તમે હાઈવે પર સફર કરતી વખતે સાઈન બોર્ડ જરૂર જોયાં હશે, પરંતુ ક્યારેય તેના રંગ વિશે વિચાર કર્યો છે. તમને મોટાભાગે લીલા કે વાદળી રંગનાં સાઈન બોર્ડ જ જોવા મળશે, પરંતુ આ બે જ રંગ શા માટે? તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તથા બંને વચ્ચે શું ફરક હોય છે? તમે ન જાણતા હો તો જાણી લો

લીલા રંગનાં સાઈન બોર્ડ

લીલા રંગનાં સાઈન બોર્ડનો ઉપયોગ ખાસ કરીને માર્ગદર્શન માટે કરવામાં આવે છે. આ સાઈન બોર્ડ દિશાઓ, સ્થળોનાં નામ અને અન્ય મહત્ત્વની જાણકારી આપે છે. લીલા રંગનાં સાઈન બોર્ડ રસ્તાની જાણકારી આપે છે. જેમ કે, હાઈવે, એક્સપ્રેસ વે અને મહત્ત્વપૂર્ણ ચાર રસ્તા વગેરે. લીલા રંગનાં સાઈન બોર્ડ પર શહેર, ટાઉન, ગામ અને મહત્ત્વના સ્થળનાં નામ લખેલાં હોય છે, જે મુસાફરોને ડેસ્ટિનેશન સુધી પહોંચવામાં મદદ કરે છે. લીલા રંગનાં બોર્ડ પર સફેદ રંગથી લખેલું લખાણ કે સંકેતો રાખવાનું વૈજ્ઞાનિક કારણ એ છે કે લીલો રંગ અન્ય રંગોની સરખામણીમાં આંખોને વધારે આરામ આપે છે અને ઘણે દૂરથી વધારે ગતિ હોવા છતાં પણ આ રંગને કારણે ડ્રાઈવરની આંખોમાં પણ તણાવ પેદા થતો નથી અને તેથી ડ્રાઈવરની એકાગ્રતા જળવાઈ રહે છે. લીલા રંગના બોર્ડ પર સફેદ રંગનો ઉપયોગ હાઈ કોન્ટ્રાસ બનાવે છે, તેથી ખરાબ મોસમમાં પણ દૂરથી તે સરળવાથી વાંચી શકાય છે. રાત્રે પણ જ્યારે વાહનની લાઈટનો પ્રકાશ આ બોર્ડ પર પડે છે ત્યારે લીલા રંગનું બોર્ડ ઓછું રિફ્લેક્શન પેદા કરે છે. તેથી ડ્રાઈવરને કોઈ મુશ્કેલી થતી નથી. અમેરિકામાં તથા મોટાભાગના દેશોમાં લીલા રંગનાં સાઈન બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.

વાદળી રંગનાં સાઈન બોર્ડ

વાદળી રંગનાં સાઈન બોર્ડનો ઉપયોગ સામાન્ય રીતે સૂચના અને નિર્દેશ માટે કરવામાં આવે છે. જેમ કે, પાર્કિંગની જાણકારી, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન કે પછી અન્ય સાર્વજનિક સુવિધાઓ વિશેની જાણકારી આપવા માટે. આ સાઈન બોર્ડ એ સુવિધાઓ તરફ ઈશારો કરે છે, જે મુસાફરને ઉપયોગી થઈ શકે છે. જેમ કે, ટોઈલેટ, રેસ્ટ એરિયા, પેટ્રોલ પંપ અને આપાતકાલીન સેવાઓ. નીલા રંગનું સાઈન બોર્ડ દર્શાવે છે કે અમુક ક્ષેત્રોમાં પ્રવેશ પ્રતિબંધિત છે અથવા કેટલાક ખાસ નિયમો લાગુ છે.

વાદળી અને લીલા રંગનાં સાઈન બોર્ડ વચ્ચેનો ફરક

ભારતમાં રાષ્ટ્રીય રાજમાર્ગ (નેશનલ હાઈવે-NH)ને લીલા રંગથી દર્શાવવામાં આવે છે, જ્યારે રાજ્યના રાજમાર્ગો (સ્ટેટ હાઈવે - SH) દર્શાવવા માટે વાદળી રંગનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય દેશોમાં આ રંગોનો ઉપયોગ ઘણા પ્રકારના રાજમાર્ગોને દર્શાવવા માટે કરવામાં આવે છે. વાદળી રંગનું સાઈન બોર્ડ રાજ્ય રાજમાર્ગો પર દિશા અને અંતરની જાણકારી આપે છે. મોટાભાગે શહેરી વિસ્તારોમાં આ બોર્ડ જોવા મળતાં હોય છે. રાષ્ટ્રીય રાજમાર્ગોના રસ્તા સમગ્ર દેશને જોડતા હોય છે અને સામાન્ય રીતે ઉચ્ચ ગતિ સીમા તથા લેન દર્શાવે છે. એમાં મુખ્ય શહેરો કે સ્થળોનું અંતર લખેલું હોય છે. રાજ્ય રાજમાર્ગો રાજ્યના અલગ-અલગ ભાગોને જોડે છે અને રાષ્ટ્રીય રાજમાર્ગોની સરખામણીમાં ગતિ સીમા અને ઓછા લેનવાળા હોય છે.

લાલ સાઈન બોર્ડ

આ સાઈન બોર્ડ બહુ ઓછા જોવા મળે છે, પરંતુ તે ચેતવણી અને કડક નિયમો દર્શાવવા માટે ખાસ ઉપયોગમાં લેવાય છે. જેમ કે, સ્ટોપ લાઈન, નો એન્ટ્રી અને અન્ય પ્રતિબંધિત સંકેત. જ્યારે પીળાં સાઈન બોર્ડ ચેતવણી સંકેતો માટે ઉપયોગમાં લેવાય છે. જેમ કે, સ્કૂલ ઝોન, પશુ ક્રોસિંગ અને અન્ય સંભવિત જોખમોની જાણકારી. હાઈવે પર ખાસ કરીને નેશનલ હાઈવે પર હાઈવેનો નંબર દર્શાવવા માટે પીળા રંગના બોર્ડ પર કાળા રંગનું લખાણ જોવા મળે છે.

પીળા રંગનું સાઈન બોર્ડ

મુસાફરી માટે રોડ સિવાય જેનો ઉપયોગ થાય છે તેવી ટ્રેનમાં સફર કરતી વખતે તમે જોયું હશે કે રેલવે સ્ટેશનનાં નામ લખેલાં બોર્ડ પીળા રંગનાં હોય છે. વાસ્તવમાં પીળા રંગની બ્રાઈટનેસને કારણે તેને દૂરથી જોઈ શકાય છે. રેલવે સ્ટેશનનાં નામ પીળા રંગના બોર્ડ પર લગાવવાનું કારણ એ છે કે તેનાથી ટ્રેનનો પાઇલટ દૂરથી જ બોર્ડ પર લખેલા સ્ટેશનનું નામ વાંચી શકે. સાથે મુસાફરોને પણ પીળા રંગના બ્રાઈટ કલરને કારણે સ્ટેશનનું નામ વાંચવામાં સરળતા રહે. ટ્રેન તીવ્ર ગતિએ હોય તો પણ મુસાફરો પીળા રંગના બોર્ડ પર લખેલું નામ ઝપડપથી વાંચી શકે છે.