પેરેન્ટ્સ યાનિ માતા-પિતા. ભારતીય સંસ્કૃતિનું સૌથી મહાન પાત્ર, પરંતુ એ બનવા માટે ખાસ કોઇ તાલીમ કે આવડતની આવશ્યકતા આપણને જણાઇ નથી. માતા-પિતા બનવું એ પરમ સદ્ભાગ્ય છે.
માતા-પિતાનો વારસો અમૂલ્ય છે. માતા-પિતાની તોલે કોઇ ન આવે એ લાગણીની દૃષ્ટિએ ઘણે અંશે સાચું હોઈ શકે, પરંતુ વ્યાવહારિક જગતમાં લાગણીથી જીવાતું નથી અને બાળ ઉછેર માટેનો માતા-પિતાનો સંઘર્ષ હંમેશાં ફળદાયી નથી હોતો. માતા-પિતાની સંકીર્ણ માનસિકતા, ગુસ્સાવાળો સ્વભાવ, અહમ્, જીદ, ઝઘડાઓ અને જીવનની નકારાત્મકતા બાળકના ભવિષ્યને અંધકારમય બનાવી શકે અને આજના સમયમાં અશિક્ષિત, અતાર્કિક અને અવૈજ્ઞાનિક અભિગમ પણ બાળકના વિકાસમાં રુકાવટ ઊભી કરી શકે. પેરેન્ટિંગ એમ્પાવરિંગ એટલે માતા-પિતા સંતાનોની શિક્ષા-સ્વાસ્થ્ય અને સમગ્ર વિકાસને પ્રભાવિત કરનારા નિર્ણયોમાં પોતાની ભાગીદારી વધારે જેમાં મુખ્યત્વે પાંચ બાબતો સમાવિષ્ટ છે.
આપણે ત્યાં પેરેન્ટ્સ પ્રાયઃ બાળકોની બાબતમાં શિક્ષકો જે સૂચના આપે એ સ્વીકારી લે છે, પરંતુ એમ્પાવર્ડ પેરેન્ટ્સ શિક્ષક સાથે મળીને બાળકના જીવનના સહનિર્માતા બને એ પહેલો ક્રમ છે. બીજા ક્રમે નિર્ણય લેવાની શક્તિ. પેરેન્ટ્સ સ્કૂલ-ટ્યુશન, એક્સ્ટ્રા એક્ટિવિટીઝ કે કરિયર અંગે દ્વિધામાં હોય છે અથવા અતિ આત્મવિશ્વાસથી પીડાય છે. આ બંને બાબત બાળક માટે નુકસાનકારક સાબિત થઇ શકે, તેથી પેરેન્ટ્સ કોઇ પણ ગ્રંથિથી પીડાયા વિના બાળક માટે સુસંગત નિર્ણય લેવાની ભૂમિકા ભજવી શકે એવી ક્ષમતા કેળવવી.
ત્રીજા ક્રમે છે જ્ઞાન અને કૌશલ. આજે બાળકની સાથે કદમથી કદમ મેળવીને ચાલવા માટે કમ્પ્યૂટર, સ્પોર્ટ્સ, ટેક્નોલોજીનું અને વર્તમાન પ્રવાહનું જ્ઞાન મેળવવું અને બાળકો માટે જરૂરી સંસાધનના માર્ગ સુધી પહોંચવું. ચોથા ક્રમે આવે છે બાળકના અધિકાર માટે, ન્યાય માટે લડવાની અને અવાજ ઉઠાવવાની ક્ષમતા કેળવવી અને પોતાના પરનો એટલો વિશ્વાસ કે તેઓ બાળકના જીવનમાં સક્રિય અને સકારાત્મક ભૂમિકા ભજવી શકે.
આજના સમયમાં શિક્ષણ અને કરિયર બંને પડકારરૂપ બને છે. પેરેન્ટ્સ શિક્ષિત અને સમજદાર હોય તો બાળકના નિર્ણયો આસાન બની શકે. પેરેન્ટ્સ બાળકનાં રસ-રુચિ સમજે, એની ક્ષમતાને જાણે અને આર્થિક-શૈક્ષણિક પ્લાનિંગ કરવામાં સહાયક બને. અગર પેરેન્ટ્સ માત્ર પોતાની ઇચ્છા કે અહંને કારણે નિર્ણય લેવડાવે, બીજાના પ્રભાવમાં આવી બાળક પર પ્રેશર નાંખે કે સતત કમ્પેરીઝન કરી બાળકના નિર્ણયને પ્રભાવિત કરે તો પેરેન્ટ્સ શિક્ષિત હોવા છતાં એમ્પાવર્ડ નથી એવું ચોક્કસ કહી શકાય. સશક્ત હોવાનો અર્થ જ એ છે કે નિર્ણયમાં વાસ્તવિકતા, સત્યતા, નિષ્ઠા અને પોતાનાપણું હોય. ભવિષ્યની પરિપક્વ દૃષ્ટિ હોય. સફળતાની મહદંશે ગેરંટી હોય. તેઓ બાળકના માલિક નહીં માળી બને. નિર્ણયમાં ભાગીદારીનો મતલબ નિર્ણય જબરજસ્તીથી માથા પર નાંખવો એવું નથી. તેઓ બાળકના સપનાને આકાર આપવા અને સાકાર કરવા માટે પોતાની તટસ્થ ભૂમિકા ભજવે અને જરૂર પડ્યે ટીકા-ટિપ્પણી વિના એનો હાથ પકડી રાખે.
પેરેન્ટ્સમાં મૂળભૂત શિક્ષણ હોય એ આજના સમયમાં પૂરતું નથી. પોતાની માતૃભાષાની સાથે અંગ્રેજી પર પ્રભુત્ત્વ પણ જરૂરી છે. કમ્પ્યૂટરનું શિક્ષણ પણ એટલું જ આવશ્યક છે. ડિજિટલ એજ્યુકેશન, કરિયરની વિશાળ તકો અને વિશ્વના બદલાતા પ્રવાહોથી અનભિન્ન રહેવું આજનાં પેરેન્ટ્સને પરવડે એમ નથી. આ દુનિયા જેટલી વિશાળ છે એટલાં જ એનાં ભયસ્થાનો છે. પડકારો છે. આ બધાના જ્ઞાન વિના પેરેન્ટ્સ બાળકના માર્ગદર્શક નહીં બની શકે. હા, પેરેન્ટ્સની પણ પોતાના અસ્તિત્વની, સમાજની અને નાણાકીય સમસ્યાઓ છે. પોતાના અંગત પડકારોને વચ્ચે લાવ્યા વિના, એનાથી વ્યથિત થયા વિના બાળકના ઉજ્જ્વળ ભવિષ્ય માટે પોતાના જ્ઞાનની સીમા વિસ્તારવી એ સશક્તીકરણનું મહત્ત્વનું કદમ છે.
પેરેન્ટ્સ બધી રીતે સક્ષમ હોય તો પણ બાળકનો રાહ મુશ્કેલ બની શકે, કારણ કે સ્કૂલથી લઇને કરિયર સુધી સર્વત્ર પક્ષપાત, દાવપેચ, શોષણ, અધિકાર, હનન અને અન્યાયની જાળ પથરાયેલી છે. આ જાળમાં બાળક ફસાય નહીં અને ફસાય તો એમાંથી બહાર કંઇ રીતે કાઢવો એ આવડત, એ ક્ષમતા, એ આત્મવિશ્વાસ પેરેન્ટ્સની ક્ષમતાની નિશાની છે. મે, બી જ્ઞાતિ-જાતિને કારણ અન્યાય થાય, દેખાવને કારણે બુલિંગ થાય, વર્ચસ્વ ધરાવનારી જમાત અન્યાય કરે, દીકરીની છેડતી થાય, પરીક્ષામાં, પરિણામમાં ભ્રષ્ટાચારનો ભોગ બને, વહાલાં-દવલાની નીતિને કારણે પાછળ ધકેલાવું પડે કે આર્થિક કારણસર શોષણ થાય. બાળકને નીચા પાડવાનાં અને એના વિકાસમાં રુકાવટ બનવાના પ્રયાસો થઈ શકે ત્યારે સિસ્ટમને આયનો બનાવવાની ક્ષમતા કેળવાય, બાળકના અધિકાર માટે લડવાની જાગૃતિ હોય અને સાથે જ બાળકને આ બધામાંથી હેમખેમ બહાર કાઢવાનું નૈતિક મનોબળ કેળવવું એટલે સશક્ત બનવું અને છેલ્લે પોતાના પ્રયાસો પર આત્મવિશ્વાસ જાળવવો અને બાળકમાં સકારાત્મક પરિવર્તન માટે આશાવાદ કેળવવો પણ મહત્ત્વનો છે. અડચણોથી જે પેરેન્ટ્સ ઝૂકે નહીં એ જ પેરેન્ટ્સ બાળકને જીવનના જંગ માટે તૈયાર કરી શકે.
જેઓ નાની-નાની બાબતે ડરી જાય, સંજોગોના સતત વાંક કાઢ્યા કરે, હતાશ થઇ જાય, ખુદને સમયની સાથે ચાલવા માટે તૈયાર ન કરે, પરિવર્તન સાથે ખુદને શિક્ષિત ન કરે તેઓ પેરેન્ટ્સની જવાબદારીમાંથી ચૂકી જાય છે. બાળકને જન્મ આપવો અને સગવડો આપવી એક બાબત છે અને સશક્ત બનીને બાળકની સાથે ચાલવું એ બીજી વાત છે. માતા-પિતાના સશક્તીકરણથી...
1. બાળકનો સર્વાંગી વિકાસ થશે અને શૈક્ષણિક સફળતાની શક્યતા વધશે.
2. ડ્રોપઆઉટ રેટ ઘટશે.
3. માતા-પિતાની સ્કિલ્સ સુધરશે તો બાળકને લાભ મળશે.
4. બાળકની શારીરિક-માનસિક સમસ્યાઓને ઓળખી શકશે.
5. પેરેન્સ અને બાળક બંનેનો સેલ્ફ એસ્ટીમ વધશે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો