ઝઘડા, સંવાદ અને અપેક્ષા વિનાના દાંપત્યજીવનને ખુશહાલ દાંપત્યજીવન કહી શકાય ખરું? હાઈ પ્રોફાઈલ જોબ, ફોરેન ટિપ્સ, લેટ નાઈટ પાર્ટીઝ, સોશિયલ ગેટ ટુ ગેધર, નવી કાર, નવો ફોન અને સોશિયલ મીડિયામાં મળતી અઢળક લાઈક્સ અને પરફેક્ટ કપલ્સ માટેની પ્રશંસા.
જોનારને એમ જ લાગે કે વાહ! શું જોડી છે? બંને એકબીજા માટે જ સર્જાયા હોય એવું લાગે છે. આ દંપતી કરિયરમાં આગળ હોય છે. બંને એકબીજાના ગોલ્સની આડે નથી આવતાં. ફાઈનાન્સિયલ પ્લાનિંગ પણ પરફેક્ટ છે. જોરજોરથી ઝઘડવાનો અવાજ પણ નથી આવતો કે નથી બંને એકબીજાને ચીટ કરતાં. છતાં બંને એકલાં પડે ત્યારે કે રૂમમાં પ્રવેશે ત્યારે ખામોશી સર્જાય છે. વાત કરવાના વિષયો નથી હોતા કે નથી હોતું ફિઝિકલ ઈન્ટિમસી માટેનું મન. બધું હોવા છતાં કંઈક ખૂટે છે અને આ ખૂટતાનું નામ છે ઈમોશનલ ઈન્ટિમસીનો અભાવ યાનિ `ઈમોશનલ ગેપ'.
ભારતીય સંસ્કૃતિમાં પરફેક્ટ કપલનો આધાર ભાવનાત્મકતા અંતરંગતાને બદલે કર્તવ્ય-સંરક્ષણ અને કાર્યાત્મક અનુકૂળતા પર રહેતો. એમાં ઈમોશનલ બોન્ડિંગ બનતું પણ અને ન પણ બનતું. ઘણા વડીલોને આપણે આંખના ઈશારે એકબીજાને સમજતા કે એકબીજાની ઢાલ બનીને ઊભા રહેતા જોયા છે. તો ક્યાંક નકરી ફરજ અને અધિકારથી ગૂંગળાતાં દંપતીઓ પણ જોયાં છે, પણ એ સમયે અંતરંગ લાગણી કરતાં સમાજ-સંપત્તિ-નામ-સલામતી મહત્ત્વનાં હતાં, પણ છેલ્લા બે-ત્રણ દાયકાથી પ્રેમ-અંતરંગતા-સન્માન- સ્પેસની સમજે ઈમોશનલ બોન્ડિંગની જરૂરિયાતને વધારે બળૂકી બનાવી અને જેમને આ બોન્ડિંગની સમજ છે તેમને `ઈમોશનલ ગેપ' ખૂંચે છે. જેઓ પ્રેમમાં ડૂબવાને બદલે, છબછબિયાં કરવામાં જ માને છે, તેમને બહારથી `પરફેક્ટ પેર' બનીને જીવવામાં કંઈ ખૂટતું નથી, પરંતુ સવાલ એ છે કે બહારથી હર્યુંભર્યું લાગતું જીવન અંદરથી ખાલી કેમ થઈ જાય છે? શરૂઆતના દિવસોમાં ઊભરાતું લાગણીનું ઘોડાપૂર થંભી કેમ જાય છે? આજે પરફેક્ટ કપલ એટલે શૈક્ષણિક સમાનતા, આર્થિક સધ્ધરતા, દેખાવમાં સમાનતા તથા હરવા-ફરવા જેવા શોખમાં સમાનતા. જે કપલ આ બાહ્ય માપદંડને પૂરા કરે એ પરફેક્ટ કપલ. પછી ભલે એમની વચ્ચે મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક અનુકૂળતા બિલકુલ ન હોય.આ ઈમોશનલ ગેપ અચાનક નથી ઊભો થતો, પરંતુ સંબંધોની શરૂઆતની લાગણીની તીવ્રતા ઓછા સમયમાં ઓછી થઈ જાય તો એક મજબૂત ભાવનાત્મક સંબંધ ન બંધાય. જ્યારે સંબંધોમાં માત્ર સામાજિક સલામતી, મહત્ત્વાકાંક્ષાઓ અને સગવડોને પ્રાધાન્ય અપાય ત્યારે સંબંધ ધીરે-ધીરે ખોખલો થવા માંડે છે.
ભારતીય પરિવેશમાં `ઈમોશનલ ગેપ'નું મહત્ત્વનું કારણ વધારે પડતી નજદીકીને કારણે પોતાની વ્યક્તિગત ઓળખ ખોવાઈ જવાથી ઊભી થતી ઘૂંટન-ગૂંગળામણ પણ છે અને સંબંધો શ્વાસ લેવાનું બંધ કરી દે છે. વિરોધાભાસી રૂપથી બંને જેટલું નજીક રહેવાની કોશિશ કરે છે એટલાં જ વધારે ચીડિયાં અને વિદ્રોહી બને છે. જ્યારે સ્પેસ ન મળે ત્યારે નિયંત્રણ આધિપત્ય અને ખોટા તર્ક વધવાથી ઈમોશનલ ગેપ ઊભો થાય છે, પણ બહાર તેઓ પોતે પરફેક્ટ છે એવું વર્તન જાળવી રાખે છે. બીજું, કપલ જ્યારે માત્ર જરૂરિયાતના સંવાદને મહત્ત્વ આપી હસી-મજાક, એકબીજાની ફીરકી લેવી કે એકબીજાનું મહત્ત્વ દર્શાવતી, કાલીઘેલી, મૂર્ખ, ખાટી-મીઠી વાતો બંધ કરે છે ત્યારે માત્ર ફરજનો અહેસાસ આધિપત્ય જમાવી અંદરની લાગણીઓને થીજવી દે છે. બીજું, દંપતી પોતાની વ્યસ્તતામાં ડૂબીને સ્પર્શને અવગણે છે, ક્યારેય હગ નથી કરતાં એમનામાં પણ ઈમોશનલ ગેપ ઝડપથી આવે છે. સેક્સ હોવા છતાં રોમાન્સ-રોમાંચ અને હૂંફ જતી રહે છે. ત્રીજું, ઘણાં દંપતી વાત વધારે ન બગડે એ માટે સામેવાળાની કમીને નજરઅંદાજ કરે છે અને જ્યારે સહનશીલતાની હદ પૂરી થાય ત્યારે અચાનક મુખ ફેરવી લે છે અને સંબંધોમાંથી ઈમોશનલી બહાર નીકળી જાય છે. ઘણીવાર સમસ્યાઓ અંગેનું મૌન અવગણના અને અપમાન ફીલ કરાવે છે. લાઈફ શેર કરવા ભેગી થયેલી બે વ્યક્તિમાંથી કોઈને પણ જ્યારે એવું લાગે કે આ બધું એકપક્ષીય છે, સામી વ્યક્તિ માટે મારાં સુખ-દુઃખ મહત્ત્વનાં નથી, ત્યારે એ ઈમોશનલી દૂર થવા માંડે છે. પરંતુ સામાજિક પ્રેશરને કારણે એવરીથિંગ ઈઝ રાઈટની ભૂમિકામાં વ્યસ્ત રહે છે. તેમ છતાં મનમાં તો તેઓ પોતે એકલો જ છે, પોતાની સમસ્યા પોતે જ દૂર કરવાની છે અને પાર્ટનર પાસે કોઈ અપેક્ષા રાખવાની નથી એવી સ્પષ્ટતા લાવી ઈમોશનલી ગેપ ઊભો કરી દે છે.
સોશિયલ મીડિયા પર જેઓ પરફેક્ટ કપલના પ્રદર્શનમાં વ્યસ્ત છે તેઓ બહુધા ભાવનાત્મક શૂન્યતાને છુપાવવાનું કામ કરે છે. સંશોધન કહે છે કે દંપતીને બીજા દ્વારા પોતાના સંબંધોને પરફેક્ટ કપલની માન્યતાની આવશ્યકતા જેટલી વધુ એટલી એમની આંતરિક ઘનિષ્ઠતા ઓછી રહેવાની. સોશિયલ મીડિયા પર પરફેક્ટ દેખાવાનું પ્રેશર અને સરખામણી પણ એમને ઈમોશનલી દૂર કરે છે.
એક ઉદાહરણ દ્વારા આ વાત સમજીએ. પહેલાં લોકો ફરવા જતાં ત્યારે રોમાન્સ મહત્ત્વનો રહે છે. હવે રીલ્સ અને ફોટોગ્રાફ મહત્ત્વનાં છે! જે સમય પરસ્પર વાતો કરવામાં પસાર થતો એ તૈયાર થવામાં અને રીલ્સની લાઈક્સ-કમેન્ટમાં પસાર થાય છે અને ઘણીવાર આમાંથી ઝઘડા થાય છે. સોશિયલ મીડિયા અને ફોનને કારણે વાતચીત ઓછી થતાં સંવાદ ઓછો થયો, સંવાદની કમીને કારણે ગેરસમજ, ગેરસમજમાંથી આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને છેવટે સંબંધો માટે એક ઘેરી ઉદાસનીતાનો જન્મ થાય છે. આ ચક્રવ્યૂહને જે સમજી શકે છે તે પોતાના સંબંધને બચાવી શકે. આ ઉપરાંત પેરેન્ટિંગની જવાબદારી અને કરિયરના સ્ટ્રેસ તથા ભૌતિક ક્ષેત્રે બધું મેળવી લેવાની વધારે પડતી મહત્ત્વાકાંક્ષા લાગણીને ખતમ કરી નાંખે છે. અગર લાગણીને ફરી જીવંત કરવી હશે તો...
* ડિજિટલ મર્યાદા નક્કી કરો. * ભાવનાત્મક સંવાદને મહત્ત્વ આપો. * એકબીજાનું સમર્થન માંગો અને સમર્થન આપો. * લાઈફમાં એકબીજાનું મહત્ત્વ દર્શાવો. * શારીરિક નજદીકીથી દૂર ન ભાગો. * અમે પરફેક્ટ છીએ એવા ભ્રમના પિંજરામાંથી નીકળી વાસ્તવિક સમસ્યાને ઓળખો, સ્વીકારો અને એનો ઉકેલ લાવો.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો