તાજેતરમાં જ ફિલ્મ 120 બહાદુરને દિલ્હી સરકારે ટેક્સ ફ્રી જાહેર કરી છે. આ ફિલ્મ ઈ.સ. 1962ના ચીન-ભારત યુદ્ધમાં રેજાંગ લાની એક ઐતિહાસિક લડાઈ પર આધારિત છે, જે ખૂબ જ ચર્ચામાં રહી છે. દિલ્હી સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે, જેથી સેનાના શૌર્ય વિશે લોકો જાણી શકે. ગુજરાત સહિત અનેક રાજ્યો પોતાની સ્થાનિક ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરતી હોય છે. સરકાર જો કોઈ ફિલ્મને ટેક્સ ફ્રી કરે ત્યારે એક પ્રશ્ન અચૂક થાય કે કોઈ પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો અધિકાર કોની પાસે હોય છે? કેવી ફિલ્મો ટેક્સ ફ્રી કરવામાં આવતી હોય છે? જાણીએ આવા સવાલોના જવાબો.
ફિલ્મો મનોરંજનની સાથે કમાણીનું પણ શ્રેષ્ઠ માધ્યમ છે. ટેક્સ સ્વરૂપે સરકારને પણ તેનાથી ફાયદો થાય છે, પરંતુ ઘણીવાર રાજ્ય સરકાર પોતાને ત્યાં અમુક ફિલ્મોને ટેક્સ ફ્રી જાહેર કરે છે, ત્યારે એક બાબતે જરૂર વિચાર આવે કે કોઈ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય કોણ લેતું હોય છે અને શા માટે?
શા માટે ટેક્સ ફ્રી કરાય છે?
ઘણી વાર અમુક એવી ફિલ્મો પણ આવે છે જે માત્ર મનોરંજન જ નથી આપતી, પરંતુ સાથે સાથે તે ઇતિહાસ, સમાજ, સેના, મુશ્કેલ પરિસ્થિતિઓ અથવા કોઈ પણ મોટા સામાજિક સંદેશ સાથે જોડાયેલી હોય છે. આવી ફિલ્મ વધારેમાં વધારે લોકો જોઈ શકે તે માટે રાજ્ય સરકાર ઘણી વાર આવી ફિલ્મોને ટેક્સ ફ્રી જાહેર કરતી હોય છે. ઘણીવાર સ્થાનિક ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે પણ રાજ્ય સરકાર ફિલ્મને ટેક્સ ફ્રી કરતી હોય છે.
ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય કોણ લે છે?
ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો અધિકાર માત્ર રાજ્ય સરકાર પાસે હોય છે. દેશની દરેક રાજ્ય સરકાર પોતાના રાજ્યનાં સિનેમાઘરોમાં ચાલી રહેલી કોઈ પણ ફિલ્મ પર લગાવાતો મનોરંજન કર એટલે કે ટેક્સ હટાવવાનો નિર્ણય લઈ શકે છે. કઈ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવે તે બાબતે ભારતમાં કોઈ નિશ્ચિત કાયદો કે માપદંડ નથી. આ નિર્ણય સંપૂર્ણપણે રાજ્ય સરકારના વિચાર, નિર્ણય અને વિષયવસ્તુ પર નિર્ભર કરે છે. હંમેશાં એવી ફિલ્મોને ટેક્સ ફ્રી કરવામાં આવતી હોય છે, જે સમાજને સારો સંદેશો આપતી હોય. પ્રેરક હોવાની સાથે સાથે તે ઇતિહાસ, રાષ્ટ્રભક્તિ અથવા સામાજિક મુદ્દાઓ પર આધારિત હોય. આ સિવાય દેશ માટે યોગદાન આપનારી વ્યક્તિની સ્ટોરી જણાવતી અને સમાજિક જાગરૂકતા ફેલાવતી ફિલ્મો પણ ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવતી હોય છે.
ફિલ્મને ટેક્સ ફ્રી કરવાથી સરકારની કેટલી કમાણી ઘટે છે?
સ્ટેટ ગવર્નમેન્ટ મનોરંજન કરને છોડી દે તો આનાથી સરકારની કમાણી ચોક્કસ ઓછી થાય છે, પરંતુ ઘણીવાર આ નુકસાન બહુ મોટું નથી હોતું. વળી, તેનાથી કેટલીક બાબતોમાં બમણો ફાયદો પણ થતો હોય છે. સરકાર આને સામાજિક ફાયદા સ્વરૂપે જુએ છે અને ટેક્સ ફ્રીના નિર્ણયને સાર્વજનિક હિત માનવામાં આવે છે. રાજ્ય સરકારો ટેક્સ ફ્રી એટલા માટે કરે છે કે જેથી આવી ફિલ્મોને લોકો વધારેમાં વધારે જુઓ. ફિલ્મમાં આપેલો સંદેશ સમાજમાં વધુ ને વધુ ફેલાય. કોઈ જરૂરી ઘટના અથવા મુદ્દા બાબતે જાગરૂકતા વધે, રાજ્ય માટે પોઝિટિવ ફિલ્મ બને તો તેનાથી પર્યટનને પણ પ્રોત્સાહન મળે છે. ટ્રેડ એનાલિસ્ચ પણ માને છે કે આ સરકારના વિચાર અને ફિલ્મના વિષયની પ્રાસંગિકતા પર નિર્ભર કરે છે.