ભારતીય સેના વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાંની એક છે. કડકડતી ઠંડી હોય કે રણની ગરમી, આપણા જવાનો દેશની રક્ષા માટે હંમેશાં સજ્જ રહે છે. સેના પ્રત્યેના આ આદરની સાથે જ તેમનાં વાહનોની પણ એક અલગ ઓળખ હોય છે
જ્યારે પણ તમે રસ્તા પર ભારતીય સેનાનાં વાહનો પસાર થતાં જોયાં હશે, ત્યારે તમારી નજર તેની નંબર પ્લેટ પર ચોક્કસ ગઈ હશે. સામાન્ય ગાડીઓ કરતાં આ નંબર પ્લેટ સાવ અલગ હોય છે. જેમાં એક ઉપર તરફ જતા તીરનું નિશાન અને મોટો સીરિયલ નંબર હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નંબરનો અર્થ શું થાય છે અને તે કેમ અલગ રાખવામાં આવે છે? આવા જ સવાલોના જવાબો જાણીએ.
ગાડીઓનો નંબર અલગ હોવાનું મુખ્ય કારણ
ભારતીય સેનાનાં વાહનોના નંબર સુરક્ષા અને ગોપનીયતા(પ્રાઈવસી)ના કારણોસર અલગ રાખવામાં આવે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે સેનાનાં વાહનો RTO (Regional Transport Office)માં નોંધાયેલાં હોતાં નથી. આ વાહનોનું રજિસ્ટ્રેશન સીધું રક્ષામંત્રાલય (Ministry of Defence) દ્વારા કરવામાં આવે છે. આ વિશિષ્ટ નંબરની મદદથી સેના ઓળખી શકે છે કે કયું વાહન કયા કમાન્ડનું છે.
નંબર પ્લેટ પરના `તીર'નો અર્થ
સેનાની ગાડી પર નંબરની શરૂઆતમાં જ ઉપરની તરફ જતા એક તીરનું નિશાન હોય છે, જેને `બ્રોડ એરો' કહેવામાં આવે છે. આ ચિહ્નનો ઉપયોગ બ્રિટિશ કાળથી થતો આવે છે. આ તીરનો અર્થ એ છે કે સંબંધિત વાહન સીધું સરકારની માલિકીનું છે અને તે સંરક્ષણ સેવા હેઠળ આવે છે.
નંબર અલગ હોવાના અન્ય ફાયદાઓ
રાજ્ય બદલાતાં રજિસ્ટ્રેશનની જરૂર નથી : સેનાનાં વાહનોએ આખા દેશમાં ગમે ત્યાં જવાનું હોય છે. સામાન્ય વાહનોની જેમ રાજ્ય બદલાતાં તેમને નવું રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર પડતી નથી. એક જ નંબર આખા ભારતમાં માન્ય રહે છે.
ટેક્સમાંથી મુક્તિ : આ વાહનો રાષ્ટ્રીય સુરક્ષા માટે તૈનાત હોવાથી તેમને રોડ ટેક્સ કે ટોલ ટેક્સ (Toll Tax)માંથી મુક્તિ આપવામાં આવે છે.
ગોપનીયતા અને સુરક્ષા : યુદ્ધ કે કટોકટી જેવી સ્થિતિમાં સેનાની હિલચાલ ગુપ્ત રાખવી જરૂરી હોય છે. આ સ્પેશિયલ નંબરને કારણે સામાન્ય માણસ એ નથી જાણી શકતો કે આ વાહન સેનાના કયા ચોક્કસ વિભાગનું છે, જે સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ જરૂરી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો