માણસની ઇચ્છાઓ પહેલાં પણ અનંત હતી અને આજે પણ અનંત છે, પણ ઇચ્છાઓ સાકાર કરવાનું પ્રેશર અને બધું જ મેળવી લેવાની ઝંખના પહેલાં કરતાં આજે વધુ બળવત્તર બની છે, કારણ કે ઇચ્છાઓને જગાડનારા અને સાકાર કરવા માટે મદદરૂપ થનારા પરિબળોમાં રોજેરોજ ઝડપથી ઉમેરો થઇ રહ્યો છે અને તેથી જ મગજ વિચારો અને ચિંતાઓથી હાઉસફૂલ બની રહ્યું છે. વળી, ડિજિટલ દુનિયામાં પણ મન સતત કનેક્ટ અને એક્ટિવ રહે છે. એટલે મનમાં સપનાઓ-યોજનાઓ, અધૂરપ-ખાલીપો, ઇર્ષ્યા અને સ્પર્ધાઓ જેવી અનેક લાગણીઓનો ભરાવો થતો રહે છે. તેથી મન ઓવર રીએક્ટ કરે છે અથવા તો એકદમ શાંત થઇ જાય છે. ક્યારેક મનની આ ગડમથલ ઝઘડા કે ડિપ્રેશન રૂપે બહાર આવે છે. મનને મેનેજ કરવા માટે અને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. `માનસિક મિનિમલિઝમ' યાને મનમાંથી બિનજરૂરી વિચારો દૂર કરવા અને અધૂરા કામો પૂર્ણ કરી મનને એ સ્ટ્રેસમાંથી મુક્તિ આપવી. એ માટે નીચેનાં ઉપાયો અજમાવી શકાય.
અધૂરાં માનસિક કાર્યો પૂરાં કરવા : આપણું મન નાનું, પણ એક કામ બાકી રહી ગયું હોય તો એને સતત યાદ રાખે છે. પછી ભલે એ એટલું મહત્ત્વનું ન હોય. મનોવિજ્ઞાન કહે છે કે આપણું મગજ પૂરાં થઇ ગયેલાં કાર્યોની સરખામણીએ અધૂરાં રહી ગયેલાં કાર્યોને 90 ટકા વધારે યાદ રાખે છે. જે ચિંતાનું કારણ બને છે. સો, બાકી રહેલાં કામોનું એક લિસ્ટ બનાવો અને પ્રાયોરિટી અને સરળતા પ્રમાણે ક્યાં કામો પહેલાં થઇ શકે એમ છે એ નક્કી કરો. જે દિવસે જે કામ પૂરું કરવાનું હોય એ દિવસે એ જ કામ વિશે વિચારો અને સો ટકા એ જ કામને આપો. જેથી મન બીજા કામોને કારણે અસ્વસ્થ ન બને અને બીજા વિચારોતી મુક્ત રહે. જે સમયે જે કામ કરવાનું છે તેનાં પર જ ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેક્ટિસ કરવાથી મનમાં જે આ કરું કે પેલું કરું, આ સારું-આ ખરાબ કે આ થશે? નહીં થશે?નું જે યુદ્ધ ચાલે છે તે ખતમ થશે. કામને ટાળવાથી, અધૂરાં રાખવાથી કે એક સાથે બધાં કામ કરવાનાં વિચારથી માનસિક થાક લાગે જ છે. તેથી કામને સમજો અને બહાનાં બનાવ્યા વિના ફટાફટ પૂરાં કરો. એક પૂરું થયેલું કામ બીજા કામ માટે થોડી વધારે માનસિક ઊર્જા પ્રદાન કરે છે.
બીજા લોકોની ચિંતાઓનો બોજ ઉઠાવવાનું ટાળોઃ માણસ માત્ર સામાજિક નહીં, લાગણીશીલ પ્રાણી પણ છે તેથી એની સાથે જોડાયેલાં અન્ય લોકોની એ યેન-કેન પ્રકારે ચિંતા કરતો રહે છે, પણ બીજાની ચિંતા કરવાથી બીજાને તો કોઇ ફાયદો થતો નથી, પરંતુ ખુદને નુકસાન થાય છે કેટલાંક લોકો હંમેશાં બીજાને ખુશ કરવા માટે એમની વધારાની જવાબદારી લે છે. ભારતીય ઘરોની વાત કરીએ તો મમ્મી હંમેશાં નાનાં બાળકો જ નહીં પરણેલાં બાળકોની પણ ખાવા-પીવાની અને આવવા-જવાની ચિંતા કરે છે. પિતા સંતાનોનાં પિતા એવા પોતાનાં સંતાનોની જવાબદારી માથે લઇને ફરે છે. વળી, કેટલાંક ઘર-પરિવાર, સમાજ કે ઓફિસમાં બીજાની જવાબદારી લેવા, વગર માંગ્યે હેલ્પ કરવા અને બીજાને ખુશી મળે એવું વર્તન કરવા સતત મથતાં રહે છે. પરગજુ બનવું એ સારી વાત છે, પણ એ કારણે જ આપણું મન સતત ચિંતામાં રહેતું હોય, તન-મનને બિલકુલ આરામ જ ન મળતો હોય તો એવો પરગજુ સ્વભાવ નુકસાન કરી શકે. તેથી મનને સ્વસ્થ રાખવા પીપલ પ્લીઝિંગનો સ્વભાવ બદલવો પડે, કારણ કે પીપલ પ્લીઝિંગ એ વર્કપ્લેસ બર્નઆઉટ અને ક્રોનિક સ્ટ્રેસનું બહુ મહત્ત્વનું કારણ છે અને અમુક હદથી વધારે સ્વજનોની જવાબદારી મનને અસ્વસ્થ અને ઉદાસ બનાવી અંદરની ઊર્જા હણી લે છે.
આંતરિક નકારાત્મક અવાજને ઓછા કરો : એક જ નકારાત્મક વાત વિશે વારંવાર વિચાર કરવાથી ડિપ્રેશન આવે છે. માનો કે આપણાંથી કોઇ ભૂલ થઇ. એનું રીઅલાઇઝેશન થયું અને પસ્તાવો પણ થયો. હવે આ ભૂલ માટે મનને સમજાવી દો કે `આ મારાથી ખોટું થયું, હવે આવું હું બીજીવાર નહીં કરું' કોઇની સાથે ખોટું થયું હોય તો એમને `સોરી' કહીને એ ઘટના પર પ્રતિબંધ મૂકો. જીવનમાં બનતી નાની-મોટી નેગેટિવ ઘટનાઓનું `ક્લોઝર' મેળવવું જરૂરી છે. `ઇટ્સ ઓકે' થઇ ગયું. હવે `બી અવેર' આટલાં સ્વીકાર ને સંકલ્પ સાથે નકારાત્મક વિચારોની સતત ચાલતી પ્રક્રિયા પર પૂર્ણવિરામ મૂકો.
મનને આરામ આપો : શરીરની સાથે મનને પણ આરામ જોઇએ છીએ. આજે આપણે સતત માહિતી મેળવતા રહીએ છીએ તેથી તનને તો આરામ મળે છે, પણ મનને નથી મળતો, મન સતત ઘટનાઓ અંગે અજાગ્રત પણે પ્રત્યાઘાત આપતું રહે છે. જે બાબત સાથે કંઇ લેવા-દેવા નથી એવી બાબતોથી મનને ઉભરાવા દેશું તો મન ફાલતું દિશામાં વિચારવાની ક્રિયા છોડશે જ નહીં. ન્યુરોસાયન્સ કહે છે કે આપણે મગજને આરામ આપવા માટે `ડિફોલ્ટ મોડ નેટવર્ક'માં આવવું પડે છે. મતલબ કે મગજને કોઇ પણ બાહ્ય માહિતી વિના શાંત-નિષ્ક્રિય રાખવાની આદત પાડો.
રોજિંદા નિર્ણયો સરળ બનાવો : ઘણાં બધાં લોકોની અડધી એનર્જી શું ખાવું-પીવું અને શું પહેરવું એની પાછળ વપરાઇ જાય છે. જો આ શોખ અને જરૂરિયાત કંટ્રોલ કરી શકાય તો સારું અને કંટ્રોલ ન કરી શકાય તો પ્લાનિંગ કરો કે જેથી એમાં સમય ન વેડફાય અને મનને ન ગમે એવી સ્થિતિ ઊભી થતાં મન ડિસ્ટર્બ થાય. જરૂરિયાત માટેનાં વિકલ્પો સેટ કરવા અથવા તો દરેક વસ્તુમાં સર્વશ્રેષ્ઠ મેળવવાની જીદ છોડીને‘Good Enough’જે છે તે યોગ્ય જ છે એવો અભિગમ કેળવો. સ્વીકારથી મનનાં ખોટા વિચારો પર બ્રેક લાગે છે અને જીવનમાં ખાસ નુકસાન ન કરે એવી વ્યવહાર, રીતિ-રિવાજ અને લાઇફ સ્ટાઇલ કોમ્પિટિશનથી થોડું પણ અંતર રાખવામાં આવે તો મન ઘણાં-બધાં નકામાં આંતર સંઘર્ષ અને કશ્મકશથી બચી શકશે.
ડિજિટલ ડિટોક્સ : સામાન્ય રીતે એક સ્માર્ટ ફોન યુઝર દિવસમાં 2600થી વધુ વખત પોતાનાં ફોનને સ્પર્શ કરે છે. આ રીતે સતત ડિજિટલ માહિતી મેળવતા રહેવાથી આપણી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટે છે. તેથી પુસ્તકો વાંચવા, સંગીત સાંભળવું કે ગાર્ડનિંગ કરવા જેવા કામોને મહત્ત્વ આપવું. જે વિચારોને સકારાત્મક ઊર્જા આપે છે.
શારીરિક પ્રવૃત્તિઓનો વ્યાપ : સાયન્સ કહે છે કે કસરત કરવાથી મગજમાં `એન્ડોફિન' મુક્ત થાય છે. આ કુદરતી હોર્મોન્સ મૂડ સુધારવાનું કામ કરે છે. સ્વિમિંગ અને મેડિટેશન પણ રોજિંદા તણાવને દૂર કરે છે. શારીરિક પ્રવૃત્તિથી મન એમાં ઇન્વોલ થવાની ખોટા વિચારોનું આક્રમણ અટકે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો