આ છાપું જે અંગ થકી વાંચી શકાય છે એ આંખની કીકી ગોળ છે અને આ દુનિયા પણ ગોળ છે. બધું ગોળ છે. સૃષ્ટિનો કોઈ તાગ મેળવી શક્યું નથી કે આખું બ્રહ્માંડ કોઈ જોઈ શક્યું, નથી પણ એ પણ ગોળ જ છે એવું ખાતરી સાથે કહી શકાય.
ગોળ આકાર આપણી ઉપર રાજ કરે છે ને માણસોને ગોળાકાર બધું જ ગમે છે. આદિમાનવોના સમયથી આજના આધુનિક સમય સુધી માનવજાતનું ગોળ આકાર માટેનું વળગણ છૂટ્યું નથી. ઈરાન ઉપર ફેંકાતા મિસાઈલનો આકાર પણ ગોળ છે અને ટ્રમ્પ જે માઈકમાં બોલે છે એ પણ ગોળ છે. દુનિયાના કોઈ પણ ખૂણે નજર કરો, ગોળાકાર જ ગોળાકાર. અનેક આકારોમાંથી કેમ ગોળ આકાર જ શીર્ષાસન ઉપર બેઠેલો છે? બીજા બધા આકારો કેમ નીચી પાયરીના છે? માણસને ગોળાકાર વસ્તુનું આટલું બધું વળગણ કેમ છે?
ડિશ ગોળ છે. પ્લેટ ગોળ છે. સમયને માપતી ઘડિયાળ ગોળ છે. આપણા દિવસ અને રાત બનાવતા સૂરજ અને ચંદ્ર પણ ગોળ છે. આકાશમાં ઊડતા પ્લેનનાં પૈડાં કે ખાડાવાળા રોડ પર ચાલતા ગાડાનાં વ્હીલ પણ ગોળ છે. જેના થકી દુનિયા ચાલે છે એ ચલણી નાણાંના મુખ્ય એકમ સમા સિક્કા પણ ગોળાકાર જ છે. ઝાડનું થડ ગોળ કે બર્ગરનું પાંઉ ગોળ. અરે, ખાસ કરીને કાઠિયાવાડમાં ખવાતા કાચી-પાંત્રીસના ફાકીના માવાને પણ રબર બેન્ડ ભરાવીને ગોળ આકાર આપીને પછી મસળવામાં આવે છે. બધું જ સર્કલ ને રાઉન્ડ કેમ? ચાર રસ્તા ઉપર પણ સર્કલ-રાઉન્ડ અબાઉટ બને તે ગોળ હોય છે. ત્યાં ગોળ આકૃતિ ન હોય તો પણ એને માણસો કહે તો ચોકડી કે સર્કલ જ, અર્થાત્ ગોળાકાર. માનવજાત ગોળ આકારથી ઘેરાયેલી છે. ખુદ એક ગોળ બબલની અંદર રહે છે. એલિયન્સ પૃથ્વીની મુલાકાત લે તો સમરીમાં એવું કહે કે આ જીવોને ગોળ આકારનું ઘેલું લાગ્યું છે.
સહેજ પણ ભણેલા હશો કે આઈક્યૂ યુદ્ધખોર દેશોના અમુક વડાઓ કરતાં વધુ હશે તો એનો જવાબ એવો આવશે કે ગોળાકાર એ વ્યવહારુ છે. ઈજનેરો કે ગણિતજ્ઞ એમ કહેશે કે કેન્દ્રથી સપાટી પરના દરેક બિંદુનું અંતર સમાન થાય એવો એકમાત્ર સિમેટ્રિકલ આકાર ગોળ છે માટે તેની ઉપયોગિતા વધુ છે. ચોરસ પૈડાંવાળી સાઇકલ ચલાવવી અઘરી પડે. ફિઝિક્સના નિષ્ણાતો કહેશે કે ગોળ આકાર એકદમ ડેમોક્રેટિક છે એટલે કે દરેક બિંદુ ઉપર આવતું પ્રેશર એકસમાન હોય. માટે આવો આકાર તણાવ વધુ સમય સુધી સહન કરી શકે. કેમેસ્ટ્રીના નિષ્ણાત કહેશે કે જુઓને અણુ-પરમાણુ કે ઈલેક્ટ્રોન કે પ્રોટોન પણ ગોળ જ છેને. કુદરતને પણ ગોળ આકાર જ ફાવે છે. ગુરુત્વાકર્ષણ બળનો પ્રિય આકાર એક જ છે. પાણીની બુંદો કે પરપોટા પણ ગોળ જ બની જાય. જાણે આખો સંસાર આપણને કહેતો હોય કે ટકી રહેવું હોય તો વર્તુળનો આધાર લો, ખૂણા જેવા અણીદાર થવા જશો તો બટકી જશો.
પણ માણસની મહેચ્છાઓ અને આપણી સંસ્કૃતિ તો ફિઝિક્સ કે કેમેસ્ટ્રીથી ચાલતા ન હોયને. તો જે બાબતો આપણા હાથમાં છે એમાં પણ આપણે ગોળ આકારનો જ આધાર લીધો છે. સગાઇ થાય ત્યારે વીંટી પહેરાવીએ તે ગોળ છે. તે ચોરસ નથી, ત્રિકોણ નથી. વર્તુળ છે. કેમ? વર્તુળને કોઈ છેડો નથી હોતો. ના તો શુરૂઆત હોતી હૈ, ના હી અંત. ગોળ રસ્તાની સફરનો છેડો ક્યાય આવે નહિ. માટે એ અનંતની વાટ કહેવાય. ફોરેવર. શાશ્વત. ગોળ આકાર સનાતન છે. માણસનું મગજ પણ ખાસ વિકસ્યું ન હતું તેવા સમયથી ગોળ આકાર માણસની શાશ્વત ઈચ્છાઓનું પ્રતિનિધિત્વ કરતો આવ્યો છે. વર્તુળ આકારની વીંટી પ્રેમીનું પ્રેમિકા માટેનું કમીટમેન્ટ દર્શાવે છે. જે ક્ષણે બે પ્રેમીઓ એકબીજાની સાથે જિંદગીભર રહેવાનું નક્કી કરે ત્યારથી ધાતુની વર્તુળાકાર ચીજને ગમતા બંધન તરીકે ધારણ કરે. માનવ સંસ્કૃતિએ ભૌમિતિક આકારને પસંદ કર્યો, માનવદિલની લાગણીઓને પ્રસ્તુત કરવા માટે. (એ જ બે પ્રેમીઓ જો ડિવોર્સ ફાઈલ કરે તો ફાઈલ પેપર ઉપર લાગતો કોર્ટનો સિક્કો પણ ગોળ જ હોય છે!)
‘મૈં સમય હૂં’ - આ લાઈનથી મહાભારત સીરિયલની શરૂઆત થતી અને અવકાશમાં એક ચક્ર ફરતું દેખાતું. વર્ષની ઋતુઓની ઘટમાળ પણ મોસમના ચક્ર તરીકે ઓળખાય છે. ઈતિહાસ પણ પુનરાવર્તિત થતો હોય છે. થોડા વર્ષો પહેલાં ઈરાકને અમેરિકાએ ધમરોળ્યું હતું તો આજે ઈરાનનો વારો છે. કોરોના સમયે વસ્તુઓની કટોકટી ઊભી થઇ હતી તો આજે પેટ્રોલ અને એલપીજીની ઊભી થઇ છે. આ પણ એક ચક્ર જ છેને? અસ્તિત્વની ફિલસૂફી જ આ છે. એક ચક્રના દાંતામાં રહેલો બીજા ચક્રનો દાંતો. આ બધાં ચક્રો એક વિશાળ ચક્રને અવિરત ફેરવતા રહે. એ વિશાળ ચક્રને જ આપણે નસીબ કહેતા હોઈશું?
બૌદ્ધ લોકો હાથમાં જે ગોળ ગોળ ફેરવે એ પણ એક ચક્ર છે. આપણા શરીરમાં સાતેક ચક્ર આવ્યાં છે એવું સ્પિરિચ્યુઅલ ગુરુઓ કહેતા હોય છે. ભારતીય પરંપરામાં મંડલની વાત છે. મંડલા આર્ટનાં ચિત્રો અત્યારે પણ પ્રખ્યાત છે. અત્ર તત્ર સર્વત્ર વર્તુળ છે. કર્મનું ચક્ર પણ ગોળ છે. દુનિયા ગોળ છે
એવું આપણે ઘણા અર્થમાં કહેતા રહીએ છીએ. ગોળ આકાર એકદમ અહિંસક આકાર છે. બીજા આકારોમાં તીક્ષ્ણ ખૂણા છે. વર્તુળ સંતુલિત છે. શરૂઆત અને અંત ખબર ન હોવાના કારણે કોઈ બિંદુનો અહમ જોખમાતો નથી. મા-બાપ બાળકને ઉછેરે. બાળક ગર્ભાશયમાં ગોળ આકારે ગોઠવાયેલું હોય. એ જ મા-બાપ ઘરડાં થાય ને એની કરોડરજ્જુ ગોળ વળી જાય ત્યારે તેમને તેનાં બાળકો વ્હીલચેરમાં બેસાડીને સાચવતાં હોય છે. ગોળ શું માત્ર આકાર છે? જો સત્યને ઈશ્વર કહી શકાતો હોય તો ગોળ આકારને ન કહી શકાય?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો