ભારતે થોડા સમય પહેલાં ચાંદીપુરસ્થિત એકીકૃત પરીક્ષણ રેન્જ (ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ - IRT)થી શક્તિશાળી પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કર્યું. તેની મારકક્ષમતા પાંચ હજાર કિલોમીટરથી પણ વધારે છે.
તે ચીનના ઉત્તર તરફના વિસ્તારોમાં સરળતાથી પહોંચી શકે છે. તમે અનેક વખત મિસાઈલોના પરીક્ષણના સમાચાર વાંચો ત્યારે ચાંદીપુરનું નામ તમને જરૂર વાંચવા મળે. તમે ક્યારેય એ વિચાર્યું છે કે ભારતની બધી જ મિસાઈલોનું પરીક્ષણ ઓરિસ્સાના રાજ્યના બાલાસોર પાસે આવેલા ચાંદીપુરથી જ કેમ કરવામાં આવે છે!
આ કારણે થાય છે ચાંદીપુરમાં મિસાઈલ પરીક્ષણો
ચાંદીપુર બંગાળની ખાડી પાસે આવેલું છે. અહીં મિસાઈલોનું પરીક્ષણ સીધું સમુદ્ર પર કરવામાં આવે છે. આમ કરવાથી આબાદીવાળાં ક્ષેત્રોને કોઈ જોખમ રહેતું નથી અને મિસાઈલના ટ્રેક્જેક્ટરીને ટ્રેક કરવા માટે એક વિશાળ અને ખાલી વિસ્તાર મળી જાય છે. ચાંદીપુરનું એકીકૃત પરીક્ષણ રેન્જ (ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ) ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) સાથે સંબંધિત છે, તેથી અહીં અત્યાધુનિક સુવિધાઓ છે. અહીં મિસાઈલોના પરીક્ષણ માટે ટેક્નિકલ ઉપકરણો જેમ કે, રડાર, ટેલિમેટ્રી અને ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ પણ રહેલી છે.
ભૌગોલિક તથા સુરક્ષા સંબંધિત કારણો
5 હજાર કિલોમીટરથી વધારે અંતરની મિસાઈલો છોડવા માટે બહુ મોટા અને આબાદીમુક્ત વિસ્તારની જરૂર પડે છે. ભારત પાસે એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં તે મિસાઈલોને આટલા લાંબા અંતર સુધી કોઈ પણ પ્રકારના જોખમ વગર છોડી શકે. 5 હજાર કિલોમીટરથી વધારે અંતરની મિસાઈલો છોડવાથી તે કોઈ બીજા દેશના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરશે. વળી, આટલા લાંબા અંતરની મિસાઈલને ટ્રેક કરવા માટે ભારતે વધારે રડાર અને નેટવર્કની જરૂર પડશે. જેમાં ભારતની સાથે સાથે અન્ય દેશોનાં સમુદ્રી જહાજો અને ઉપકરણોની જરૂર પણ પડી શકે છે, જે લગભગ શક્ય નથી.
ટ્રેકિંગ અને ડેટા સ્ટોરેજ
સમુદ્ર ઉપર પરીક્ષણ કરવાથી મિસાઈલોના ઉડાનના માર્ગને ટ્રેક કરવો અને તેના પ્રદર્શન વિશે સટીક ડેટા એકઠો કરવાનું સરળ થઈ જાય છે. તેનાથી મિસાઈલના દરેક ચરણનું ગાઢ વિશ્લેષણ શક્ય બને છે. આ સ્થાન મિસાઈલ પરીક્ષણની સુરક્ષા અને ગુપ્તતા જાળવી રાખવા માટે પરફેક્ટ છે, કારણ કે અહીં આસપાસ ખાસ વસ્તી નથી. આ સ્થાન લાંબા અંતરની મિસાઈલોના પરીક્ષણ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ મિસાઈલો લાંબું અંતર કાપે છે અને તેના ઉડાન માટે એક વિશાળ તથા નિર્બાધ ક્ષેત્રની જરૂર હોય છે.
ચાંદીપુરનું લોન્ચ કોમ્પ્લેક્સ - 3
ચાંદીપુરમાં આવેલું ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ માત્ર એક જ સ્થાન નથી, પરંતુ આમાં બે મુખ્ય કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે, જ્યાંથી મિસાઈલોનું પ્રક્ષેપણ કરવામાં આવે છે. ચાંદીપુરમાં લોન્ચ કોમ્પ્લેક્સ - 3 મુખ્ય લોન્ચ પેડ છે, જે ચાંદીપુરના તટ પર આવેલું છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ઓછા અંતરની મિસાઈલો જેમ કે, પૃથ્વી, આકાશ અને ત્રિશૂળના પરીક્ષણ માટે કરવામાં આવે છે. અહીંથી લોન્ચ કરવામાં આવેલી મિસાઈલો બંગાળની ખાડી પરથી ઉડાન ભરે છે, જેથી આબાદીવાળા વિસ્તારથી દૂર રહીને કોઈ પણ જોખમ વગર સુરક્ષિત પરીક્ષણ કરી શકાય.
કલામ દ્વીપનું લોન્ચ કોમ્પ્લેક્સ - 4
આ એક રણનીતિક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ લોન્ચ કોમ્પ્લેક્સ છે, જે ચાંદીપુરથી લગભગ 150 કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં એક દ્વીપ પર આવેલું છે. જેનું નામ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન ડો. એપીજે અબ્દુલ કલામના નામે રાખવામાં આવ્યું છે. અહીંથી ખાસ કરીને લાંબા અંતરની મિસાઈલો જેમ કે, અગ્નિ - 5 અને અગ્નિ - પ્રાઈમનાં પરીક્ષણ કરાય છે. દ્વીપ પર હોવાને કારણે અહીંથી મિસાઈલોનું પ્રક્ષેપણ ખુલ્લા સમુદ્ર પર થાય છે. જેનાથી મિસાઈલના ટ્રેજેક્ટરીને ટ્રેક કરવા માટે એક વિશાળ અને ખુલ્લું ક્ષેત્ર મળી જાય છે. અહીં લોન્ચિંગ માટેની બધી જ સુવિધાઓ છે. વળી, એક રેલવે લાઈન પણ છે જે મિસાઈલોના પાર્ટ્સને એસેમ્બલીથી લોન્ચ પેડ સુધી લઈ જવા માટે ઉપયોગી છે.