ઘણીવાર કોર્પોરેટ જગતમાં આપણે એવા મેનેજર્સ જોઈએ છીએ, જેઓ માત્ર પોતાની ટાર્ગેટ શીટ કે ક્વોર્ટરલી પ્રોફિટ પાછળ પાગલ હોય છે.

તેમને લાગે છે કે બસ આ આંકડો આવી ગયો એટલે જંગ જીતી ગયા! પણ હકીકતમાં, આ એક બહુ મોટી ભ્રમણા છે. જે લીડર પાસે માત્ર ટાર્ગેટ છે પણ હોલિસ્ટિક વિઝન નથી, તે લાંબી રેસનો ઘોડો બની શકતો નથી. હજારો વર્ષો પહેલાં કુરુક્ષેત્રમાં બાણશય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને જે મેનેજમેન્ટ લેસન્સ આપ્યા હતા, તે આજના મોડર્ન બિઝનેસ વર્લ્ડ માટે કોઈ રામબાણ ઈલાજથી કમ નથી. હોલિસ્ટિક વિઝન એટલે એવી દૃષ્ટિ જે માત્ર વર્તમાનના નફા-નુકસાનને જ નથી જોતી, પણ આખી સંસ્થા, તેના દરેક સ્ટેક હોલ્ડર્સ અને ભવિષ્યના પડઘાઓને એક તાંતણે બાંધીને જુએ છે. ભીષ્મ મુજબ પાવરફુલ લીડર તે છે જે તેની સામે આવતી પરિસ્થિતિના દરેક પાસાને ડિસેક્ટ કરીને સમજી શકે છે.

શાંતિપર્વમાં ભીષ્મ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે લીડરનું સૌથી મોટું કામ રક્ષણ અને ન્યાયનું છે. આજના સંદર્ભે કહીએ તો, રક્ષણ એટલે માત્ર સિક્યુરિટી નહીં, પણ પોતાની ટીમના મેમ્બર્સનું મોરલ બૂસ્ટ કરવું અને તેમને એક સેફ એન્વાયર્નમેન્ટ પૂરું પાડવું. હોલિસ્ટિક વિઝન ધરાવતો મેનેજર ક્યારેય શોર્ટ-ટર્મ ફાયદા માટે આડેધડ નિર્ણયો નથી લેતો, કારણ કે તે જાણે છે કે આજે લીધેલું એક પણ ખોટું સ્ટેપ લોંગ ટર્મમાં આખી સંસ્થાના કલ્ચરનું ફીંડલું વાળી દેશે. ભીષ્મની આ વાત બહુ પ્રેક્ટિકલ છે કે લીડરે પોતાના ઈમોશન્સને સાઈડમાં રાખીને, પોતાની જાત પર કંટ્રોલ રાખીને હંમેશાં ફેક્ટ્સ પર આધારિત ડિસીઝન મેકિંગ કરવું જોઈએ. જ્યારે તમારી પાસે આ હોલિસ્ટિક એપ્રોચ હોય, ત્યારે તમે તમારી આસપાસના વિરોધના વંટોળમાં પણ સત્યની લાઈન પકડી શકો છો. વન-સાઈડેડ થઈને કામ કરવું એ તો નબળા મેનેજરની નિશાની છે.

લીડરશીપમાં હોલિસ્ટિક વિઝનનો અર્થ એ પણ છે કે તમે તમારા અવેલેબલ રિસોર્સીસનો ઉપયોગ કેટલી સ્માર્ટલી કરો છો. શાંતિપર્વમાં ભીષ્મ એક ક્લાસિક એક્ઝામ્પલ આપે છે કે એક લીડરે તો મધમાખી જેવું હોવું જોઈએ, જે ફૂલમાંથી મધ પણ લઈ લે અને ફૂલને નુકસાન પણ ન થાય! આજના જમાનામાં આને જ આપણે સસ્ટેનેબિલિટી કહીએ છીએ. જો કોઈ મેનેજર પોતાની ટીમ પાસેથી ગધેડા વૈતરું કરાવીને માત્ર ડેડલાઈન્સ મીટ કરવામાં માને, તો માની લેજો કે તેની પાસે હોલિસ્ટિક વિઝનનો છાંટોય નથી. સાચો લીડર તે છે જે ટીમના વર્ક-લાઈફ બેલેન્સ અને તેમના પર્સનલ ગ્રોથને ઓર્ગેનાઈઝેશનના મિશન સાથે એલાઈન કરી શકે. ભીષ્મએ યુધિષ્ઠિરને ગળે ઉતાર્યું હતું કે જે લીડર પોતાની ટીમના સુખમાં જ પોતાનું સુખ માને છે, તે જ સત્તાના સિંહાસન પર લાંબો સમય ટકી શકે છે.

ડિસીઝન મેકિંગ વખતે પણ હોલિસ્ટિક વિઝન લીડરને એક પાવરફુલ ક્રોસ-ફંક્શનલ અન્ડરસ્ટેન્ડિંગ આપે છે. ભીષ્મ મુજબ લીડરે ક્યારેય એકલા હાથે રમત ન રમવી જોઈએ, તેણે અલગ-અલગ ફિલ્ડના એક્સપર્ટ્સની સલાહ લેવી જોઈએ. આજના મેનેજર માટે આ બહુ મોટો વેક-અપ કોલ છે. જો તમે માત્ર માર્કેટિંગ કે ફાઈનાન્સનાં ચશ્માં પહેરીને જ દુનિયા જોશો, તો પિક્ચર અધૂરું જ દેખાશે. એચ.આર., પ્રોડક્શન અને આઈ.ટી. જેવા દરેક સેગ્મેન્ટના ઈનપુટ્સને હોલિસ્ટિકલી પ્રોસેસ કરવા પડે. જો વિઝનમાં એકાગ્રતા અને વ્યાપકતાનો મેળ ન બેસે, તો લીડર માઈક્રો-મેનેજમેન્ટના કીચડમાં ફસાઈ જાય છે અને પછી મોટા ગ્રોથની ઓપોર્ચ્યુનિટીસ હાથમાંથી સરકી જાય છે. ભીષ્મની આ સલાહ લીડરને ખરેખર ફિયરલેસ બનાવે છે, કારણ કે તેને ખબર હોય છે કે અંધારામાં પણ રસ્તો ક્યાંથી કાઢવો.

તેમજ આ હોલિસ્ટિક વિઝન જ લીડરને એથિક્સ અને વેલ્યૂ સિસ્ટમ સાથે ફેવિકોલની જેમ જોડી રાખે છે. શાંતિપર્વના ધર્મ અને નીતિના પાઠો આજના પ્રોફેશનલ એથિક્સ જેવા જ છે. તમે બીજાને પ્રોપર ગાઈડન્સ ત્યારે જ આપી શકો જ્યારે તમારી અંદર સો ટકા ક્લેરિટી હોય. ભીષ્મ કહેતાં કે જે લીડર પોતાની લિમિટ્સ જાણે છે અને પાવર હોવા છતાં વિનમ્રતા નથી છોડતો, તેનું નેતૃત્વ અચલ રહે છે. હોલિસ્ટિક વિઝન એટલે માત્ર એક્સટર્નલ સક્સેસ કે ચમકતી ઓફિસ નહીં, પણ તમારી અંદરની સ્ટેબિલિટી. આ એક એવી લાઈફસ્ટાઈલ છે જ્યાં ગમે તેટલું પ્રેશર હોય, પણ લીડર શાંત રહીને આખા પઝલના દરેક નાના-મોટા ટુકડાને જોઈ શકે છે.

ઈનશોર્ટ, જ્યારે કોઈ મેનેજર આ હોલિસ્ટિક દૃષ્ટિ કેળવે છે, ત્યારે તે માત્ર પ્રોબ્લેમ ગણાવનારો નહીં, પણ પ્રોબ્લેમ સોલ્વર બની જાય છે.

તે સીધો જ મુસીબતના મૂળ સુધી પહોંચે છે, કારણ કે તેની પાસે બ્રોડ પર્સ્પેક્ટિવ છે. ભીષ્મની શિખામણ બહુ કડક છે: પ્લાનિંગ ગુપ્ત રાખો, પણ અમલીકરણ એટલું પારદર્શક કરો કે લોકોનો ટ્રસ્ટ જીતી શકાય. ટ્રાન્સપરન્સી અને કોન્ફિડેન્શિયાલિટીનું બેલેન્સ જે મેનેજરને આવડી ગયું, તે કિંગ છે. તે માત્ર રિઝલ્ટ માટે જ નહીં, પણ તે રિઝલ્ટ કઈ રીતે મેળવવું તેની પ્રોસેસ માટે પણ એટલો જ સજાગ હોય છે. આ જ એપ્રોચ કોઈ પણ સંસ્થાને લોંગ રન માટે એક મજબૂત પાયો પૂરો પાડે છે. સાચો લીડર એ છે જેની પાસે માત્ર ડેટા નથી, પણ વિઝડમ છે અને એટલે જ ભીષ્મનો આ ઉપદેશ આજે પણ કોઈ પણ એક્ઝિક્યુટિવ માટે સૌથી પાવરફુલ ગાઈડ છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો