2020માં તત્કાલીન વન અને પર્યાવરણમંત્રી બાબુલ સુપ્રિયોએ લોકસભા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે 2016થી 2020નાં 5 વર્ષમાં હાથીઓના હુમલાથી 2529 લોકો માર્યા ગયા હતા.

એ જ સમયગાળામાં હિંસક પ્રાણી ગણાતા વાઘના હુમલામાં 200 માનવનાં મોત થયાં હતાં! 21મી સદીના બીજા દાયકાના ઉત્તરાર્ધનાં 5 વર્ષમાં ઓડિશામાં 449, પશ્ચિમ બંગાળમાં 430, ઝારખંડમાં 380, અાસામમાં 353, છત્તીસગઢમાં 335, તમિલનાડુમાં 246, કર્ણાટકમાં 159, કેરળમાં 93 અને મેઘાલયમાં 25 લોકોનાં મરણ હાથીઓના હુમલામાં થયાં હતાં. 2019થી 2024માં હાથી-માનવ સંઘર્ષના સૌથી વધુ બનાવો પૂર્વી ભારતનાં 5 રાજ્યો ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અસામ અને છત્તીસગઢમાં બન્યા હતા. તેમાં ઓડિશામાં 624 અને છત્તીસગઢમાં 474 લોકોને હાથીઓએ મોતને ઘાટ ઉતાર્યા હતા. એવું નથી કે આ સંઘર્ષમાં માત્ર માણસો જ મરે છે. 2019થી 24નાં 5 વર્ષમાં 528 હાથીઓનાં પણ મોત થયાં હતાં. માનવજનિત કારણોથી હાથીઓનાં થયેલાં મોતમાં 392 હાથીઓને તો માણસોએ વીજળીના કરંટથી મારી નાંખ્યા હતા. આ વિગતો પરથી માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેટલી વિકરાળ, ભયાનક અને ગંભીર છે તેનો ખ્યાલ આવે છે અને તત્કાળ ઉકેલની જરૂરિયાત ચીંધે છે.

સંકટગ્રસ્ત કે લુપ્ત પ્રાય: થવાની કગાર પર છે તેવા જંગલી હાથીની સંખ્યા ભારતમાં 2017માં થયેલી ગણતરી પ્રમાણે 29964 છે, જે વિશ્વના હાથીઓની સંખ્યાના 60 ટકા છે. એશિયન હાથીની ભારતીય ઉપપ્રજાતિના જંગલી હાથી બુદ્ધિશાળી, સંવેદનશીલ અને અત્યધિક સામાજિક પ્રાણી છે. તેનું વજન સરેરાશ 900થી 7000 કિગ્રા અને લંબાઈ 6થી 11 ફૂટની હોય છે. માત્ર નર હાથીને જ દાંત કે દંતશૂળ હોય છે. આશરે 60 વર્ષનું આયુષ્ય ધરાવતા હાથીની ઘ્રાણશક્તિ ખૂબ જ વિકસિત હોય છે. જન્મ સમયે હાથી બાળ (મદનિયું) એક મીટર ઊંચું અને 900 કિલોગ્રામ વજનનું હોય છે. ચારેક વર્ષ તે માતાના દૂધ પર નભે છે. હાથી મુખ્યત્વે જંગલો અને ઘાસનાં મેદાનોમાં વસે છે અને ઘાસ, પાંદડાં તથા ફળ ખાય છે. એક હાથીનો રોજનો આહાર 100 લિટર પાણી સાથે 100થી 150 કિગ્રા છે. આહારની શોધમાં અને તે આરોગવામાં તે દિવસનો 70થી 90 ટકા હિસ્સો ખર્ચે છે.

હાથીના કુદરતી આવાસો એવાં જંગલો નષ્ટ થઈ રહ્યાં છે. હાથીના વિચરણના માર્ગો જે એલિફન્ટ કોરિડોર કહેવાય છે તે અવરોધાતા રહ્યા છે એટલે આહાર અને આવાસની તલાશમાં હાથીઓને મજબૂરીવશ માનવવસ્તીમાં અને તેમનાં ખેતરોમાં આવવું પડે છે. એટલે માનવી અને હાથી વચ્ચે સંઘર્ષ થઈ રહ્યા છે. પૂર્વે વનવિસ્તાર વિશાળ અને કૃષિ સીમિત હતી એટલે હાથીઓને ખોરાકની શોધમાં ખેતરોમાં આવવું પડતું નહોતું, પરંતુ ખેતી, માનવવસ્તી અને ખાણોના વિસ્તારથી હાથીના કુદરતી આહારોના વિસ્તારો સંકોચાતાં તે લોકવસવાટમાં આવે છે.

માનવવસ્તીમાં વૃદ્ધિ અને વન્યજીવોના પ્રાકૃતિક આવાસોમાં ઘટાડાની અસર બંને પર પડે છે. આવાસ અને આહારની હાથીઓની શોધ માનવી સાથેના ટકરાવમાં પરિણમે છે. તેનાથી માનવ મોત, ખેતી તથા સંપત્તિને નુકસાન થાય છે. એલિફન્ટ કોરિડોરમાં ઉદ્યોગો આવ્યા છે અને ખનન વધ્યું છે. કોલસા અને બીજી ખનિજોની ધમધમતી ખાણો અને વાહનોના અવાજોથી હાથીને મુશ્કેલીઓ પડે છે. સ્ટોન ક્રશિંગ અને ખાણોમાં બ્લાસ્ટિંગથી પણ હાથી માનવ પર હુમલા કરે છે.

બીજી તરફ લોકો હાથીથી તેમની ખેતી બચાવવા કે તેમના પર અને તેમનાં ઘરો પરના હુમલાથી બચવા હાથી પર હુમલા કરે છે. ખેતરો પર વીજકરંટ, હાથીના ઝુંડને ભગાડવા મશાલો લઈને જવું કે જંગલમાં આગ લગાડવી, હાથીઓને ઝેર આપવું, હાથીદાંત માટે નર હાથીનો શિકાર કરવો, બદલાની ભાવનાથી હત્યા કરવી જેવાં કારણોથી હાથીઓને મારી નાંખે છે.

ઓડિશા, અાસામ અને બીજાં રાજ્યોના આદિવાસીઓને હાથીઓના હુમલાથી સવિશેષ સહન કરવું પડે છે. જ્યારે ચાના બગીચા કે ખેતરોમાં મજૂરીથી તેમનું દળદર ફીટતું નથી ત્યારે તે ગામમાં પાછા ફરી ખેતી કરે છે, પરંતુ તેમની ટૂંકી ખેતી જંગલમાં કે જંગલને અડીને આવેલી હોઈ તેમના પાક હાથી ખાઈ જાય છે. વનપેદાશો અને લાકડાં માટે આદિવાસીઓ જંગલ પર આધારિત છે, પરંતુ મહુડાની સીઝનમાં પણ તે હાથીના ડરે જંગલમાં જઈ શકતા નથી. એકલા છત્તીસગઢમાં પાકને નુકસાન થયાની 60,000 ઘટનાઓ નોંધાઈ છે.

સરકારી વળતર મળે નહીં તો ગરીબો કરે શું? એટલે માનવ-હાથી સંઘર્ષ વધતો રહે છે.

હાથી સંરક્ષણ માટે કાયદાકીય જોગવાઈઓ છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ હાથીના શિકાર અને વ્યાપાર પર પ્રતિબંધ છે. ભારત સરકારે હાથીને રાષ્ટ્રીય પશુ વારસો ગણ્યો છે, પરંતુ આપણી વિકાસ યોજનાઓના ઘડતરમાં હાથી સહિતનાં વન્યપશુઓ પર પડનારી અસરો અને તેનાથી લોકો સાથેના ટકરાવનો કોઈ ખ્યાલ રાખવામાં આવતો નથી. દેશમાં 33 જેટલા હાથી અભયારણ્યો અને 150 એલિફન્ટ કોરિડોર હોવાનો સરકારનો દાવો છે. હાથી સંરક્ષણ પ્રોજેક્ટ અને ગજસુરક્ષા, જનસુરક્ષા જેવી યોજનાઓ ઘડી છે. વન વિભાગ ડ્રોન અને રેપિડ રિસ્પોન્સ સ્કીમ દ્વારા જંગલમાં હાથીઓનાં ઝુંડ આવ્યાની જાણકારી મેળવી લાઉડસ્પીકર દ્વારા લોકોને જંગલમાં ન જવા ચેતવે છે, પરંતુ આ પૂરતું નથી.

હાથી ઉપયોગી પ્રાણી છે. તેનું ધાર્મિક મહત્ત્વ તો છે જ, પરંતુ તે જે ઝાડનાં પાંદડાં, ડાળાં, ફળ ખાય છે અને નીચે ફેંકે છે તે અન્ય નાના વન્યજીવોનો ખોરાક બને છે. તેના મળની પણ જંગલમાં ખપ છે. તે ઝાડનાં પાંદડાં તોડે છે કે ફળો ખાય છે ત્યારે બાકીનાં બીજ જમીન પર પડે છે અને તે આપમેળે અંકુરિત થાય છે. એટલે હાથીનો નાશ કે ઘટાડો પાલવે તેવો નથી.

માનવ-હાથી સંઘર્ષ નિવારણનાં કાયમી અને ઠોસ પગલાં વિચારવાની જરૂર છે. હાથી માટે જંગલોનું બચવું જરૂરી છે. કાયદેસર અને ગેરકાયદે ખનન તેના વિચરણ માર્ગોને બાધિત ન કરે તે જોવું જોઈએ. હાથીઓ માટે જંગલનો વિસ્તાર બચાવવો જેટલો જરૂરી છે એટલું જ હાથીઓની પસંદગીનું જંગલ વિકસિત કરવાની પણ જરૂર છે કે જ્યાં તેને ખોરાક અને પાણી મળી રહે. ખેતરોમાં ઊગેલો પાક હાથી ખાઈ ન જાય એટલે લોકો ખેતરોની વાડ પર વીજળીનો કરંટ ઉતારે છે. તેનાથી હાથી પ્રવેશી શકતા નથી અને પ્રયત્ન કરે તો વીજળીના કરંટથી મરી જાય છે, તેથી ખેતરોની વાડ પર સોલાર ફેન્સિંગ કરવા વિચારી શકાય. જંગલની નજીકનાં ખેતરોમાં હાથીઓનો ખોરાક ન બની શકે તેવા પાક (દાત., મરચાં) ઉગાડવા જોઈએ. જો હાથીને જંગલોમાં પૂરતો આહાર અને પાણી મળી રહે તો કદાચ તે માનવવસ્તીમાં ન આવે. એટલે અનાજ જેવા પૌષ્ટિક અને ઊર્જાદાયક વાંસનું રોપણ જંગલોમાં થવું જોઈએ. રેલવે અને સડકોનું નિર્માણ હાથીઓને અગવડ પડે તે પ્રકારે ન થવું જોઈએ.

હાથી અને માનવી વચ્ચેનો ભૌગોલિક અલગાવ વ્યવહારુ નથી. માનવ અને હાથીનું સહઅસ્તિત્વ સૈકાઓથી રહ્યું છે. કથિત વિકાસે તેને અવરોધ્યું છે. એટલે તે અવરોધ શક્ય એટલો ઘટાડવાની આવશ્યકતા છે.

આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો