કલ્પનાઓ શા માટે સાકાર થતી નથી? અને સપનાંઓ શા માટે તૂટતાં રહે છે?
કલ્પનાઓ વાસ્તવિક નથી હોતી એટલે સાકાર નથી થતી એવો જવાબ દેખીતી રીતે ચતુરાઈભર્યો લાગે અથવા તો કોઈકને સંદિગ્ધ લાગે. ઉપરનું આવરણ ખોલીને જોયા પછી એમાંથી સરળતા બહાર આવે. જરા જોઈએ :
કલ્પનાઓ શાને કારણે સર્જાય છે? સપનાંઓ શાથી સર્જાય છે? જે જોયેલું છે, જે સાંભળેલું છે, જે અનુભવેલું છે તે જ સભાન કે અભાનપણે કલ્પના બનીને પ્રગટે છે. આ ત્રણમાંની એકેય પ્રક્રિયા એના પોતાનામાં સંપૂર્ણ કે પર્યાપ્ત નથી. યાનિ કી સ્વતંત્રપણે આ દરેકમાં કોઈક અધૂરપ છે, જે સાંભળ્યું કે વાંચ્યું છે તે ગળાઈને આપણી પાસે આવે છે. અંબાણીની શ્રીમંતાઈ કે બચ્ચનની ગ્લેમરભરી પ્રસિદ્ધિ કે અશોકનો ધર્મપ્રેમ કે ઝાંસીની રાણીની બહાદુરી કે પછી અનેક ઐતિહાસિક તેમજ નજીકના ભૂતકાળના તથા વર્તમાનનાં ઘણાં પાત્રોના જીવનનો સંઘર્ષ, એ સ્ત્રી-પુરુષોનો એકમેક માટેનો અભૂતપૂર્વ પ્રેમ. આ બધું જ આપણા સુધી ગળાઈને પહોંચતું હોય છે અને એમાં ઘણું બધું ઉમેરાયા પછી આપણા સુધી પહોંચતું હોય છે. શ્રીમંતાઈ, પ્રસિદ્ધિ, ધાર્મિકતા, બહાદુરી, સંઘર્ષ કે પ્રેમ સિવાયનાં અનેક પાસાં એ વ્યક્તિઓના જીવનમાં હોવાનાં, જેમાંના મોટાભાગનાં આપણા સુધી ક્યારેય પહોંચતાં નથી. જે કંઈ પહોંચે છે તે બધું જ અમુક બાબતોની બાદબાકી સાથે તેવી જ બીજી ઘણી બાબતોના ઉમેરા સાથે, ચળકાટ પામીને, ગ્લોરિફાય થઇને પહોંચે છે.
આજે કરોડો ને અબજોમાં મહાલનારાઓની ગઈ કાલના સંઘર્ષ વિશેની વાતો પણ બઢાવી ચઢાવીને આપણા સુધી પહોંચતી હોય છે. એ સાંભળતી વખતે કે વાંચતી વખતે કે રૂપેરી પડદા પર કે રંગમંચ પર એનું નિરૂપણ થયેલું જોઈને ક્યારેક આપણને પણ આપણાં નૉર્મલ દાળ-ભાત-રોટલી-શાક છોડીને સૂકો રોટલો ને ડુંગળીનો દડો નમક સાથે ખાઈને દિવસો સુધી એ જ રીતે ટકી રહેવાનું મન થઈ આવે. એમાંથી ખરેખર જેઓએ પસાર થવું પડ્યું હોય તેઓ જ ફરી ક્યારેય ભગવાન કોઈનેય એવા દિવસો ન દેખાડેની પ્રાર્થના કરે.
કલ્પનાઓ અને સપનાંઓ જેને કારણે સર્જાય છે તે જોયેલી-વાંચેલી-સાંભળેલી કે અનુભવેલી વાતોમાં અતિશયોક્તિ કે પછી અલ્પોક્તિ હોવાની જ. એ વાતો એક ચોક્કસ ફ્રેમમાં જડી દીધી હોવાની અને એ જ રીતે એ આપણને યાદ રહેવાની. ફ્રેમ બહારનું ચિત્ર આપણાથી અજાણ્યું રહેવાનું. કલ્પનાઓ અને સપનાંઓ સારાને વધુ સારું તથા ખરાબને અતિ ખરાબ બતાવીને મનમાં સંઘરે છે.
ખરાબ જ્યારે અતિ ખરાબની કલ્પના દ્વારા સચવાય છે ત્યારે મનમાં ડર, ભય, અસલામતી સર્જાય છે. વ્યક્તિ સહમી જાય છે, ચોવીસ કલાક એના હૃદયમાં એના સબ કૉન્શિયસમાં એક ધ્રાસ્કો પડ્યો રહે છે. સારાને વધુ સારું બનાવીને સંઘરીએ છીએ ત્યારે શું બનતું હોય છે? અતિ સારી ગણીને સંઘરેલી કલ્પના જ્યારે વાસ્તવિકતા રૂપે અવતરે છે ત્યારે એમાં તમને લાખ ખોડખાંપણો દેખાતી રહે છે. એનો આકાર જેવો મનમાં જોયો હતો તેવો નથી હોતો. વાસ્તવિકતામાં પલટાઇ ગયેલી કલ્પના નથી ગમતી, કારણ કે એમાં કલ્પનાના ઘણા બધા રંગ ખૂટે છે. સોફ્ટ ફોક્સથી ઝડપાયેલી તસવીરોનું રોમેન્ટિસિઝમ ખૂટે છે, કારણ કે વાસ્તવિકતા હંમેશાં અનફ્રેઇમ્ડ રહેવાની. વાસ્તવિક પરિસ્થિતિ કલ્પનાની જેમ એક જ ચોકઠામાં સમાયેલી નથી હોતી. વાસ્તવિકતામાં ટીપે ટીપે જે મળે છે તે માટે કુદરતી રીતે જે સમય લેવાવાનો છે તે લેવાશે જ. કલ્પનામાં આ ટીપાંઓ ક્યારેક ઝરમર ઝરમર સેર જેવાં દેખાવાનાં કે ક્યારેક ધોધમાર દેખાવાનાં, કારણ કે કલ્પનાનો ગાળો કોમ્પ્રેસ્ડ હોવાનો : અનેક કલાકો-દિવસો-વર્ષોનો ગાળો મુઠ્ઠીભર સેકન્ડ કે મિનિટોની કલ્પના બની જતો હોય છે. આવી કલ્પનાઓ સાકાર થવા માંડે તોય એની તીવ્રતાનો અભાવ ખટકતો રહેવાનો. કારણ કે હકીકતના સમયમાં નિયમ કુદરતનો જ ચાલવાનો. જે વસ્તુને થતાં જેટલી વાર લાગવાની એટલી લાગશે જ. પ્રયત્ન કરવાથી દરેક વખતે સમય વત્તો ઓછો થઇ શકે, પણ સાવ કંઇ દસમા કે સોમા ભાગના સમયમાં એ કામ થઇ જાય એ અશક્ય.
કશા પણ વિશે ખૂબ કલ્પનાઓ જેણે કરી હોય, ખૂબ બધાં સપનાંઓ જોયાં હોય, એવી વ્યક્તિઓ એ કલ્પના વાસ્તવિકતા બની ગયા પછી પણ અસંતુષ્ટ જ રહેવાની. એને કલ્પનાની સરખામણીમાં આ વાસ્તવિકતામાં સતત અભાવો ખટક્યા કરવાના અને એકંદરે એ દુખી જ રહેવાની.
આમાંથી બચવાનો એક જ ઉપાય-જે કંઇ બની રહ્યું હોય તે આપણી કલ્પનાનો જ એક હિસ્સો છે એવું માનવું. બની રહેલી તમામ ઘટનાઓને સપના તરીકે જોઇ હતી અને આ બનાવો દ્વારા એ સપનાં જ સાકાર થઇ રહ્યાં છે એવું માનવું. આમાં મનને મનાવવાની વાત નથી, જાતને ફોસલાવવાની વાત નથી, પરંતુ પોતાને સમજાવવાની વાત છે. જીવવું હશે, આનંદથી જીવવું હશે, જલસાથી જીવવું હશે તો આટલું કર્યા વિના છૂટકો નથી. અન્યથા રાચ્યા કરવું કલ્પનામાં, જોયા કરવા સપનાં અને પછી સબડ્યા કરવું વાસ્તવિકતામાં.
સાયલન્સ પ્લીઝ!
શબ્દોમાં ક્યાં સમાય છે
તારી ને મારી વાત ,
અર્થોમાં ક્યાં ચણાય છે
તારી ને મારી વાત.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
