અમેરિકા કાયમ રહેવા જવું હોય તો એનો જે `ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ' છે, એની હેઠળ જુદી જુદી રીતે તમારે ઈમિગ્રન્ટ વિઝા મેળવવાના રહે છે. ઈમિગ્રન્ટ વિઝા મેળવીને તમે અમેરિકામાં પ્રવેશો એટલે તમને `એલિયન રજિસ્ટ્રેશન રિસીપ્ટ' જેને આપણે `ગ્રીનકાર્ડ' તરીકે ઓળખીએ છીએ એ આપવામાં આવે છે. એ મળેથી તમે અમેરિકામાં કાયમ રહી શકો છો.
પાંચ વર્ષ પછી અને અમુક કિસ્સાઓમાં ત્રણ વર્ષ પછી તમે અમેરિકાના સિટીઝન બનવા માટે `નેચરલાઈઝેશન' દ્વારા અરજી કરી શકો છો. આ પાંચ યા ત્રણ વર્ષના સમય દરમિયાન અડધો સમય તમે અમેરિકામાં રહ્યા હોવું જોઈએ, તમારી ચાલચલગત સારી હોવી જોઈએ. તમારી કમાણી ઉપર ટેક્સ ભર્યો હોવો જોઈએ. કોઈ ખોટું કામ કર્યું હોવું ન જોઈએ. અંગ્રેજી ભાષાની ટેસ્ટ આપવી જોઈએ અને એમાં પાસ થવું જોઈએ. અમેરિકાના જનરલ નોલેજ વિશે તમને જાણકારી છે એ દર્શાવી આપવા માટે એની પણ ટેસ્ટ આપવી જોઈએ. આમ, તમે ઈમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશો અને પછી જો ઈચ્છો તો અમેરિકન નાગરિક બની શકો છો.
ઈમિગ્રન્ટ વિઝા કેવી રીતે મેળવી શકાય?
સૌ પ્રથમ તો `વિઝા' એટલે શું?
`વિઝા' એટલે તમારા પાસપોર્ટ ઉપર અમેરિકા બહાર આવેલ અમેરિકન કોન્સ્યુલેટે મારેલો થપ્પો. જે દેખાડીને તમે અમેરિકામાં પ્રવેશવાની માંગણી કરી શકો. કોઈ ખાસ કારણસર ટૂંક સમય માટે અમેરિકામાં જવું હોય તો તમારે `નોન ઈમિગ્રન્ટ વિઝા' મેળવવા પડે. કાયમ માટે અમેરિકામાં રહેવા જવું હોય તો `ઈમિગ્રન્ટ વિઝા' મેળવવા પડે.
`નોન ઈમિગ્રન્ટ' વિઝાના અનેક પ્રકારો છે. જે કાર્ય માટે તમે અમેરિકા જવા ઈચ્છતા હોવ એ કાર્ય માટે ખાસ ઘડવામાં આવેલા નોન ઈમિગ્રન્ટ વિઝા તમારે મેળવવાના રહે. દરેક પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની લાયકાતો જુદી જુદી હોય છે. નોન ઈમિગ્રન્ટ વિઝા મુખ્યત્વે તમારે તમારા દેશમાં જ અરજી કરીને, અમેરિકન કોન્સ્યુલેટમાં ઈન્ટરવ્યૂ આપીને, તમારી લાયકાત દેખાડીને મેળવવાના રહે છે. અમુક પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા માટે અમેરિકામાં કોઈએ તમારા લાભ માટે પિટિશન દાખલ કરવાની રહે છે એ પ્રોસેસ થઈને મંજૂર થાય પછી તમારે તમારા દેશમાં અરજી કરીને એ પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા મેળવવાના રહે છે. અમુક પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા વાર્ષિક કોટાનાં બંધનોથી સીમિત છે.
આમ, નોન ઈમિગ્રન્ટ વિઝા જો તમારે અમેરિકામાં ટૂંક સમય માટે કોઈ ખાસ કામ માટે જવું હોય તો મેળવવાના રહે છે. જ્યારે જો તમારે અમેરિકામાં કાયમ રહેવા જવું હોય તો ઈમિગ્રન્ટ વિઝા મેળવવાના રહે છે.
જો તમારા પુખ્ત વયનાં સંતાનો અમેરિકન સિટીઝન હોય કે પછી તમારી પત્ની યા પતિ અમેરિકન સિટીઝન હોય તો તેઓ તમારા લાભ માટે `ઈમિજિએટ રિલેટિવ કેટેગરી' હેઠળ ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરી શકે છે. આ પિટિશનને એપ્રૂવ થતાં છ-બાર મહિના લાગે છે. એ એપ્રૂવ થાય એટલે જેના લાભ માટે એ પિટિશન દાખલ કરવામાં આવી હોય, એણે પોતાના દેશમાં આવેલ અમેરિકન કોન્સ્યુલેટમાં જઈને પોતાની લાયકાત પુરવાર કરીને `ઈમિજિએટ રિલેટિવ કેટેગરી' હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મેળવવાના રહે છે.
`ઈમિજિએટ રિલેટિવ કેટેગરી' હેઠળ જે ઈમિગ્રન્ટ વિઝા મેળવવાના રહે છે, એ કોઈ પણ પ્રકારના વાર્ષિક કોટાનાં બંધનોથી જકડાયેલા નથી. એક વર્ષમાં એ ગમે તેટલી સંખ્યામાં આપી શકાય છે.
ઈમિગ્રન્ટ વિઝા `ઈમિજિએટ રિલેટિવ કેટેગરી' હેઠળ પ્રાપ્ત કરી શકાય છે. અમેરિકાના `ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ' હેઠળ ચાર જુદી જુદી ફેમિલી પ્રેફરન્સ કેટેગરી છે અને ચાર જુદી જુદી `એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી' છે. ફેમિલી બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ એક વર્ષમાં 2,26,000 અને એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ એક વર્ષમાં 1,40,000 ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. આ 2,26,000 અને 1.40,000 ઈમિગ્રન્ટ વિઝા વિશ્વના બધા દેશોમાં સરખા ભાગે વહેંચી આપવામાં આવે છે. આથી ભારતના ભાગે આમાંથી ફક્ત સાત ટકા જ આવે છે.
આ જે ચાર જુદી જુદી ફેમિલી સ્પોન્સર પ્રેફરન્સ કેટેગરી છે, એમાં જે પહેલી કેટેગરી છે એ અમેરિકન સિટીઝનોનાં અવિવાહિત સંતાનો માટે છે. એમને આ જે વાર્ષિક 2,26,000ના કોટા છે એમાંથી 23,400 ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે.
ફેમિલી સ્પોન્સર પ્રેફરન્સ સેકન્ડ કેટેગરી ગ્રીનકાર્ડધારકોને પત્ની યા પતિ અને 21 વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનો માટે છે. જે સંતાનો અવિવાહિત હોય છે, પણ 21 વર્ષની વય વટાવી ચૂક્યાં હોય છે એમના માટે આ `ફેમિલી સ્પોન્સર સેકન્ડ બી પ્રેફરન્સ કેટેગરી' હેઠળ એક વર્ષમાં 1,14,200 ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે.
ત્રીજી કેટેગરી છે અમેરિકન સિટીઝનોનાં પરણીત સંતાનો. એમના માટે એક વર્ષમાં આ જે 2,26,000 વિઝા છે એમાંથી 23,400 વિઝા આપવામાં આવે છે. ચોથી કેટેગરી જે છે એ અમેરિકન સિટીઝનોનાં પરદેશી ભાઈ-બહેનો માટે છે. એમને 2,26,000માંથી 65,000 ઈમિગ્રન્ટ વિઝા દર વર્ષે આપવામાં આવે છે.