`અગર કિસીને ઐસી ઝુર્રત કી તો ઇતના ખૂન

બહેગા કી સારા સમંદર લાલ હો જાયેગા'

આવા ડાયલોગ ફિલ્મોમાં સારા લાગે, પણ શું વાસ્તવમાં કોઈ સમુદ્રનું પાણી અચાનક લોહી જેવું લાલ થઇ જાય ખરું?

ઈરાન નજીક આવેલા ટચૂકડા હોર્મુઝ ટાપુની આસપાસનો સમુદ્ર આજકાલ ખરેખર લાલ રંગના પાણીથી ઊભરાઈ ગયો છે. હમણાં 16 અને 17 ડિસેમ્બરે આ વિસ્તારમાં વરસાદ પડ્યો અને એ પછી જથ્થાબંધ લાલ પાણી સમુદ્રમાં ઠલવાયું. ટાપુ પર ઊભા રહીને નજર દોડાવો તો તમને રીતસર એવું લાગે કે જાણે લોહીના સમુદ્રમાં ઊભા છો! માત્ર દરિયો જ નહિ, પણ અહીંની જમીનનો પણ ઘણો હિસ્સો લાલ પાણીથી રંગાઈ ગયો છે. ઓકે, વર્ણનોમાં વધુ ઊંડા ઊતરવાને બદલે વિજ્ઞાન તરફ વળીએ.

હોર્મુઝ ટાપુ હોર્મુઝની સામુદ્રધૂની(Strait of Hormuz)માં આવેલો છે, જે પર્શિયન ગલ્ફને ઓમાનની ખાડી સાથે જોડે છે. આ સામુદ્રધુની વિશ્વના સૌથી મહત્ત્વના તેલ પરિવહન માર્ગોમાંનો એક છે, કારણ કે વિશ્વના લગભગ 20-30% ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસનો પુરવઠો અહીંથી પસાર થાય છે. ટાપુ ઈરાનના નિયંત્રણ હેઠળ છે, તેથી તે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો છે. કોઈ સંઘર્ષમાં આ માર્ગ બંધ થાય તો વૈશ્વિક અર્થતંત્ર પર મોટી અસર થઈ શકે છે.

સાચું કહેજો, આટલું વાંચીને તમારા મનમાં શું વિચાર આવ્યો? એ જ કે ક્રૂડ ઓઈલની હેરફેરને કારણે અહીંના સમુદ્રમાં ભયંકર પ્રદૂષણ ફેલાતું હશે. જેના પરિણામે હાલમાં દરિયાનું તમામ પાણી લાલ રંગનું થઇ ગયું હશે. ખરું ને? ના જી. નવાઈ પમાડે એવી વાત એ છે કે હોર્મુઝની સામુદ્રધુનીમાં ઠલવાયેલ જથ્થાબંધ લાલ પાણી પાછળ ખુદ કુદરત જવાબદાર છે.

સમગ્ર ઘટનાક્રમ આ નાના ટાપુની અનોખી ભૂસ્તરશાસ્ત્રીય રચનાને કારણે સર્જાયો છે. પર્શિયન ગલ્ફ અને હોર્મુઝ સ્ટ્રેટ નજીક સ્થિત હોર્મુઝ ટાપુ તેની રંગબેરંગી ભૂગોળ અને અનોખા ખડકો માટે જાણીતો છે. અહીંની માટી અને પર્વતો આયર્ન ઓક્સાઇડથી ભરપૂર છે. ખાસ કરીને હેમેટાઇટ નામનું ખનિજ અહીં કુદરતી રીતે જ મોટા પ્રમાણમાં મોજૂદ છે. હેમેટાઇટ (Fe2O3) એ કુદરતી આયર્ન ઓક્સાઇડ છે, જે લાલ રંગ ઉત્પન્ન કરે છે. મંગળનો ગ્રહ લાલ રંગનો દેખાય છે, એની પાછળ પણ ચંદ્રની સપાટી પર રહેલું હેમેટાઈટ ખનિજ જવાબદાર છે.

હવે કુદરતનો ખરો ખેલ સમજીએ. જ્યારે વરસાદ પડે છે ત્યારે આયર્ન ઓક્સાઈડથી લથબથ એવા પર્વતો અને જમીન એટલે કે માટીમાંથી પાણી વહે છે. પરિણામે માટીમાં હાજર હેમેટાઇટના કણો પણ પાણીના પ્રવાહમાં ભલે છે અને એને લાલચટ્ટક રંગ આપે છે. આ પાણી વહેતું વહેતું દરિયામાં જઈને ભળવાથી ટાપુની આસપાસનો દરિયો તેમજ આખો દરિયાકાંઠો પથરાયેલી રેતી સુધ્ધાં લાલ રંગે રંગાઈ જાય છે.

હવે મૂળ પ્રશ્ન. શું આ ઘટનાને પ્રદૂષણ સાથે જોડી શકાય? દરિયામાં આયર્ન ઓક્સાઈડ ભળવાથી કોઈ નુકસાન થાય ખરું? આનો જવાબ દેખાય એટલો સરળ નથી. આમ જુઓ તો જમીન અને પાણી લાલ રંગના થઇ જાય, એ એક મોસમી ઘટના છે. આવી કુદરતી ઘટનાઓ મૂળે કુદરતનાં ચક્રો સાથે જોડાયેલી હોય છે અને મોટાભાગે પર્યાવરણ માટે હાનિકારક નથી મનાતી, પરંતુ અહીં મુખ્ય પ્રશ્ન ટાપુની જમીનની સપાટીના ધોવાણ અંગેનો છે. સતત અને પર્યાપ્ત નિયંત્રણ વિના સપાટી પરની માટીનું ધોવાણ ધીમે ધીમે ટાપુની ભૂગોળ બદલી શકે છે, તેથી પર્યાવરણીય નિષ્ણાતો આ ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા છે.

અહીં થોડી વાત હોર્મુઝ ટાપુની જ્યોગ્રાફી વિશે પણ કરવી જોઈએ. આપણે ભલે લાલ રંગને લોહી સાથે જોડીએ, પણ હકીકતે લાલ પાણી આ ટાપુની સુંદરતામાં વધારો કરે છે. તમે આ ટાપુ પર જાઓ તો એવું લાગે કે જાણે પૃથ્વીનું બાંધકામ કરતી વખતે ઈશ્વરનો હાથ લાગી જવાથી આઠ-દસ રંગોની શીશીઓ આ ટાપુ પર ઢોળાઈ ગઈ હશે! અહીં ઠેર ઠેર તમને રંગબેરંગી જમીનો, ગુફાઓ-કોતરો જોવા મળશે. દુનિયાભરના પ્રવાસીઓ - ખાસ કરીને ફોટોગ્રાફર્સ હોર્મુઝ આઈલેન્ડની સુંદરતા માણવા આવે છે. કુદરતે આ ટાપુને સુંદરતા બક્ષવા માટે કેટલીક વૈજ્ઞાનિક કરામતો કરી છે.

હોર્મુઝ ટાપુ પરની સોલ્ટ કેવ્ઝ અથવા મીઠાની ગુફાઓ ટાપુના સૌથી અદ્ભુત અને વિશ્વપ્રસિદ્ધ કુદરતી આકર્ષણોમાંની એક છે. આ ગુફાઓને અહીં `ગોડેસ ઓફ સોલ્ટ કેવ' (Goddess of Salt Cave) અથવા `રેઈન્બો કેવ' (Rainbow Cave) તરીકે ઓળખવામાં આવે છે. તે ટાપુના પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં આવેલી છે, જ્યાં મોટા ભાગે સોલ્ટ ડોમ (salt dome) છે. આશરે 600 મિલિયન વર્ષ જૂની આ ગુફાઓમાં અન્ય ખનિજોની સાથે જ મીઠાના પડ વળગેલાં જોવા મળે છે. ગુફાની દીવાલો અને છત પર દેખાતા ચમકતા મીઠાના સ્ફટિકો (salt crystals) સફેદ, વાદળી, જાંબલી, ગુલાબી અને અન્ય રંગોમાં દેખાય છે. આ ટાપુ `મલ્ટિકલર' દેખાતો હોવાનું રહસ્ય આ જ છે. અમુક ગુફાઓમાં તો વિવિધ ખનિજોની હાજરીના પ્રતાપે સાતેસાત રંગો જોવા મળે છે. આવી ગુફાઓ રેઈનબો કેવ્ઝ તરીકે પણ ઓળખાય છે. હોર્મુઝ આઈલેન્ડ પર કુદરતે વેરેલા સૌંદર્યને માણવું હોય અને સોલ્ટ સહિતની ખનિજોના ફોર્મેશન્સ જોવાં હોય તો Discover Hormuz Island લખીને You Tube પર સર્ચ કરો ને જલસા કરો.