શ્રાવણમાં જઠરાગ્નિની દુર્બળતા અને ત્રણે દોષોના પ્રકોપને ધ્યાનમાં રાખીને આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે જ વ્રત, ઉપવાસ, એકટાણાં વગેરે ગોઠવાયાં હોય એમ લાગે છે. શ્રાવણ માસમાં વાયુના પ્રકોપથી મંદાગ્નિ સ્વાભાવિક હોવાથી એક વખત ભોજન લેવું અથવા એકટાણાં કરવાં એ સ્વાસ્થ્યની દૃષ્ટિએ હિતકારી છે.
આ વર્ષાઋતુમાં મંદ પડેલા જઠરાગ્નિ માટે ગળ્યા, ખાટા અને ખારા આ ત્રણે રસવાળાંઆહાર દ્રવ્યો વધારે ઉપયોગી હિતાવહ બને છે. ભોજન ચરબી (ઘી, તેલ, માખણ)યુક્ત અને ગરમ-ગરમ જમવામાં આવે તો વાયુની શાંતિ કરે છે. જૂનાં ધાન્યો પચવામાં હલકા હોવાથી આ ઋતુમાં પ્રશસ્ત છે. શ્રાવણમાં જૂના ચોખા, ઘઉં, બાજરી, જવ, કોદરીનો ઉપયોગ કરવો જોઈએ. દ્રાક્ષાસવ, અશ્વગંધારિષ્ટ, પંચાસવ, પંચારિષ્ટ અને મધનું સેવન હિતાવહ છે. દૂધ, દહીં, છાશનો ઉપયોગ પણ શ્રાવણમાં સારો છે. દૂધમાં સહેજ સૂંઠ નાખવી, ચામાં પણ સૂંઠ નાખવી જેથી જઠરાગ્નિ સતેજ થાય. તાજા મોળા દહીં, છાશમાં સૂંઠ, પિપર કે ગંઠોડાનું થોડું ચૂર્ણ નાખીને ઉપયોગ કરવો. વર્ષાઋતુમાં દહીંને પથ્ય કહેલું છે.
આ સીઝનમાં પાણી કેવું પીવું?
તો એ વિશે કહેવાયું છે કે થોડી સૂંઠ અથવા ગંઠોડા નાખીને સારી રીતે ઉકાળીને ઠંડું કરેલું જ પીવું. વર્ષાઋતુના રોગોથી બચવા આવું ઉષ્ણ ઔષધોયુક્ત પાણી પીવું જ સ્વાસ્થ્યપ્રદ બને છે. દિવાસ્વાપ એટલે દિવસની ઊંઘ. વર્ષાઋતુમાં દિવસની ઊંઘ મેદ, કફ અને પિત્ત વધારે છે. એટલે આ ઋતુમાં દિવસે ઊંઘવાની મનાઈ છે.
પ્રકૃતિએ આ ઋતુમાં પુષ્કળ ખાટાં ફળો આપ્યાં છે . તેનો ઉપયોગ શ્રાવણમાં હિતાવહ છે. લીંબુ, દાડમ, સફરજન, પાઈનેપલનો ઉપયોગ કરો. દાળ-શાકમાં પણ તમે લીંબુ નાખો કે જેથી આહાર સુપાચ્ય બને. પાચકરસ ઉત્પન્ન કરતાં આહારદ્રવ્યોમાં તમે લીંબુ, આદું, મૂળા, લસણ, ડુંગળી, કોથમીર, મીઠો લીમડો, તજ, તમાલપત્ર, એલચી, લવિંગ, ગંઠોડા, સૂંઠ, કાળાં મરી, મરચાં, વરિયાળી, ધાણા, જીરું, ફુદીનો, આંબા હળદર, રાઈ, મેથી, હિંગ વગેરેમાંથી જે મળે તેનો વિધિવત્ ઉપયોગ કરો.
આ ઋતુમાં અનેક પ્રકારના આગંતુક રોગો થવાની પૂરી શક્યતા રહે છે. જેમાં ચામડીના રોગો, મલેરિયા, ટાઈફોઈડ, વાઇરલ રોગો, ફ્લૂ, સાંધાનો વા, પેટના રોગો જેવા કે, મરડો, અતિસાર, કોલેરા વગેરે તથા અરુચિ, મંદાગ્નિ, હાથ-પગનો દુખાવો, આંખ, કાન, નાક અને ગળાના રોગોની ગણતરી કરી શકાય.