ગયા અઠવાડિયે તમે વાંચ્યું કે દિલીપકુમારની યાદગાર અથવા શ્રેષ્ઠ અથવા સુપરહિટ ફિલ્મોની યાદી બનાવવા બેસીએ તો મારે હિસાબે આ સાત ફિલ્મોનાં નામ તો તરત જ મોઢે ચડેઃ

 1 મધુમતી, 2 દેવદાસ, 3 નયા દૌર, 4 અંદાઝ, 5 ગંગાજમુના, 6 રામ ઔર શ્યામ અને 7 મુગલ-એ-આઝમ.

 ફિલ્મોનો ક્રમ કોઈ ચોક્કસ પદ્ધતિએ નથી આપ્યો. રિલીઝના વર્ષ કે કક્કાવારી પ્રમાણે પણ નથી આપ્યો કે એની શ્રેષ્ઠતા કે લોકપ્રિયતા કે બૉક્સઑફિસ કલેક્શનના આધારે પણ નથી આપ્યો. યાદ આવતી ગઈ એમ કાગળ પર ટપકાવતા ગયા.

 દિલીપસા'બના નિધન પછી મેં મારા કેટલાક મિત્રોને તથા વાચકોને પોતાની પસંદગીની ટૉપ ટેન ફિલ્મોની યાદી બનાવવાનું કહ્યું. બહુ ઇટરેસ્ટિંગ નામો આવ્યાં અને કેટલીક ચોંકાવનારી વાતો પણ મળી. હવે આગળ વાંચો.

 મનોરંજનની દુનિયા સાથે સંકળાયેલા મારા એક હમઉમ્ર મિત્રે લખ્યું કે, `મને દિલીપકુમારની એક પણ ફિલ્મ નથી ગમી'. એક મિત્રે ફિલ્મોનાં નામ મોકલીને લખ્યું કે, `પણ મુગલ-એ-આઝમમાં મને દિલીપકુમારનો અભિનય બિલકુલ નથી ગમ્યો!' આવા અપવાદો પણ હોય છે, જેને સ્વીકારી લેવાના હોય. પસંદ અપની અપની.

 બાકીનાં જે નામો આવ્યાં એમાં મોર ઔર લેસ ઉપરની સાત ફિલ્મો કૉમન હતી. મજાની વાત એ કે આ સાત ઉપરાંતની અનેક ફિલ્મોને સૌએ પોતપોતાની ટૉપટેન યાદીમાં મૂકી છે.

 દિલીપસા'બની કારકિર્દીના છેલ્લા દાયકા દરમ્યાન આવેલી આ ફિલ્મો પણ ઘણા મિત્રો-વાચક મિત્રોને ગમી છેઃ

 1 શક્તિ, 2 સૌદાગર, 3 મશાલ, 4 વિધાતા, 5 ક્રાંતિ, 6 કર્મા અને 7 મઝદૂર

 બહુ બધા લોકોએ જેનાં નામ નથી લખ્યાં, પણ કોઈક કોઈકને ગમી હોય, યાદ હોય અને દિલીપકુમારની ટૉપ ટેન ફિલ્મોમાં સમાવેશ કરવાની જરૂરિયાત પણ લાગતી હોય એવી છએક ફિલ્મોનાં નામ આવ્યાં છે, જેમાંની મોટાભાગની એમની કારકિર્દીની શરૂઆતની ફિલ્મો છેઃ

 1 તરાના, 2 ફૂટપાથ, 3 દીદાર, 4 અનોખા પ્યાર, 5 ફિર કબ મિલોગી, (ગેસ્ટરોલ) 6 મિલન (જૂની).

 દિલીપકુમારની સેકન્ડ ઇનિંગ્સની (કારકિર્દીના છેલ્લા દાયકાની ફિલ્મો) અને ફર્સ્ટ ઇનિંગ્સની ફિલ્મો વચ્ચેના સંધિકાળમાં આવેલી પાંચેક ફિલ્મોને પણ ઘણાએ

યાદ કરીઃ

 1 બૈરાગ, 2 સગીના, 3 ગોપી, 4 સંઘર્ષ અને

5 દાસ્તાન.

 દિલીપકુમારની ટૉપ ટેન ફિલ્મોમાં ગણાવા માટે ધક્કામુક્કી કરતી હોય એવી 14 ફિલ્મોનાં નામ લખીને આ યાદી પૂરી કરીએઃ

 1 દિલ દિયા દર્દ લિયા, 2 લીડર, 3 આદમી, 4 યહૂદી, 5 કોહીનૂર, 6 આન, 7 બાબુલ, 8 દાગ, 9 આઝાદ, 10 મેલા, 11 ઉડન ખટોલા, 12 પૈગામ, 13 અમર અને 14 મુસાફિર.

 કુલ કેટલી ફિલ્મો થઈ?

 7 + 7 + 6 + 5 + 14 = 39.

 જે ફિલ્મસ્ટારે પોતાના પાંચ-સાડા પાંચ દાયકાની કારકિર્દીમાં કુલ માત્ર 60 (સાઠ) જ ફિલ્મો કરી હોય, એમની 40 જેટલી (ટુ થર્ડ જેટલી) ફિલ્મોને એમના ચાહકો આજે પણ યાદ કરતા હોય, તો વિચાર કરો કે આ 40 ફિલ્મોમાં એમણે કેવું મોટું કામ કર્યું હશે. દિલીપકુમાર શા માટે દિલીપકુમાર છે એનો આ પુરાવો છે. દિલીપકુમારના નિધનથી એમના નામનો એક આખો યુગ પૂરો થયો એની આ સાબિતી છે. હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કાળ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. એક દિલીપકુમાર પહેલાંનો ગાળો અને બીજો દિલીપકુમાર પછીનો ગાળો એવું જે કહેવાય છે તે સાચું જ છે એની ખાતરી આ હકીકત પરથી થઈ જશે કે 1944થી 1997 સુધીના પાંચેક દાયકામાં 60 જ ફિલ્મો કરી જેમાંની 40 હજુય લોકો યાદ કરે છે.

 બાકીની વીસેક ફિલ્મોમાંથી એક `સગીના માહતો'નું મૂળ બંગાળી વર્ઝન છે. એક બીજી બંગાળી ફિલ્મ `પારી' જેમાં અતિથિ કલાકારની ભૂમિકા હતી. બે ફિલ્મો `સાધુ ઔર શૈતાન' અને `કોશિશ'માં એમણે કેમિયો કર્યો. દિલીપકુમાર તરીકે જ એક-એક નાનકડા દૃશ્યમાં દેખા દીધી. આ ફિલ્મોને બાદ કરીએ તો બચે પંદરેક ફિલ્મો જેમાંની કેટલીક એમની સેકન્ડ ઇનિંગ્સમાં આવેલી ઇન્સિગ્નિફિકન્ટ ફિલ્મો છે. પછી બચી જાય ડઝનેક ફિલ્મો, જેમાંની કેટલીક કારકિર્દીની શરૂઆતની ફિલ્મો છે, જે વખતે પોતે સ્ટ્રગલર હતા. લાઈનમાં નવાસવા હતા એટલે પસંદગીનો અવકાશ ઓછો હોય તે સ્વાભાવિક છે. ફિલ્મોમાં કામ કરવા મળે એ જ મોટી વાત હતી, કારણ કે કામ હશે તો પોતાની ટેલેન્ટ દેખાડી શકાશે, ફિલ્મ જેવી બને તેવી. વિચાર કરો કે દિલીપકુમારે એક વખત એસ્ટાબ્લિશ થઈ ગયા પછી પાંચ-દસ જ ફિલ્મો એવી કરી છે જે એમના ચાહકોની સ્મૃતિમાંથી ભૂંસાઈ

ગઈ હોય.

 દિલીપકુમાર એકસાથે બેથી વધુ ફિલ્મો સાઇન કરતા નહીં. ત્રીજી ફિલ્મનો રોલ, ફી ગમે એટલાં લોભામણાં હોય તો પણ ના એટલે ના અને કોઈ પણ ફિલ્મ સાઇન કરતાં પહેલાં ત્રણ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. આ ત્રણે વાતોની કુંડળી જામે પછી જ ફિલ્મ સાઇન કરવાની. એક, કોણ પ્રોડ્યૂસ કરે છે, પ્રોડક્શન હાઉસની રેપ્યુટેશન કેવી છે, નિર્માતાની શાખ કેવી છે. બે, દિગ્દર્શક કોણ છે. ત્રણ, રોલ કેવો છે. આ ત્રણેય ગળણે ગાળ્યા પછી જ કૉન્ટ્રાક્ટ પર સહીસિક્કા થાય. ફિલ્મ સાઇન કર્યા પછી એમનું ઇન્વોલ્વમેન્ટ દરેક વાતમાં રહે. વાર્તા અને પટકથા અને સંવાદમાં, સાથી કલાકારો જે પાત્રો ભજવે છે તે પાત્રોને અન્યાય ન થાય. વધારે સશક્ત બને એની ખાસ કાળજી લેતા અને સાથી કલાકારોની પસંદગીમાં તથા ગીત-સંગીતમાં પણ કાળજી રાખતા. કોઈને આ દખલગીરી લાગે, પણ દિલીપકુમાર પોતાની સૂઝબૂઝથી જે સૂચનો કરતા અને જેવી રીતે કરતા એને કારણે ફિલ્મની

વેલ્યૂ વધી જતી.

 દરેક ફિલ્મ કલાકારના જીવનમાં બનવાનું કે એણે કોઈ ફિલ્મ સાઇન કરી હોય, પણ એ ફિલ્મ બની જ ન હોય કે બન્યા પછી રિલીઝ ન થઈ હોય. અભરાઈએ ચડી ગયેલા કે ચડાવી દેવા પડ્યા હોય એવા પ્રોજેક્ટ્સ ફિલ્મ લાઈનમાં જ નહીં, દરેક ક્ષેત્રમાં હોવાના.

તમારા માટે છેવટે તો મહત્ત્વ પૂરા થયેલા પ્રોજેક્ટ્સનું જ હોય છે. ટીકાકારો ભલે તમારી અધૂરી કે નિષ્ફળ ગયેલી યોજનાઓ યાદ કરે.

 દિલીપકુમારની એવી ડઝનેક ફિલ્મો છે, જે કોઈ ને કોઈ તબક્કે અભરાઈએ ચડાવી દેવામાં આવી હોય. મદનમોહનના સંગીતવાળી જેમાં મીનાકુમારી હિરોઈન હતી, તે `બૅન્ક મેનેજર' ફિલ્મનો પ્રોજેક્ટ આગળ વધ્યો નહીં. `મુગલ-એ-આઝમ'ના દિગ્દર્શક કે. આસિફે દિલીપકુમાર સાથે `તાજ મહલ' અને `આખરી મુગલ' બે ફિલ્મો પ્લાન કરી હતી. બેઉનું નિર્માણ પણ કે. આસિફ પોતે જ કરવાના હતા. બેઉ ફિલ્મો ન બની. બી.આર. ચોપરાના દિગ્દર્શનમાં `ચાણક્ય ચંદ્રગુપ્ત' બનવાની હતી જે ન બની. એ પ્રોજેક્ટ પર ખાસ્સું એવું કામ થયું હતું. દિલીપકુમારની સાથે ધર્મેન્દ્ર, હેમા માલિની, પરવીન બાબી અને હેલનને સાઇન કરવામાં આવ્યાં હતાં.

 1950ની સાલમાં મહેશ કૌલ દિગ્દર્શિત `હાર-સિંગાર'ની થોડીક રીલનું શૂટિંગ થયા પછી એને અભરાઈ પર ચડાવી દેવામાં આવી. એમાં મધુબાલા હિરોઈન હતી. કે. આસિફે પોતાના પ્રોડક્શનમાં `જાનવર' ફિલ્મ દિલીપકુમાર, સુરૈયાને લઈને શરૂ કરી, થોડીક રીલ શૂટ કર્યા પછી બંધ કરી દીધી.

 એ જ રીતે નૂતન સાથેની `શિકવા' અને અન્ય હિરોઇનો સાથેની `મેરા વતન' તથા `સમંદર' પણ અધૂરી છોડી દેવામાં આવી. રમેશ સહગલે પોતાના પ્રોડક્શનમાં દિલીપકુમારને હીરો અને સહદિગ્દર્શક તરીકે સાઇન કરીને `કાલા આદમી' પર ખૂબ પેપરવર્ક-રિસર્ચ કર્યું, પણ ફિલ્મ ન બની. નિર્માતા નાસિર હુસેને દિલીપકુમાર-આશા પારેખને લઈને એક ફિલ્મનું મુહૂર્ત કર્યું, પણ ફિલ્મ એ પછી આગળ વધી નહીં. દિલીપકુમારે પોતે `ગંગા જમુના'ની જેમ પ્રોડ્યૂસ કરેલી બીજી ફિલ્મ હતી `કલિંગ' (1995), જેનું દિગ્દર્શન પણ એમણે પોતે જ કર્યું. રાજ બબ્બર, અમજદ ખાન અને મીનાક્ષી શેષાદ્રી એમનાં સહકલાકારો હતાં. ફિલ્મ અધૂરી રહી ગઈ.

 આ ઉપરાંત 1995માં જ `આગ કા દરિયા' બની. દિલીપકુમારની સાથે રેખા, રાજીવ અને પદ્મિની કોલ્હાપુરે હતાં. ફિલ્મ આખી બની, સેન્સરનું સર્ટિફિકેટ પણ લઈ લીધું, પણ રિલીઝ ન થઈ. ડબ્બામાં જ પડી રહી.

 2001માં એક ગુજરાતી પ્રોડ્યૂસર દિનેશ પટેલે અરુણા ઇરાનીના પતિ કુકુ કોહલીના દિગ્દર્શનમાં દિલીપકુમાર, અજય દેવગન અને પ્રિયંકા ચોપરાને સાઇન કરીને નદીમ-શ્રવણના સંગીતમાં `અસર' નામની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. મુહૂર્ત થયું, થોડું શૂટિંગ પણ થયું, પણ ફિલ્મ બંધ થઈ ગઈ. આ જ નિર્માતા-દિગ્દર્શક- સંગીતકારની ત્રિપુટીએ એના દસ વર્ષ પહેલાં 1991માં `ફૂલ ઔર કાંટે' બનાવી હતી, જે અજય દેવગનની પહેલી ફિલ્મ હતી અને જેનાં ગીતો આજે પણ અનેક ફિલ્મરસિકોના નોસ્ટેલ્જિયાનો ભાગ છેઃ તુમસે મિલને કો દિલ કરતા હૈ, ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ, મૈંને પ્યાર તુમ્હીં સે કિયા હૈ. `અસર' બની હોત તો કદાચ એ દિલીપકુમારની છેલ્લી ફિલ્મ તરીકે સૌ કોઈને યાદ રહી ગઈ હોત. દિલીપકુમાર વિશે એક દળદાર પુસ્તક થઈ શકે, પણ અત્યારે તો બસ આટલું જ.

સાયલન્સ પ્લીઝ

યે મેરા દીવાનાપન હૈ

 યા મહોબ્બત કા સુરુર

 તૂ ના પહચાને તો હૈ યે

 તેરી નઝરોં કા કસૂર