દિલ્હીમાં થોડા દિવસ પહેલાં એક ઘટના બની હતી. બાર વર્ષનો છોકરો આખો દિવસ મોબાઇલ પર ગેમ રમ્યે રાખતો હતો. તેનાં મા-બાપે એને મોબાઇલનો મર્યાદિત ઉપયોગ કરવા ખૂબ સમજાવ્યો, પણ એ કોઇ વાત માનવા તૈયાર નહોતો. આખરે એક દિવસ તેની માતાએ દીકરાના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લીધો. છોકરાનું મગજ છટક્યું અને એણે આખા ઘરમાં તોડફોડ મચાવી. હાથમાં આવ્યું એ તોડી નાખ્યું. માતાને સમજાયું નહીં કે, આને એવું તે શું થઇ ગયું? હવે એને કંટ્રોલ કેમ કરવો? તેને મનોચિકિત્સક પાસે લઇ જવામાં આવ્યો. બાળકની તપાસ કરીને કહ્યું કે, તેણે આવું કર્યું એનું કારણ ડોપામાઇન લૂપ છે. ડોપામાઇન લૂપની અસર આમ તો દરેકેદરેક માણસને થાય છે, પણ બાળકોમાં તેની અસર વધુ જોવા મળે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો એક અહેવાલ એવું કહે છે કે, દસથી ઓગણીસ વર્ષની વયના દર દસમાંથી એક વ્યક્તિ કોઇ ને કોઇ માનસિક વિકારથી પીડાઇ રહ્યા છે. આ આંકડો સતત વધી રહ્યો છે. ડોપામાઇન લૂપના કિસ્સામાં તોડફોડ કરે કે ઉધામા મચાવે ત્યાં સુધી તો હજુયે બરાબર છે, કેટલાક કિસ્સાઓમાં બાળકો આપઘાત કરવા સુધી પહોંચી જાય છે. આખી દુનિયા માટે આ સમસ્યા વધુ ને વધુ ગંભીર બની રહી છે.
ડોપામાઇન લૂપ એ એક એવું મનોવૈજ્ઞાનિક અને જૈવિક ચક્ર છે, જેના કારણે માણસને કોઇ ચોક્કસ પ્રવૃત્તિથી મળતા આનંદને સતત દોહરાવવાનું મન થાય છે. જેમાંથી આનંદ મળતો હોય એ કામ એને વારંવાર કરવા જોઇએ છે. જુગાર અને નશાનો સમાવેશ પણ એમાં જ થાય છે. ડોપામાઇન લૂપ અગાઉ પણ હતું જ, મોબાઇલ આવ્યા પછી એ બહુ સામાન્ય થઇ ગયું છે. એ તો હવે બધા જ જાણે છે કે, ડોપામાઇન એ હેપી હોર્મોન છે. ડોપામાઇન આનંદ, ઉત્સાહ અને પ્રેરણા ઉત્પન્ન કરે છે. આપણે ગુડ ફીલ કરીએ છીએ. ડોપામાઇન હોર્મોનનો શરીરમાં સ્રાવ થાય, મજા આવે એટલે આપણું મગજ આપણને સંકેત આપે છે કે, ફરીથી કર. આપણે એ ફરી કરીએ છીએ. રીલ જોવાનું શરૂ કરીએ એ પછી રીલ જોતા જ રહીએ છીએ એનું કારણ પણ ડોપામાઇન લૂપ જ છે. બધું ચાલે ત્યાં સુધી તો બરાબર છે, પણ એમાં બ્રેક પડે એટલે માણસ અપસેટ થઇ જાય છે. આપણે કોઇ પોસ્ટ અપલોડ કરીએ એ પછી એને મળતી લાઇક્સ અને કમેન્ટ્સ પણ ડોપામાઇન રિલીઝ કરે છે. માણસને આદત પડી જાય છે અને એ લૂપમાં ફસાઇ જાય છે.
આજના હાઇટેક સમયમાં માણસને મોબાઇલની લત લાગી ગઇ છે. માણસને મોબાઇલ વગર જિંદગી જ નક્કામી લાગવા માંડી છે. કંઇ કામ ન હોય તો પણ માણસ મોબાઇલ લઇને બેસી રહે છે. બધા મેસેજથી માંડીને ઇ-મેલ જોઇ લીધા હોય તો પણ માણસ મોબાઇલ છોડી શકતો નથી. સોશિયલ મીડિયા સાથે ચોંટેલો રહે છે. માણસ હવે એવું માનવા લાગ્યો છે કે, હવેની લાઇફમાં સોશિયલ મીડિયા મસ્ટ છે. સોશિયલ મીડિયા નહીં વાપરીએ તો આપણે પાછળ રહી જશું. સમાજમાં શું ચાલે છે એની આપણને ખબર જ નહીં પડે. એમાંયે જે લોકો જાહેર જીવનમાં છે એને તો સોશિયલ મીડિયા વગર ચેન પડતું નથી. માનસશાસ્ત્રીઓ કહે છે કે, આવું જ ચાલ્યું તો એક સમયે મોટાભાગના લોકો માનસિક બીમારીઓનો ભોગ બની જશે. તમે ક્યારેય ચેક કર્યું છે કે, તમે દિવસના કેટલા કલાક મોબાઇલ વાપરો છો? ખરેખર એટલો સમય મોબાઇલ વાપરવાની તમારે જરૂર છે ખરી? મોબાઇલના કારણે તમારાં રૂટિન કામ તો ડિસ્ટર્બ નથી થતાંને? ક્યારેક હિંમત કરીને બે-ચાર કલાક મોબાઇલ ન જુઓ અને વિચારો કે મેં મોબાઇલ ન જોયો તો શું આભ ફાટી પડ્યું?
ડિજિટલ ડિટોક્સની વાતો આજકાલ બહુ ચાલી છે. આ વિશે હમણાં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં એવું બહાર આવ્યું હતું કે, બીજા કોઇ વ્યસનથી મુક્ત થવા જેટલું જ કઠિન મોબાઇલના વ્યસનથી મુક્ત થવામાં છે. સિગારેટ અને બીજાં વ્યસનોથી તો શારીરિક નુકસાન થાય છે, એટલે માણસ એમાં થોડીક સાવચેતી રાખે છે. માણસને એ વિચાર જ નથી આવતો કે, મોબાઇલના વધુ પડતા ઉપયોગથી માનસિક નુકસાન કેટલું જાય છે. મોબાઇલ કોઇ માણસ એકઝાટકે છોડી શકતો નથી. એના માટે નિષ્ણાતો એક ઉપાય સૂચવે છે. તેઓ કહે છે કે, જ્યારે મોબાઇલ જોવાનું મન થાય ત્યારે તમારા મનને જ એવું કહો કે, પાંચ-દસ મિનિટ પછી જોઇશ, શું ઉતાવળ છે? ધીમે ધીમે એ સમય વધારતા જાવ. મોબાઇલનો ઉપયોગ કર્યા પછી પણ એટલું વિચારો કે, મને શું મળી ગયું? કેટલીક વખત આપણને એવો ભ્રમ થાય છે કે, રીલ જોઇને આપણા જ્ઞાનમાં વધારો થાય છે, જાણકારી વધે છે, અલબત્ત, મોટાભાગના કિસ્સામાં એ માત્ર ભ્રમ હોય છે. રીલ જોઇએ ત્યારે કેટલીક વાતો સારી અને સાચી લાગે છે, પણ એ બધી વાતો થોડા જ સમયમાં ભુલાઇ જાય છે. બીજી રીલ ચાલુ થાય એટલે અગાઉ જોયેલી રીલને આપણું મગજ ઇરેઝ કરી નાખે છે. સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવી રીતે કામ કરે છે કે, આપણને ગમતું હોય એ જ આપણી સામે આવ્યા રાખે છે. સોશિયલ મીડિયા એવી ટ્રેપ છે કે, એમાં એક વખત ફસાઇ ગયા પછી આસાનીથી મુક્ત થઇ શકાતું નથી.
ડોપામાઇન લૂપની અસરો ગંભીર હોય છે. માણસ અધીરો અને બહાવરો થઇ જાય છે. માણસ લાંબું વાંચી શકતો નથી, લાંબો વીડિયો પણ જોઇ શકતો નથી, એને બધું ઇન્સ્ટન્ટ જોઇએ છે. લિફ્ટ આવતા વાર લાગે તો પણ એ બેચેન થઇ જાય છે. તરત જ મોબાઇલ જોવા લાગે છે. કાર કે કોઇ વાહનમાં જતા હોય અને સિગ્નલ બંધ હોય તો પણ મોબાઇલ જોવા લાગે છે. કેટલાક લોકો તો ચાલુ વાહને મોબાઇલ જોતા હોય છે. માણસને સમજાતું જ નથી કે એવું તે શું રહી જાય છે કે, હું આટલો બધો આકુળવ્યાકુળ થઇ જાઉં છે. એનું કારણ ડોપામાઇન લૂપ છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે, ડોપામાઇન લૂપ એ આધુનિક સમયનું અદૃશ્ય વ્યસન છે. માણસે પોતે જ પોતાનામાં આ વ્યસન શોધવું પડશે અને તેનાથી મુક્ત થવું પડશે.
તબીબી જગતના એક્સપર્ટ્સ ડોપામાઇન લૂપ વિશેના અભ્યાસ બાદ એવું કહે છે કે, માણસના મગજનો આગળનો ભાગ જેને પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે એ આપણી લાગણીઓ અને ગુસ્સા પર કાબૂ રાખે છે. સતત ડોપામાઇન લૂપમાં રહેવાથી મગજનો આ ભાગ નબળો પડે છે. એ ભાગ નબળો પડવાથી માણસનો પોતાની લાગણીઓ પર જ કાબૂ રહેતો નથી અને માણસનું મગજ નાની નાની વાતોમાં છટકે છે. તબીબો કહે છે કે, ડોપામાઇન લૂપના કિસ્સાઓમાં માણસના હાથમાં મોબાઇલ ન હોય ત્યારે એ ચીડિયાપણું અનુભવે છે. કોઇ અગત્યનું કામ કરતા હોય ત્યારે એનું ધ્યાન ભટકતું રહે છે અને મોબાઇલ જોવાનું મન થયા રાખે છે. ઇન્ટરનેટ સ્લો હોય તો પણ એ પરેશાન થઇ જાય છે. રાતે મોડે સુધી મોબાઇલ સાથે ચોંટેલા રહે છે એટલે સવારે ઊઠે ત્યારે ફ્રેશ ફીલ કરવાના બદલે થાકેલા હોય એવું લાગે છે. સવારથી જ એનો મૂડ ખરાબ હોય છે. સવાર સારી ન પડે એટલે આખો દિવસ સરખું કામ થઇ શકતું નથી. છેલ્લે નિષ્ણાતો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, એક લાઇનમાં કહેવું હોય તો એટલું જ કહેવા જેવું છે કે, મોબાઇલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરો, નહીંતર તમારી હાલત ખરાબ થઇ જશે. તમારા સંબંધો અને તમારી લાઇફ દાવ પર લાગી જશે. મોબાઇલના કિસ્સામાં પણ સમય વર્તે સાવધાન થઇ જવાની જરૂર છે. જરાકેય ગાફેલ રહ્યા તો તમે વિષચક્રમાં ફસાઇ જશો અને પોતાની જ બરબાદી નોતરશો. ચેક કરતા રહો કે, હું વધુ પડતો મોબાઇલ તો નથી વાપરતોને? જો એવું હોય તો અત્યારથી સમજીને તેનાથી કામ પૂરતો જ પનારો રાખવા માંડો, એ જ તમારા હિતમાં રહેશે.
પેશ-એ-ખિદમત
જમીં પે ચલ ન સકા આસમાન સે ભી ગયા,
કટા કે પર કો પરિંદા ઉડાન સે ભી ગયા,
તબાહ કર ગઈ પક્કે મકાન કી ખ્વાહિશ,
મૈં અપને ગાંવ કે કચ્ચે મકાન સે ભી ગયા.
- શાહિદ કબીર
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો