મહાભારતના શાંતિપર્વમાં ભીષ્મ યુધિષ્ઠિરને શાસન, નીતિ અને જીવનના ઉચ્ચ આદર્શો વિશે સમજાવતા અનેકવાર લીડરની જવાબદારીઓ અને તેના વ્યક્તિત્વના મહત્ત્વ પર ભાર મૂકે છે. લીડરનું જીવન એક એવી યાત્રા છે.

જેમાં તેની ઊર્જા અને સમયનું સંચાલન નિર્ણાયક બની રહે છે. શાંતિપર્વમાં ભીષ્મ એક પ્રસંગે યુધિષ્ઠિરને કહે છે કે લીડરે પોતાની શક્તિ અને ધ્યાનને નકામી બાબતોમાં ખર્ચવું એ રાજ્યના પતનનું કારણ બની શકે છે. જેમ કે, રાજા ધૃતરાષ્ટ્રે પોતાની ઊર્જા દુર્યોધનની ખોટી મહત્ત્વાકાંક્ષાઓને સમર્થન આપવામાં ખર્ચી, જેનું પરિણામ મહાભારતના યુદ્ધ તરીકે સામે આવ્યું. લીડરની ઊર્જા એ તેની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે, જેનો વ્યય નકામી ચર્ચાઓ, નિરર્થક વિવાદો કે વ્યક્તિગત અહમમાં થાય તો તેની અસર માત્ર લીડરના વ્યક્તિગત જીવન પર જ નહીં, પરંતુ તેની આગેવાની હેઠળના સમાજ કે સંસ્થા પર પણ પડે છે.

લીડરનું ધ્યાન હંમેશાં ઉચ્ચ ધ્યેયો તરફ કેન્દ્રિત હોવું જોઈએ. શાંતિપર્વમાં ભીષ્મ એક ઉદાહરણ આપે છે, જ્યાં તેઓ યુધિષ્ઠિરને સમજાવે છે કે એક રાજા, જે લીડરનું પ્રતીક છે, તેણે પોતાની બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ રાજ્યના કલ્યાણ, ન્યાય અને સમૃદ્ધિ માટે કરવો જોઈએ. ભીષ્મ કહે છે કે જે રાજા પોતાની ઊર્જાને અહીં-તહીંની વાતો, ષડ્યંત્રો કે નાની-નાની બાબતોમાં ખર્ચે છે, તે રાજ્યના ખરા હેતુથી દૂર થઈ જાય છે. આજના સમયમાં પણ આ સલાહ લીડર માટે સમાન રીતે લાગુ પડે છે. લીડરનો સમય અને શક્તિ એવી બાબતોમાં વેડફાય છે જેમાં કોઈ રચનાત્મક પરિણામ નથી. જેમ કે, ઓફિસની ગપસપ, ટીકાઓ કે નકારાત્મક ચર્ચાઓ. આવી બાબતો લીડરની ઊર્જાને ખાઈ જાય છે અને તેની નિર્ણયશક્તિને નબળી પાડે છે.

લીડરની ઊર્જા બચાવવી એટલે તેનું ધ્યાન એવી બાબતો પર કેન્દ્રિત કરવું કે જે લાંબા ગાળે સકારાત્મક પરિણામો આપે. શાંતિપર્વમાં ભીષ્મ યુધિષ્ઠિરને એક રાજાની વાર્તા કહે છે, જે પોતાના સલાહકારોની નકામી ચર્ચાઓમાં ફસાઈ ગયો અને પરિણામે રાજ્યના મહત્ત્વના નિર્ણયો લેવામાં નિષ્ફળ રહ્યો. આ વાર્તા લીડરને શીખવે છે કે નકામી વાતચીતમાં સમય બગાડવો એટલે પોતાની ઊર્જાને ખોટી દિશામાં વાળવી. લીડરે પોતાની શક્તિનો ઉપયોગ નવી કુશળતા શીખવામાં, ટીમનું મનોબળ વધારવામાં અને સંસ્થાનાં ધ્યેયોને પ્રાપ્ત કરવામાં કરવો જોઈએ. આજના ઝડપી વિશ્વમાં, જ્યાં લીડર પર અનેક જવાબદારીઓનું દબાણ હોય છે, ઊર્જાનું સંચાલન એ તેની સફળતાનો આધાર બની રહે છે.

લીડરની ઊર્જા બચાવવાનો અર્થ એ નથી કે તેણે સંબંધો કે વાતચીતથી દૂર રહેવું, પરંતુ તેણે પોતાની શક્તિને રચનાત્મક અને અર્થપૂર્ણ ચર્ચાઓમાં લગાવવી. શાંતિપર્વમાં ભીષ્મ એક બીજા પ્રસંગે યુધિષ્ઠિરને સલાહ આપે છે કે લીડરે હંમેશાં એવા લોકોની સંગતમાં રહેવું જોઈએ, જે તેનાં ધ્યેયોને સમર્થન આપે અને તેની બુદ્ધિને પ્રોત્સાહન આપે. આજના સંદર્ભમાં લીડરે એવા સહયોગીઓ સાથે કામ કરવું જોઈએ જે નવા વિચારો લાવે, ઉકેલો શોધે અને ટીમનાં લક્ષ્યોને આગળ વધારે. નકારાત્મક વાતાવરણ કે નિરર્થક વિવાદોમાં ફસાવું એ લીડરની ઊર્જાને ખતમ કરે છે અને તેની વિશ્વસનીયતા પર પણ પ્રશ્ન ઊભો કરે છે.

લીડરની ઊર્જા એક મર્યાદિત સંસાધન છે અને તેનો ઉપયોગ સમજદારીથી થવો જોઈએ. શાંતિપર્વમાં ભીષ્મ એક ઉદાહરણ દ્વારા સમજાવે છે કે એક રાજાએ પોતાના સૈન્યની શક્તિનો ઉપયોગ નાની-નાની લડાઈઓમાં કરવાને બદલે મહત્ત્વનાં યુદ્ધો માટે સાચવી રાખવી, જેનાથી તેનું રાજ્ય સુરક્ષિત રહેશે. આ જ રીતે લીડરે પોતાની ઊર્જાને નાની-મોટી બાબતોમાં વેડફવાને બદલે મોટા નિર્ણયો, નવીનતા અને સંસ્થાના વિકાસ માટે ઉપયોગમાં લેવી જોઈએ. ઉદાહરણ તરીકે, એક લીડર જો ઓફિસની નાની-નાની ગેરસમજોમાં ફસાઈ જાય, તો તેનું ધ્યાન મુખ્ય ધ્યેયોથી હટી જાય છે અને તેની ઉત્પાદકતા ઘટે છે. લીડરની ઊર્જા બચાવવી એટલે માનસિક શાંતિ અને સ્થિરતા જાળવવી. શાંતિપર્વમાં ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે કે એક લીડરે પોતાના મનને શાંત અને સ્થિર રાખવું જોઈએ, કારણ કે અશાંત મન ખોટા નિર્ણયો તરફ દોરી જાય છે. આજના સમયમાં લીડરે નકામી ચર્ચાઓ, ગપસપ કે નકારાત્મક વાતાવરણથી દૂર રહીને પોતાની માનસિક શાંતિ જાળવવી જોઈએ. આવું કરવાથી લીડર પોતાની ઊર્જાને સર્જનાત્મક કાર્યો, નવા વિચારો અને ટીમના કલ્યાણ માટે ઉપયોગમાં લઈ શકે છે.

ઈનશોર્ટ્સ, લીડરની ઊર્જા બચાવવી એટલે તેની વિશ્વસનીયતા અને સ્વીકૃતિ જાળવવી.

શાંતિપર્વમાં ભીષ્મ ભારપૂર્વક કહે છે કે લીડરની વાણી અને કાર્યો એવાં હોવાં જોઈએ કે જે લોકોમાં વિશ્વાસ જગાડે. જો લીડર નકામી વાતોમાં ફસાય, તો તેની વિશ્વસનીયતા ઘટે છે અને તેનો સ્વીકાર ઓછો થાય છે. લીડરે પોતાની ઊર્જાને એવી બાબતોમાં લગાવવી જોઈએ જે તેના વ્યક્તિત્વને નિખારે, તેની ટીમને પ્રેરણા આપે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે. આ રીતે લીડરની ઊર્જા બચાવવી એ માત્ર તેની વ્યક્તિગત સફળતા માટે જ નહીં, પરંતુ તેની આગેવાની હેઠળના સમુદાયના કલ્યાણ માટે પણ અત્યંત મહત્ત્વનું છે.