અવકાશ યુગમાં આગળ વધી માનવી ચંદ્ર અને મંગળ પર વસવાનાં સપના જોઈ રહ્યો છે. વિજ્ઞાનની એ છલાંગ છતાં હજુ ધરતી પર જાદુટોણાં અને અંધવિશ્વાસમાં માનનારાઓ ઓછા નથી. એ ગૂઢ બાબતોના પુરાવા હોતા નથી, છતાં આજના વિજ્ઞાન યુગમાં તેમાં માનનારાઓ ઓછા નથી. એ કારણે જ ગૂઢ વાતોને લઈને બનતી ફિલ્મ કે વાર્તાઓ સફળ જોવા મળે છે. ડાકણ-ભૂતની વાતોની સાથે કાળી બિલાડી તેના પ્રતિકરૂપ બની ગઈ છે, તેનું કારણ શું?
એમ તો બિલાડી એક પાલતુ પ્રાણી તરીકે માનવીની સાથી રહી છે. શ્વાનની જેમ વાઘની માસી માનવી સાથે હળીમળીને પરિવારનું એક સભ્ય બની ગઈ છે. છતાં કેટલાય લોકો સારા કામ માટે જતા હોય અને બિલાડી માર્ગમાં આડી ઊતરે ત્યારે અપશુકન થયાનું માનીને ઘરે પાછા ફરતા હોય છે. એમાંય વળી જો બિલાડી કાળા રંગની હોય તો લોકોમાં વધુ ડર જોવા મળે છે. સ્વાભાવિક છે કે કાળી બિલાડી ડાકણના સાથી તરીકે પણ જોવા મળે છે. કાળી બિલાડી સાથે અંધશ્રદ્ધા વીંટળાયેલી રહી છે. એમ પણ ગાઢ અંધકારમાં ભળી ગયેલી કાળી બિલાડીની હાજરી તમને ગભરાવી મૂકવા પૂરતી હોય છે. ઘણા લોકો કાળી બિલાડીઓને ખરાબ નસીબ લાવનારી માને છે. વિશ્વભરની ઘણી સંસ્કૃતિઓમાં કાળી બિલાડીને અલૌકિકતાનું પ્રતીક માનવામાં આવે છે.
દર વર્ષે 31 ઓક્ટોબરે યુરોપના ઘણા દેશોમાં ઊજવાતો હેલોવીન તહેવાર એ રહસ્ય અને ભયાનક શક્તિની ઉજવણીનો તહેવાર છે. હેલોવીન નજીક આવે છે, તેમ તેમ કાળી બિલાડીઓ બધે જ જોવા મળે છે. તેનો ઉપયોગ શણગાર તરીકે, ફિલ્મનાં પાત્રો તરીકે અને કાળા પોશાક રૂપે પણ જોવા મળે છે, પરંતુ કાળી બિલાડી ભય અને રહસ્યનું આટલું મુખ્ય પ્રતીક કેવી રીતે બની?
કાળી બિલાડીઓની આ ભયાનક છબી મધ્ય યુગમાં ઘડાઈ છે. મધ્ય યુગમાં ગૂઢ બાબતોમાં લોકો વધુ માનતા હતા. એ સાથે જ કાળી બિલાડીનો ડર લોકોમાં જોવા મળતો હતો અને કદાચ એ કારણે જ કાળી બિલાડી દુષ્ટતા, દુર્ભાગ્ય અને દુષ્ટતાની પ્રતીક બની ગઈ! ચુડેલનો ભોગ બનેલા લોકો માનતા હતા કે કાળી બિલાડીઓ ખરેખર ડાકણ હતી, ડાકણના વેશમાં લોકોને નુકસાન પહોંચાડવા માટે રાત્રિના અંધારામાં બહાર નીકળતી હતી. કાળી બિલાડીઓને ઘણીવાર ડાકણ હોવાનો આરોપ ધરાવતી સ્ત્રીઓ સાથે સળગાવી દેવામાં આવતી હતી. મધ્ય યુગના સમયગાળાની ઘણી કલાકૃતિઓ અને ચિત્રોમાં કાળી બિલાડીઓ સાથે ડાકણો દર્શાવવામાં આવતી હતી. 18મી સદી સુધી ફ્રાન્સના કેટલાક વિસ્તારોમાં ઉનાળાના આગમનને ચિત્રિત કરતા બોનફાયરમાં 13 કાળી બિલાડીઓને જીવતી બાળી નાખવાનો રિવાજ હતો. યુરોપિયનો બીજા દેશોમાં પહોંચ્યા, તેની સાથે પોતાની પરંપરા અને અંધશ્રદ્ધા પણ લેતા ગયા હતા.
જોકે, બધા લોકો કાળી બિલાડીને ખરાબ માનતા નથી. બ્રિટન અને આયર્લેન્ડમાં એવું માનવામાં આવે છે કે કાળી બિલાડી તમારા રસ્તાને પાર કરે છે અથવા તમારા ઘરમાં પ્રવેશ કરે છે તે સારાં નસીબ લાવે છે. સ્કોટલેન્ડમાં ઘરના દરવાજા પર દેખાતી કાળી બિલાડીને આવનારી સમૃદ્ધિની નિશાની માનવામાં આવે છે. જાપાનમાં કાળી બિલાડી નસીબ અને સંપત્તિનું પ્રતીક છે. કાળી બિલાડી દેખાય તો તે ખરાબ સ્વાસ્થ્ય સામે રક્ષણ મળે એવું માનવામાં આવે છે. જાપાનમાં `માનેકી-નેકો' તરીકે ઓળખાતી બિલાડીની નાની પ્રતિમા સારાં નસીબ, સુખ અને સમૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જે સ્ત્રીઓ કાળી બિલાડી રાખે છે તેઓ પુરુષોને આકર્ષવામાં વધુ સફળ થાય છે.
જાણીતી માન્યતા અનુસાર ભગવાને કાગડા પહેલાં કાળી બિલાડી બનાવી હતી, તેથી તેને સૌથી શુદ્ધ કાળો રંગ મળ્યો, પરંતુ વિજ્ઞાન મુજબ તો બિલાડીને મળેલો કાળો રંગ આનુવંશિકતાનું પરિણામ છે. બિલાડીઓમાં જોવા મળતું `B' જનીન યુમેલેનિન નામના રંગદ્રવ્યનું ઉત્પાદન શરૂ કરે છે. આ રંગદ્રવ્ય બિલાડીઓની રુવાંટી તેમજ ક્યારેક તેમના નાક અને પંજા તેમનો કાળો રંગ આપે છે. બીજી રસપ્રદ વાત એ છે કે મોટાભાગની કાળી બિલાડીઓ નર હોય છે. આનું કારણ એ છે કે B જનીન X રંગસૂત્ર પર જોવા મળે છે. નર પાસે ફક્ત એક X રંગસૂત્ર હોય છે, જ્યારે માદા પાસે બે હોય છે. આનો અર્થ એ છે કે માદાને સંપૂર્ણપણે કાળી બનાવવા માટે બંને રંગસૂત્રો પર `B' જનીન હોવું જરૂરી છે. ટૂંકમાં, કાળી બિલાડી એ કોઈ શેતાનનું પ્રતીક નહીં પણ જનીનની કરામત માત્ર છે.