બાળકોના યોગ્ય વિકાસ માટે પેરેન્ટ્સ જેટલું મહત્ત્વ સુરક્ષા અને સલામતીને આપે છે એટલું મહત્ત્વ જોખમ અને સંઘર્ષને નથી આપતાં. ગ્રાઉન્ડ પર કોઈ રમત રમતાં જો બાળકને કશુંક વાગે તો પેરેન્ટ્સ ફરીથી એ રમત બાળકને રમવા નથી દેતાં, પરંતુ મનોવૈજ્ઞાનિક સંશોધનો કહે છે કે જે બાળકો બાળપણમાં થોડું જોખમ ઉઠાવે છે એ મોટાં થઈને ચિંતા અને ફોબિયાને સારી રીતે હેન્ડલ કરી શકે છે.
સામાન્ય રીતે બાળક ગાર્ડનમાં રમતાં-રમતાં ઝાડ પર કે દીવાલ પર ચડે તો આપણો શ્વાસ થંભી જાય છે. બાળક ધ્યાનથી ચડતો હોય તો પણ આપણાં મોંમાંથી શબ્દ નીકળી જાય છે કે જરા સંભાળીને, જોજે પડી ન જાય અને તરત આપણે એની નજીક દોડી જઈએ છીએ.
બાળકને દરેક નાની-મોટી ઇજા, ખરોંચ કે પડવાથી બચાવવાની સહજ ઇચ્છાને કારણે પેરેન્ટ્સે અજાણ્યે જ એક વધારે પડતું સુરક્ષિત વાતાવરણ બનાવ્યું છે, તેથી જોખમી અને વિનાશકારી રમતોથી એમને દૂર રાખીએ છીએ, જેની ખરેખર આવશ્યકતા હોય છે.
સામાન્ય રીતે આપણે જોખમ શબ્દ સાંભળીએ એટલે ખતરો કે કોઈ ભયાનક ઘટનાનું દૃશ્ય નજર સમક્ષ આવશે, પરંતુ ખતરો યાને હેઝાર્ડ તથા જોખમ-રિસ્ક એ બે વચ્ચે અંતર છે. દરેક જોખમ ખતરો નથી હોતો. બાળક ઝાડ પર ચઢે કે દાદર પરથી ત્રણ પગથિયાં અધ્ધર કૂદે એ રિસ્ક છે. બાળક ઝાડ પર ચઢતી વખતે ચકાસે છે કે એની સપાટી લીસી છે કે ખરબચડી? એનો પગ ડાળી પર બરાબર ફિટ બેસશે કે નહીં? ડાળી એનું વજન ઝીલશે કે નહીં. અહીં જે જોખમ છે એને બાળક જોઈ શકે છે. વિચારીને કે ગણતરી કરીને પોતે કઈ રીતે આગળ વધવું એનો નિર્ણય લઈ શકે છે. એટલું જ નહીં, પડવા જેવું લાગે તો ડાયરેક્ટ નીચે કૂદકો મારી શકાય કે નહીં? મરાય તો કઈ બાજુએ ઓછું વાગવાની શક્યતા છે એનો તાગ મેળવશે. કોઈ વસ્તુ વાસ્તવમાં હાનિકારક છે કે ખતરનાક એનો ન્યાય કરવાની ક્ષમતા જોખમભરી રમતોથી બાળકો શીખે છે. અગર બાળકને આવાં નાનકડાં જોખમ પણ ન લેવા દેવામાં આવે તો એ ક્યારેય શીખી નહીં શકે કે જોખમ સામે શું કરવું જોઈએ? બાળક પડીને વગાડે છે અને એનો ઘા થોડા સમયમાં સાજો પણ થઇ જાય છે. જે બાળકને શીખવે છે કે ઘા થાય તો એ રુઝાઈ પણ શકે છે, તેથી જ જોખમભરી રમત બાળકમાં માનસિક અને ભાવનાત્મક શક્તિનું નિર્માણ પણ કરી શકે છે. અગર બાળકને જોખમથી થોડું નુકસાન થશે તો એ વિચારશે કે આ વખતે આ ટ્રિક કામ નહીં લાગી એટલે બીજી વખત મારે જુદી રીતે વિચારવું પડશે.
નેચરલ જર્નલનો રિપોર્ટ કહે છે કે જેમાં શારીરિક ઉછળકૂદ છે, રોમાંચ અને ગણતરી છે એવી સ્વતંત્ર રમત બાળકને રમવા નથી મળતી એવાં બાળકોમાં ભવિષ્યમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધારે જોવા મળે છે. સ્વસ્થ જોખમ ઉઠાવવાથી બાળકમાં આત્મવિશ્વાસ વધે છે. જેમ કે, ગુલાંટી ખાવી, સાઈકલ રેસ કરવી, તેજ હીંચકો ખાવો, ફાઈટિંગના દાવ કરવા વગેરે.
હવે ડિસ્ટ્રક્ટિવ રમતની વાત કરીએ : પેરેન્ટ્સ તરીકે આપણે બ્લોકને જોડતા કે કાગળ-ક્લેમાંથી કશું રચનાત્મક બનાવતા જ શીખવીએ છીએ. અગર બાળક પઝલ્સના બ્લોક્સ કાઢી નાખે, કાગળ ફાડે કે રમકડાં તોડે તો એને હંમેશાં વિધ્વંસક મનાય નહીં, પરંતુ બાળ મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવી ડિસ્ટ્રક્ટિવ યાને વનાશકારી રમત પણ બાળકના વિકાસ માટે આવશ્યક છે, જે બાળકની નિરાશા, ચિંતા અને દબાયેલી શારીરિક ઊર્જાને બહાર કાઢે છે. જેમ કે કાગળ ફાડવાથી પ્રતિરોધ અને અવાજ સામે રાહત મળે છે. બોલ પર મુક્કો મારવો કે તકિયો ફેંકવો એ સ્ટ્રેસ બોલની જેમ કામ કરે છે, જેનાથી બાળક પોતાની નિરાશા સુરક્ષિત રીતે બહાર કાઢી શકે છે. એ જ રીતે વસ્તુઓ સામસામે ટકરાવાથી કાર્યકારણ, અવાજનું સ્તર તથા પોતાની શારીરિક તાકાતને સમજવામાં મદદ કરે છે.
જો આપણે બાળકોને સતત ભયને કારણે અમુક પ્રકારની રમતો માટે ટોકતા રહીશું તો એમાં પ્રાકૃતિક રીતે શીખવાના દરવાજા બંધ કરી દઈશું. બાળકનું બૂમો પાડવાનું, દોડવા કૂદવાનું કે તોડવા-ફોડવાનું બંધ કરી દેશું તો રમત દ્વારા સહજ રીતે એની ભાવનાઓ વ્યક્ત કરવાનું અટકી જશે. આમ પણ રચનાત્મક વિચારનો પાયો તોડવું, જોડવું અને મેળવવું એ ત્રણ બાબત પર વિકસે છે. કોઈ પણ વિચારને નવું રૂપ આપતા પહેલાં એને વિઘટિત કરવું એ પહેલું પગલું છે. બાળક શબ્દો દ્વારા જે નહીં વ્યક્ત કરી શકે તે રમત દ્વારા કરે છે.
માતા-પિતાના રૂપમાં આપણે બાળકને ખતરાથી બચાવીએ, પરંતુ જોખમ અને અમુક પ્રકારની ડિસ્ટ્રક્ટિવ રમત રમતાં ન અટકાવીએ, કારણ કે એનાથી બાળકની સમન્વયની સ્કિલ મજબૂત બને છે અને માનસિક તણાવ પણ ઓછો થાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો