો નહોતો. પોતે એક સમયના કુશળ એવા પાવરધા સુયાણી હતાં. કોઈ સગર્ભા સ્ત્રીનો પૂરા મહિના પછી છુટકારો ન થતો હોય, ભારે પીડાતી ને પાર વગરની કસટાતી હોય ત્યારે બાઇના શરીરે કંકુમાના કામણગારા હાથની કુનેહ અને અનુભવી આવડત ભારે કામયાબ નીવડતી હતી. અરે! બાળક આડું આવ્યું હોય તો પણ સવળું ને સરખું થઇ જાય. આ સવાઇ સુયાણીના લીધે ગામ અને પરગામથી તેડાં આવતાં હતાં, પણ પેલી કહેવતના જેમ વૈદ્યના જ ખાટલે હતા. ખુદની પૌત્રીને હોસ્પિટલમાં લઇ આવવી પડી હતી. જ્યારે પૌત્રીને પ્રસવની પીડા ઊપડી હતી ત્યારે કંકુમાનું કહ્યું કોઈએ માન્યું નહોતું: `મા, હવે જમાનો બદલાઇ ગયો, ઘરે સુવાવડ કરવાની હોય નહીં.' ત્યારે સમય પારખી ગયેલાં કંકુમાના મોંએ આવી ગયું હતું : `છોકરા જણવા છે, પણ કોઈને ઘડીકેય પીડા સહન કરવી નથી' અને 108 બોલાવી તત્કાલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. ડોક્ટરે જેવું તેવું તપાસી સીધું જ કહી દીધું હતું: `કુદરતી પ્રસવ નહીં થાય, બાળક ઉપરથી લેવું પડશે' અને પછી એમ જ બન્યું હતું.
પૌત્રી સુખ-શાંતિથી પ્રસવ પરવારી હતી તેનો હરખ હતો, પણ ગજવે જે કાવડિયાં હતાં તે ત્રણ દિવસની દવામાં ખર્ચાઇ ગયાં હતાં. ખુદના દીકરાની હયાતી નહોતી. આમ પીવાનું પાણી જાણે હાથ ધોવામાં વપરાઇ ગયું હતું તેનું દુઃખ કહે કોને? ત્યાં ડોક્ટરે પૂછ્યું હતું: `બોલો માજી, રજા લેવાની છેને?'
`રજા તો લેવી જ પડશે.' કંકુમાએ મને કમને પણ પૂછી લીધું: `પણ આ છબી કોની છે એટલું મને ક્યો.' ડોક્ટરને સારું લાગ્યું કે ખરાબ એ સમજાયું નહીં, પણ જવાબમાં કહ્યું હતું: `મારા બાપુજીની છે.'
`તે તમે મનજી મુખીના દીકરા છો?' આવી ઓળખાણ કાઢી, ફી ઓછી આપશે એવું ડોક્ટરને સહેજેય લાગ્યું હતું, કારણ કે ડોક્ટર પાસે આવા અનેક અનુભવો હતા, તેથી ફી લેવા માટે મન મક્કમ કરી લીધું હતું.
પણ જમાનાના ખાધેલ કંકુમા ડોક્ટરના મનોભાવ પામી ગયાં હોય એમ બોલી ઊઠ્યાં હતાં: `મુખી સાથે એવી લેણદેણ હતી એટલે યાદ કર્યા છે.' ડોક્ટર નવાઇ પામી, મોં વકાસી કંકુમા સામે જોઈ રહ્યા હતા.
એ આખો પ્રસંગ નજર સામે આવી ગયો હતો. આંગળીના વેઢે ગણ્યા ગણી ન શકાય એટલાં વર્ષો વીતી ગયાં હશે, પણ એ વખતે મેઘલી રાત મળી ગઈ હતી. વરસાદ ધાર ખેંચતો નહોતો. આવા વખતે મુખી ચડ્યે ઘોડે, ફળિયામાં ઊભા રહ્યા હતા. કંકુમા સહેજ અટક્યાં હતાં, પણ ડોક્ટરનું મોં બગડી ગયું હતું, બોલવું હતું: `મા, કથા કરવાનું છોડો ને ફી આપી રવાના થાવ.'
પણ કંકુમાથી રહેવાય કે સહેવાય એવું નહોતું. હૃદયમા ઝીણી ઝીણી ઝણઝણાટી થવા લાગી હતી.
`કંકુબાઇ, વહુ દી' ઊગ્યાથી પ્રસવની પીડા ભોગવી રહ્યાં છે. કોઈ રીતે છુટકારો થતો નથી એટલે આ કાળી રાત માથે લીધી છે.' પછી ઢઢળી પડ્યા હતા: `વહુને મારવી કે જિવાડવી તમારા હાથમાં છે કંકુબાઇ.'
પછી તો કંકુમા મુખીની સાથે ઘોડામાં બેલડા બેસી ગામમાં આવ્યાં હતાં. વહુને દેવના ચક્કર જેવો દીકરો જન્મ્યો હતો. ત્યારે મુખીએ રાજી થઇ પોતાના ગળામાંથી સોનાથી મઢેલી તુલસીની માળા કાઢી, કંકુમા સામે ધરી હતી: `લ્યો કંકુબાઈ, હું રાજી થઇ તમને આપું છું.'
કંકુમાએ કહ્યું હતું: `પણ મારો આતમ રાજી નો થાય મુખી.' પોતાની બંડીમાંથી આઠ આનાનો સિક્કો કાઢી દીકરાના હાથમાં મૂક્યો હતો. આ સાંભળી ડોક્ટર કંઈ બોલી શક્યા નહોતા.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો