અંગ્રેજોની ગુલામીની ધૂંસરી ફગાવી લોકતાંત્રિક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યે આપણને પોણી સદી કરતાં વધુ સમય વીતી ગયો છે. રાજાશાહીના રહ્યાસહ્યા અંશો પણ હવે તો નામશેષ થઈ ગયા છે.
તો પણ સુશાસન અને પ્રજાવત્સલ શાસકની વાત આવે છે ત્યારે આપણે કેટલાક રાજવીઓને યાદ કરીએ છીએ. વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડ(જન્મ 11 માર્ચ, 1863, અવસાન - 6 ફેબ્રુઆરી, 1939)નું નામ તેમાં મોખરે છે. ઉદાર, પ્રગતિશીલ અને સુધારક રાજા તરીકે સયાજીરાવનું પ્રદાન ભલભલા લોકશાહી શાસકોની તુલનામાં પણ અનેકગણું ચડિયાતું છે.
ગાયકવાડ વંશના પણ રાજાના સીધા વારસદાર નહીં, પણ દત્તક પુત્ર તરીકે રાજવી બનેલા સયાજીરાવ ત્રીજા રૂપે ઓળખાતા સયાજીનું બાળપણનું નામ ગોપાળ હતું. તેમનું જન્મસ્થળ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકાનું કવળાણા ગામ. 12 વર્ષના સગીર ગોપાળનો 27મી મે, 1875ના દિવસે વડોદરાના મહારાજા તરીકે રાજ્યાભિષેક થયો ત્યારે તે નિશાળનું પગથિયું ચડ્યા નહોતા. સાવ જ નિરક્ષર સયાજીનું અંગ્રેજો અને બીજાઓ દ્વારા એવું તો શિક્ષણ થયું કે 76 વર્ષની આયુ અને 58 વર્ષના રાજવટને અકલ્પ્ય સામાજિક નિસબત સાથે તેમણે દીપાવ્યા હતા અને એક ઓજસ્વી અને તેજસ્વી રાજા તરીકે દેશભરમાં નામના પામ્યા હતા.
8600 ચોરસ માઈલનું વડોદરા રાજ્ય વડોદરા, કડી, નવસારી અને અમરેલી પ્રાંતોનું બનેલું હતું. 1890માં 22 લાખની વસ્તીના વડોદરા રાજ્યમાં 2931 ગામડાં આવેલાં હતાં. લગભગ 19મા સૈકાની છેલ્લી પચીસી અને 20મા સૈકાની પહેલી પચીસી (ઈ.સ.1881થી 1939)ના શાસનકાળ દરમિયાન સયાજીરાવે પ્રજાહિતનાં અનેક કામો થકી વડોદરાને એક વિકસિત અને આધુનિક રાજ્ય તરીકે વિશ્વનકશે મૂક્યું હતું. આરંભે નિરક્ષર એવા આ મહારાજાએ પોતાના રાજ્યમાં શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. તેમાં પણ મહિલાઓ, પછાતવર્ગો અને ખાસ તો કથિત અસ્પૃશ્યોનાં બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરી હતી. કન્યાઓ અને દલિત બાળકો માટે શાળાઓ શરૂ કરી હતી. ફરજિયાત શિક્ષણનો કાયદો કર્યો તથા તેનો દૃઢતાથી અમલ કર્યો હતો. 1892માં મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરતી વેળાના જાહેર વ્યાખ્યાનમાં તેમણે કહ્યું હતું કે, `પ્રાથમિક શિક્ષણનો પ્રચાર કરવાના ઉદ્દેશ જેટલી બીજી કોઈ વસ્તુ મને પ્રિય નથી.' 1909માં વડોદરા રાજ્યમાં 336 અંત્યજ શાળાઓ ચાલતી હતી અને તેમાં 10,000 છોકરા-છોકરીઓ ભણતાં હતાં. ડો. આંબેડકર સહિત ઘણા લોકોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા તેમણે આર્થિક મદદ કરી હતી.
જેમ શિક્ષણ તેમ આભડછેટ નિવારણ પણ તેમની પ્રાથમિકતા હતી. `કમકમાટી ઉપજાવે તેવા ઉચ્ચ વર્ણના લોકોના જુલ્મ જહાંગીરી સામે હું બળવાનો પોકાર કરવાની તક લઈશ' એવી 1909માં એમણે ઘોષણા કરી હતી અને તેને ચરિતાર્થ પણ કરી હતી. પોતાના રાજ્યમાં જ્યારે બ્રાહ્મણ શિક્ષકોએ દલિત બાળકોને ભણાવવાનો ઈન્કાર કર્યો હતો ત્યારે તેમણે આરંભે તેના વિકલ્પે મુસ્લિમ અને ખ્રિસ્તી શિક્ષકોને નિમ્યા હતા, પરંતુ તક મળી ત્યારે આભડછેટમાં માનનારાને પાઠ પણ ભણાવ્યો હતો. 1913માં મૂળદાસ વૈશ્ય (જે પછીથી આઝાદ ભારતની પાર્લામેન્ટના સભ્ય બન્યા હતા) નામના એક દલિત કિશોરને સરકારી હાઈસ્કૂલમાં પ્રવેશ મળ્યો તો તેના વિરોધમાં વિદ્યાર્થીઓએ હડતાળ પાડી હતી. મહારાજા સયાજીરાવને તેની જાણ થતાં તેમણે હડતાળમાં સામેલ રાજ્યના સરકારી અમલદારોનાં બાળકોનાં નામ-ઠામ મંગાવવાનો અને બધા શિક્ષકો ભેગા થઈ દલિત કિશોર મૂળદાસને ભણાવે તેઓ હુકમ કર્યો હતો. બનારસ હિન્દુ યુનિવર્સિટીને તેઓએ પ્રવેશમાં દલિત વિદ્યાર્થીઓ માટે બે સીટ્સ રિઝર્વ રાખવાની શરતે દાન આપ્યું હતું. 1933માં જ્ઞાતિ ત્રાસ નિવારણધારો ઘડ્યો હતો. 1936માં સયાજી હીરક મહોત્સવ ટાણે ગ્રામ-પછાતવર્ગો માટે રૂ. 1 કરોડના અલગ નિધિની જોગવાઈ કરી હતી. જોકે, આજ વડોદરા રાજ્યમાં દલિત હોવાને કારણે રહેવા ઘર ન મળતાં ડો. આંબેડકરને નોકરી છોડવી પડી હતી. તે પણ કડવી વાસ્તવિકતા છે.
વડોદરા રાજ્યમાં બરોડા કોટન એન્ડ સ્પિનિંગ મિલ્સ તથા બરોડા બેન્કની સ્થાપના સયાજીરાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે. શાળા-મહાશાળા, હોસ્પિટલ અને ન્યાયમંદિર તેમના રાજમાં બન્યાં હતાં. દુકાળ રાહત, નળથી જળ અને સિંચાઈ યોજના જેવી નવતર યોજનાઓ પણ ઘડી હતી. વડોદરા રાજ્ય તેનાં ગ્રંથાલયો માટે આજે પણ જાણીતું છે. ન માત્ર નગરોમાં નાનાં ગામોમાં
અને ફરતાં પુસ્તકાલયો તેમણે સ્થાપ્યાં હતાં. સંસ્કૃત પાઠશાળા ઉપરાંત સઘળી કલાઓ માટેની આર્ટ્સ ફેકલ્ટી સાથેની યુનિવર્સિટી અને કલાભવન પણ તેમની ભેટ છે. રાજવહીવટ ગુજરાતીમાં જ ચલાવવાનો આદેશ તેમણે કર્યો હતો.
લોકશાહી છેક નીચેના ભાગ સુધી પહોંચે તે માટે તેમણે 1891માં ગ્રામપંચાયતોની રચના કરી હતી. જેમ રાજવહીવટમાં તેમ રાજ્યની ધારાસભામાં દલિતો માટે અનામત બેઠકોનો કાયદો ઘડ્યો હતો. મહિલાઓ માટેનાં અનેક ક્રાંતિકારી પગલાં તેમણે ભર્યાં હતાં. હિન્દુ વિધવા પુનર્લગ્ન કાયદો (1901), ખાસ લગ્નધારો, (1908), બાળલગ્ન નિષેધધારો (1915), સગોત્ર વિવાહછૂટ અને છૂટાછેડાધારો (1931), સ્ત્રીવારસાહક વિસ્તુતિ (1933), વિધવા મિલકત હકનો કાયદો (1938) વગેરે કાયદા ઘડ્યા હતા. જે એ જમાનાથી ઘણા આગળના હતા. સરકારી નોકરીઓમાં મહિલાઓના પ્રવેશના પણ તે પક્ષધર હતા. સાથે જ મહિલાઓ આર્થિક રીતે પગભર થાય તે માટે સ્ત્રી ઉદ્યોગાલયની સ્થાપના કરી હતી.
વડોદરા રાજ્ય અને તેના રાજવી અંગ્રેજોના મિત્ર ગણાતા હતા, પરંતુ સયાજીરાવ આઝાદીના આંદોલનોથી સાવ અળગા રહેતા નહોતા. ગાંધીજીને તેઓએ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ વખતે આર્થિક મદદ કરી હતી. 1930ની દાંડીયાત્રાને તેમના રાજ્યમાં રાજ્યાશ્રય આપતાં તેઓ અચકાયા નહોતા. અવસાનનાં વર્ષોમાં તેઓ જવાબદાર રાજતંત્રની કોંગ્રેસની માંગણી અને પ્રજામંડળો સાથે પણ પરોક્ષપણે જોડાયેલા રહ્યા હતા. 1939ની 20થી 22 જાન્યુઆરી (અવસાનના પખવાડિયા પહેલાં) પ્રજામંડળના નિમંત્રણે સરદાર પટેલ વડોદરા આવ્યા હતા અને ત્રણ દિવસ મોટું તોફાન પણ થયું હતું.
સયાજીરાવ ગાયકવાડ એ સમયના અન્ય રાજાઓની જેમ વિલાસી, શિકાર, મોંઘાં કપડાં, સારી ખાણી-પીણી, ઘોડેસવારી, કીમતી આભૂષણો અને મહિલા મિત્રાચારીના શોખીન ન હતા, પરંતુ તેમના હૈયે વડોદરા રાજ્યનું અને તેની પ્રજાનું હિત સદાય વસેલું હતું. ખુદના અધિકારો પર કાપની પરવા વિના છેક 1907માં તેમણે રાજ્યમાં કાયદા ઘડવા ધારાસભાની રચના કરી હતી. તેમને એક એકથી ચડિયાતા દીવાનો મળ્યા અને દેશ-વિદેશના જાણીતા વિદ્વાનો (અરવિંદ ઘોષ, ડો. આંબેડકર, ધર્માનંદ કોસાંબી, વિઠ્ઠલ રામજી શિંદે)નો સાથ મળ્યો હતો. જેમ પુસ્તકાલયો તેમ વ્યાખ્યાનો માટે પણ તેમણે ખાસ પ્રયત્નો કર્યા હતા.
આજે તો વડોદરાનો સયાજીબાગ કે લક્ષ્મીવિલાસ પેલેસ સયાજીરાવની ઓળખ બની જાય તેવી સ્થિતિ છે ત્યારે તેમના અનેક ક્રાંતિકારી, અનોખા અને દીર્ઘદૃષ્ટા કાર્યોની સ્મૃતિ સાથે લોકશાહી ભારતમાં તેના ઘડતર અને અમલની હાલત વિચારીએ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
