થોડા દિવસ પહેલાં કેરેબિયન અને મેક્સિકોના અખાતમાં `જુલિયન' નામનું શક્તિશાળી વાવાઝોડું સક્રિય થયું હતું. તેને કેટેગરી 4નું વાવાઝોડું જાહેર કરવામાં આવ્યું છે. ક્યૂબા, જમૈકા અને અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લાખો લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું. મૂળ વાવાઝોડું (જેને હરિકેન, ટાયફૂન કે સાયક્લોન પણ કહેવાય છે) એ ઉષ્ણકટિબંધીય સમુદ્ર પર રચાતું એક અત્યંત શક્તિશાળી અને વિનાશક તોફાન છે. (ઉષ્ણકટિબંધીય વિસ્તારોની બહાર પણ શક્તિશાળી તોફાનો આવે છે, પરંતુ તે વાવાઝોડા કરતાં થોડાં અલગ હોય છે) જ્યારે સમુદ્રનું તાપમાન 27oCથી વધુ હોય, ત્યારે ગરમ અને ભેજવાળી હવા ઝડપથી ઉપર ઊઠે છે. આ પ્રક્રિયાથી ઓછા દબાણનો વિસ્તાર બને છે અને પૃથ્વીના પરિભ્રમણને કારણે હવા ગોળ-ગોળ ફરવા લાગે છે, જે એક વિશાળ વાવાઝોડાનું સ્વરૂપ લે છે.

વાવાઝોડાની કેટેગરી

વાવાઝોડાને તેની તીવ્રતા અને સંભવિત નુકસાનના આધારે કેટેગરીમાં વહેંચવામાં આવે છે, જેથી લોકોને તેની ગંભીરતા વિશે ચેતવણી આપી શકાય. આ માટે `સેફિર-સિમ્પસન હરિકેન વિન્ડ સ્કેલ' (Saffir-Simpson Hurricane Wind Scale)નો ઉપયોગ થાય છે.

આ સ્કેલ વાવાઝોડાના કેન્દ્રમાં પવનની ગતિના આધારે 1થી 5 સુધીની કેટેગરી નક્કી કરે છે: કેટેગરી 1 : સામાન્ય નુકસાન (પવનની ગતિ 119-153 km/h).

કેટેગરી 2 : મધ્યમ નુકસાન (પવનની ગતિ 154-177 km/h).

કેટેગરી 3 : વ્યાપક નુકસાન (પવનની ગતિ 178-208 km/h).

કેટેગરી 4 : ભયાનક નુકસાન (પવનની ગતિ 209-251 km/h).

કેટેગરી 5 : મહાવિનાશક નુકસાન (પવનની ગતિ 252 km/h થી વધુ).

આ કેટેગરી લોકોને તોફાન કેટલું ખતરનાક છે તે સમજવામાં અને તે મુજબ સુરક્ષાની તૈયારી કરવામાં મદદ કરે છે.