જીવનમાં બનતી અનેક ઘટનાઓ માણસના મનને વ્યથિત કરે છે, અકળાવે છે અને નફરતની ગાંઠ બંધાવે છે. એટલું જ નહીં મનને 24 કલાક એ જ વિચારોમાં બિઝી રાખે છે.
તેથી વાતને પતાવી મનને હળવું બનાવવા માટે આપણો વાંક હોય કે ન હોય, `સોરી' કહીએ કે માફી માંગી લઇએ. આમ તો માફી માંગવી એ બહાદુરીનું કામ છે. એ માટે દિલની ઉદારતા, સાફ મન અને હિંમત જોઇએ, જે બધા પાસે નથી હોતું, પરંતુ વિના કારણે, વિના ભૂલે માફી માંગવાથી વ્યક્તિની વેલ્યૂ ઓછી થાય, એનું આત્મસન્માન ઘટે અને જો વારંવાર આવું બને તો આત્મવિશ્વાસ પણ ઓછો થાય. વારંવાર માફી માંગવાથી સામી વ્યક્તિને એવું લાગે છે કે તમે તમારી જાતને બિલકુલ મહત્ત્વ નથી આપતા. તમારી ખુશી, તમારો નિર્ણય તમારી સફળતા અને તમારી ખુદની કેર તમારા માટે જરાય મહત્ત્વની નથી. બીજાની ભૂલ પર માફી માંગીને તમે ખુદને જ કસૂરવાર ઠેરવો છો. જેને કારણે તમારા સ્વભાવ અને વ્યક્તિનું પણ ખોટું મૂલ્યાંકન થાય છે.
ઘણા લોકો વાતચીતમાં કે પરિવારમાં પોતાનો અભિપ્રાય જણાવે છે, પરંતુ એને કારણે જો દલીલો વધે, અન્ય લોકો નકારાત્મક મૂલ્યાંકન કરે કે જજ કરે તો પોતાના અભિપ્રાય માટે માફી માંગી લો. બીજાને પસંદ ન આવે એનો અર્થ એ હરગિજ નથી કે તમે ખોટા છો. દાખલા તરીકે ઘરમાં પેરેન્ટ્સની જવાબદારી અંગે ચર્ચા ચાલતી હોય અને બધા પેરેન્ટ્સની વાહ-વાહ કરતાં હોય, પરંતુ પરિવારની વહુ એવો અભિપ્રાય આપે કે પેરેન્ટ્સ પણ માણસ છે, તેઓ પણ એમની જવાબદારી જાણ્યે-અજાણ્યે ચૂકી શકે. હવે આ વાતનું વતેસર કરીને બધાને વહુને કાઉન્ટર કરશે કે તને શું ખબર કે પેરેન્ટ્સ હોવું કેટલું ટફ છે?
જેઓ પેરેન્ટ્સની કદર નથી કરતાં તેઓ બીજી કોની કરશે વગેરે વગેરે. હવે આવા સમયે વાત પતાવવા તમે માફી માંગી લેશો તો બીજીવાર તમારા અભિપ્રાયનું કોઇ મહત્ત્વ નહીં રહેશે. વાતચીતમાં અનુભવથી કે બુદ્ધિથી સિક્કાની બીજી બાજુ બતાવવી કે અન્યથી સાવ અલગ મત વ્યક્ત કરવો એ ન તો ભૂલ છે કે ન તો નૈતિક રીતે ખોટું છે તો પછી માફી કેમ માંગવી?
જ્યારે વ્યક્તિ પોતાની ખુશી પસંદ કરે છે ત્યારે એ પોતે બનાવેલા, પોતાને ગમતા રસ્તે ચાલે છે. એ માટે એને મુખ્ય પ્રવાહથી અલગ નિર્ણય લેવો પડે. જે બની શકે આજુબાજુના દરેક વ્યક્તિને ન ગમે. એને કારણે અન્ય વ્યક્તિના જીવન પર પ્રત્યક્ષ યા પરોક્ષ અસર પડી શકે. જેમ કે, પતિ પ્રમોશન મળતાં બીજા શહેરમાં જાય. અગર આ પ્રમોશન સાથે નામ અને ખુશી બધું જ સંકળાયેલું છે અને એ તમને સ્વીકાર્ય છે તો એ માટે પરિવારની માફી માંગવાનો કે ગિલ્ટ ફીલ કરવાનો કોઇ અર્થ ખરો? તમારી ખુશી પસંદ કરવાનો તમને અધિકાર છે અને આ અધિકાર કોઇ શરમની નિશાની નથી.
એ જ રીતે કેટલીક મહત્ત્વાકાંક્ષી સ્ત્રીઓ કરિયરમાં આગળ વધે ત્યારે પરિવારે એડ્જસ્ટ કરવું પડે. જેમ કે, બાળકો અને પતિએ ઇન્ડિપેન્ડન્ટ બનવું પડે. ક્યારેક કોઇ પ્રસંગે હાજર ન રહેવાય કે પી.ટી.એમ.માં ન જવાય. જેવી રીતે પતિ પોતાની કરિયરના ગ્રોથ માટે ફેમિલીને હંમેશાં ન્યાય નથી આપી શકતો, પણ એ માટે એ વારંવાર માફી નથી માંગતા. અગર પત્ની પોતાના રસ્તે આગળ વધે તો એને વારંવાર માફી શા માટે માંગવી જોઇએ? કોઇ મોટી અડચણ ઊભી થઇ હોય તો ઠીક છે બાકી દરેક નાની-નાની ઘટનાઓ પર માફી માંગીને પોતાનું અવમૂલ્યન શા માટે કરવું જોઇએ?
વળી, આજનો સમય માત્ર હેલ્ધી રહેવાનો નથી, પણ વેલનેસ જાળવવાનો પણ છે અને આ માટે જિમ, યોગા, મેડિટેશન, વોકિંગ, રેગ્યુલર બ્યૂટી ટ્રીટમેન્ટ કે હેલ્થ ચેકઅપ કરાવવું પડે. જેમાં સમય અને પૈસા બંને ખર્ચાય. જેને કારણે મધ્યમવર્ગીય પરિવારમાં વિખવાદ થાય. પેરેન્ટ્સને લાગે કે સંતાનો પોતાની જ દુનિયામાં રહે છે અને ખોટાં પૈસા ખર્ચ કરે છે. પતિને લાગે કે પત્ની ખુદને લાડ લડાવવામાં વધારે સમય પસંદ કરે છે અને પત્નીને થાય કે પતિ માટે તો પહેલાં જિમ અને પછી ઘર. આ બધી બાબતે માફી માંગવાને બદલે પોતાનો પક્ષ અને પ્રાયોરિટી મક્કમતાથી રજૂ કરો અને સહકારની અપેક્ષા વ્યક્ત કરો. જો તેઓ તમારા માટે સારી અને સાચી લાગણી ધરાવતા હશે તો તમને સપોર્ટ કરશે, બાકી માફી માંગીને ખુદને નાના કરવાની જરૂર નથી.
હા, દુનિયામાં કેટલાક લોકો પોતાની સફળતા માટે પણ માફી માંગે છે અગર તમે તમારી કરિયર, બિઝનેસ યા જીવનમાં લગાતાર સફળતાની સીડી ચઢી રહ્યા છો તો. એનાથી લોકોમાં ઇર્ષ્યા આવવાની અને લોકો તમારી બુરાઇ પણ કરશે, પરંતુ એ માટે શરમાવાની કે માફી માંગવાની જરૂર નથી. પોતાની સિદ્ધિ પર માણસે ગર્વ કરતા શીખવું જોઇએ. આપણાથી કોઇ પાછળ રહી ગયું હોય તો એના માટે આપણે જવાબદાર નથી.
અને કેટલાક લોકો સંબંધોમાં ખટરાગ ન જન્મે, સંબંધો તૂટે નહીં એ માટે બીજાની ભૂલ માટે પણ ખુદ માફી માંગે છે. `સોરી' કહેવાથી કોઇ નાનું નથી થઇ જતું એ વાત સાચી, પરંતુ એકવાર કોઇ વ્યક્તિની ભૂલ તમારા માથે લેશો તો એ વ્યક્તિ જ નહીં, પરંતુ બીજા લોકો પણ સતત તમારી પાસે એવી અપેક્ષા રાખશે અથવા એમની ભૂલ પણ યુક્તિપૂર્વક તમારા માથે નાંખશે. જેનાથી તમારું મૂલ્યાંકન ખોટું થશે અને તમારા વ્યક્તિત્વમાં નકારાત્મક પરિવર્તન આવશે. માફી માંગવામાં ખોટું નથી, પરંતુ વિના કારણે બીજાને માટે માફી માંગવી એ યોગ્ય નથી.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો