દર મહિને આખેઆખા પરિવારે આત્મહત્યા કરી હોય એવા સમાચાર આવતા હોય છે. પોતાના જ પરિવારને લાગણીથી, બ્લેકમેઈલિંગથી કે બળજબરીથી પોતાની સાથે મરવા માટે તૈયાર કરવા એ નાનીસૂની વાત નથી.
એક માતા કે સ્ત્રી જ્યારે પતિ સાથેની કે અન્ય પારિવારિક સમસ્યાઓને કારણે પોતાનું જીવન ટૂંકાવવાનું નક્કી કરે છે ત્યારે પોતાનાં ફૂલ જેવાં સંતાનોને પણ પહેલાં મારી નાખે અને પછી પોતે પણ મોતની ચાદરમાં સમેટાઈ જાય. પતિ આર્થિક-સામાજિક કારણસર જીવનથી હારી જાય ત્યારે પોતાની પત્ની અને બાળકોને પહેલાં મારી નાખે છે અને પછી પોતે પણ મરે છે. જે બાળકોને જન્મ આપ્યો હોય, એમને એક કાંટો વાગે તો પણ મા-બાપનો જીવ કપાઈ જતો હોય, જેમના માટે તેઓ આખી દુનિયાનાં દુઃખ-દર્દ સહન કરવા તૈયાર હોય અને જે બાળકો માટે એમના જન્મના પહેલાં જ અનેક રંગબેરંગી સપનાંઓ જોયાં હોય એ બાળકને મા-બાપ જાતે ઝેર આપી દે અથવા સમજદાર બાળકોને પોતાની સાથે ઝેર પીવા મજબૂર કરે ત્યારે એમની મનઃસ્થિતિ કેવી હશે? જેને જન્મ આપ્યો એને જ મૃત્યુના મુખમાં પહોંચાડતાં મા-બાપે પોતાના હૃદયને કેટલી હદ સુધી કઠોર બનાવ્યું હશે?
એવાં કયાં પરિબળો છે કે એમના કાળજાના કટકાને પોતાની સાથે મરવા તૈયાર કરવા પડે છે? આ ક્ષણિક આવેશ હોય છે કે પોતાના ગયા પછી એમને જીવવા ન દે અથવા દુનિયામાં તેઓ ટકી ન શકે એવો અવિશ્વાસ હોય છે? દુનિયા પરનો કે ખુદનાં જ સંતાનોની ક્ષમતા પરનો અવિશ્વાસ એમને આવું પગલું લેવા પ્રેરે છે. સંશોધનો કહે છે કે સામૂહિક આત્મહત્યા એ માત્ર વ્યક્તિગત હતાશાનું પરિણામ નથી, પરંતુ સામાજિક સંરચનાઓ અને મનોવૈજ્ઞાનિક વિકારોમાંથી નીપજતું એક નકારાત્મક પરિણામ છે. આંકડા પ્રમાણે ભારતમાં થનારી ખેડૂતો કે ગરીબોની આત્મહત્યા આર્થિક બોજ અને સામાજિક બહિષ્કારને કારણે થાય છે તો ક્યાંક અંધશ્રદ્ધા અને વહેમને કારણે ઉપજેલી મનોવિકૃતિ પણ જવાબદાર છે. દાખલા તરીકે થોડાં વર્ષો પહેલાં દિલ્હીના બુરાકીના ભાટિયા પરિવારમાં 11 સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી હતી. એની પાછળ એમના દીકરાને એમના મૃત પિતા સપનામાં આવીને વારંવાર બોલાવે છે એવો ભ્રમ જવાબદાર હતો. માણસ જ્યારે પોતાની વ્યક્તિગત ઓળખ અને જવાબદારીની ભાવના જીવનની સમસ્યાઓને કારણે ભૂલી જાય ત્યારે અન્ય વ્યક્તિના પ્રભાવમાં આવે છે. પ્રભાવ પાડનાર વ્યક્તિનો પ્રભાવ એટલો મજબૂત હોય છે કે એ પોતાની વિચારસરણીમાં આખા સમૂહ કે પરિવારને જકડી લે છે. દાખલા તરીકે પરિવારનો મોભી સટ્ટામાં નુકસાન કરે છે. ઘરબાર વેચવું પડે એમ છે. પત્ની હોશિયાર નથી, બાળકો નાસમજ છે અને બીજું કોઇ સામાજિક-પારિવારિક બેકિંગ નથી. આ મોભીમાં સમસ્યાનો સામનો કરવાની અને ભવિષ્યની મુશ્કેલીઓમાં પરિવારને સંડોવવાની ઇચ્છા નથી. સાહસ દ્વારા પોતાની જવાબદારી નિભાવવાની અને પરિવારને વિના વાંકે મોતના મુખમાં ન ધકેલી શકાય, એવો અપરાધભાવ અને નૈતિકતા એમનામાં નાશ પામી છે, તેથી તેઓ ભવિષ્યનાં પરિણામો પત્ની સમક્ષ ભયાનક સ્વરૂપે રજૂ કરી મરવા સિવાય કોઇ વિકલ્પ નથી એવું ઠરાવે છે અને આખો પરિવાર દવા પીને મોતની આગોશમાં સમાઈ જાય છે.
ભારતમાં હાલનાં વર્ષોમાં અનેક પરિવારોએ દવાને કારણે આત્મહત્યા કરી છે, કારણ કે પરિવારના મુખી એવું સહન નથી કરી શકતા કે એમનો પરિવાર ગરીબી કે અપમાનમાં જીવે. ઝારખંડમાં હજારી બાગની ઘટનામાં એક પરિવારનો મોભી 50 લાખના દેવાને કારણે એટલો હતાશ થઇ ગયો હતો કે બાળકોની અને અન્ય લોકોની હત્યા કરીને પોતે પણ મરી ગયો. વ્યક્તિગત નિરાશા ઘેરી વળે ત્યારે આત્મહત્યા જ એકમાત્ર વિકલ્પ દેખાય છે. ભારતમાં સામાજિક પ્રતિષ્ઠા એ બહુ મોટું કારણ છે. માત્ર આર્થિક પાયમાલી નહીં, પરંતુ લગ્નેતર સંબંધો કે અન્ય કારણસર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય, સમાજમાં આ બાબતે ટીકા-ટિપ્પણી થાય કે લોકો આ કારણસર સંતાનોને અપમાનિત કરે ત્યારે કોઇ નબળી કે આવેશની ક્ષણે `હું પણ મરું અને તને પણ મારું' એવો ક્રોધ-હતાશા જન્મે અને પોતાને કારણે સંતાનોને સહન ન કરવું પડે એ માટે બધાને મારી પોતે પણ મરે છે.
IVCRBના આંકડા મુજબ લગભગ 32 ટકા આત્મહત્યાઓ પારિવારિક સમસ્યાઓને કારણે થાય છે અને જ્યારે સ્ત્રી આત્મહત્યા કરે છે ત્યારે એના મનમાં એ પીડા, શંકા હોય છે કે જે પરિવારે મને સુખ નથી આપ્યું, મને નથી સાચવી એ મારાં સંતાનોને કંઇ રીતે સાચવશે? પહેલાં કોઇ સ્ત્રી આત્મહત્યા કરતી ત્યારે નજીકના વિશ્વાસપાત્ર સ્વજનને ચિઠ્ઠી લખીને જતી કે મારા ગયા પછી મારાં બાળકોને સાચવજો. એવું કોઇ સ્વજન-સઘિયારો હતો કે જેના પર એ ભરોસો મૂકી શકતી હતી. કદાચ ધીરે-ધીરે આ ભરોસો અને સધિયારો આપનાર વ્યક્તિઓ જીવનમાંથી નામશેષ થઇ રહી છે.
સમાજ કોઇ પણ વ્યક્તિની ભૂલને અપરાધની જેમ ટ્રીટ કરે છે, તેથી વ્યક્તિનું મનોબળ તૂટતું જાય છે. આર્થિક સમસ્યામાં અટવાયેલા લોકો પાસે કોઇ સામાજિક-પારિવારિક સપોર્ટ નથી. સગાં ભાઇ-બહેન જ નહીં, માતા-પિતા પણ ઘણીવાર સપોર્ટમાં નથી ઊભાં રહેતાં. પતિ-પત્નીના અંગત સંબંધોમાં આક્રમકતા અને ઉદાસીનતાની એવી ચરમસીમા આવી જાય છે કે એમને કોઇના પર ભરોસો નથી બેસતો. દુનિયાની કઠિનાઇ, ઝંઝાવાતો અને તિરસ્કાર વચ્ચે સંતાનો ન પિસાય, ક્ષણે-ક્ષણે મોતનો અહેસાસ કરી એમને નફરત ન કરે એ માટે માવતર જ હત્યારાં બને છે. આ સામાજિક વિષચક્રનું ઝેર અનેક જિંદગીને ભરખી રહ્યું છે ત્યારે સમાજના માપદંડો અને માન્યતાઓને બદલવાનું બીડું કોણ ઝડપશે?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો