ગુજરાતના ચંદ્રકાંત પટેલ લુઝ્નાનિયામાં રહેતા હતા. એમના પોતાના બે સ્ટોર હતા. એક ફાસ્ટફૂડ રેસ્ટોરાં પણ તેઓ ચલાવતા હતા.
એમનું કહેવું એમ છે કે એમના ઉપર હથિયારધારી એટેક થયેલો હતો. આ કારણસર એમને વર્ષ 2023માં `યુ' વિઝા આપવામાં આવ્યા હતા. આ `યુ' વિઝા વર્ષ 2000ના ઓક્ટોબર મહિનામાં `ધ વિક્ટિમ્સ ઓફ ટ્રાફિકિંગ એન્ડ વાયોલન્સ પ્રોટેક્શન એક્ટ' જે ઘડવામાં આવ્યો છે એની હેઠળ ઘડવામાં આવ્યા છે.
જે પરદેશીઓ અમેરિકામાં હોય અને ક્રિમિનલ એક્ટિવિટીના ભોગ બનેલા હોય, એમને ખૂબ ફિઝિકલ તેમજ મેન્ટલ દુ:ખ પડ્યું હોય અને જેઓ આ જે લૂંટફાટ કે મારામારી જેમણે કરી છે એ વ્યક્તિઓને સજા કરાવવા માટે, અમેરિકાની સરકારને સહાય કરવા માટે તૈયાર છે. તેઓ માટે આ કાયદા હેઠળ અમેરિકાની સરકારે `યુ' વિઝા ઘડ્યા છે, જેથી આવાં ગેરકાનૂની કૃત્યો, લૂંટફાટના ભોગ બનેલાઓ અમેરિકામાં નિશ્ચિંતપણે રહી શકે અને અમેરિકાની સરકારને એ બાબતમાં જાણકારી આપી શકે. કોર્ટમાં શું બન્યું હતું એ જણાવી શકે, જેથી આવા ગુનેગારોને સજા થઈ શકે.
અમેરિકાની પોલીસને પછીથી એવી જાણ થઈ કે ચંદ્રકાંત પટેલે ખોટું બોલીને અને પોલીસોનાં ખોટાં સર્ટિફિકેટો મેળવીને `યુ' વિઝા મેળવ્યા હતા. આથી એમની સામે કાર્યવાહી ચલાવવામાં આવી. 15મી જુલાઈ, 2025ના દિવસે એમની પૂછપરછ કરવામાં આવી. બે કલાક સુધી પોલીસોએ એમની ઊલટ તપાસ લીધી, જાતજાતના પ્રશ્નો પૂછ્યા. આ બનાવ કેમ બન્યો હતો? ક્યારે બન્યો હતો? કોણ હતું? કેટલા લોકો હતા? આર્મ રોબરી એટલે શું? બંદૂક હતી? છરી હતી? ચપ્પુ હતા? ભાલા હતા? તલવારો હતી? મશીનગન હતા? આવું બધું પૂછ્યું. પછી એ લોકોને જાણ થઈ કે ચંદ્રકાંત પટેલે જે `યુ' વિઝા મેળવ્યા હતા એ ખોટું બોલીને મેળવ્યા હતા. એમણે પોતે તો ખોટું બોલીને `યુ' વિઝા મેળવ્યા હતા, પણ 26 ડિસેમ્બર, 2015થી 15 જુલાઈ, 2025 સુધીમાં એટલે કે લગભગ દસ વર્ષના સમયગાળામાં ચાર પોલીસ ઓફિસરોની મદદથી પૈસા લઈને, છેતરપિંડી આચારીને 300 જેટલા પરદેશીઓને, જેમાં મોટાભાગના ગુજરાતીઓ હતા, `યુ' વિઝા અપાવવામાં મદદ કરી છે.
ચંદ્રકાંત પટેલે એમની ઊલટ તપાસમાં કબૂલ કર્યું કે હા, મેં આવું ખોટું કામ કર્યું છે. મેં વિઝા ફ્રોડ કર્યો છે. મારી જોડે જોડે આ ચાર પોલીસ ઓફિસરો પણ વિઝા ફ્રોડમાં સામેલ છે. અમે લોકોએ પૈસા ખાધા છે. આ 300 જણા જે લોકોને અમે `યુ' વિઝા અપાવ્યા છે એમની આગળથી અમે પુષ્કળ પૈસા લીધેલા છે. આવી એમણે કબૂલાત કરી. પછી બીજા અઠવાડિયે ચંદ્રકાંત પટેલને જજની સામે ઊભા રાખવામાં આવ્યા. અઠવાડિયા બાદ 23 જુલાઈ, 2025ના દિવસે જ્યારે ચંદ્રકાંત પટેલને કોર્ટમાં ઊભા રાખવામાં આવ્યા ત્યારે એમણે જજની સામે નન્નો ભણ્યો. કહ્યું કે સાહેબ, બધી વાત ખોટી છે. મેં ક્યારેય કબૂલ કર્યું જ નથી કે મેં 300 પરદેશીઓને `યુ' વિઝા અપાવવામાં મદદ કરી છે.
એ ચાર પોલીસ ઓફિસરોને જજે જામીન ઉપર છોડ્યા, પણ ચંદ્રકાંત પટેલને જામીન ન આપ્યા. એમનું એવું માનવું હતું કે ચંદ્રકાંત પટેલ `ફ્લાઈટ રિસ્ક' છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓએ આથી ઊહાપોહ કરી મૂક્યો. એમણે કહ્યું કે, `પટેલને જ શા માટે જેલ? આ અમેરિકન પોલીસ ઓફિસરોને કેમ જેલ નહીં? આ તો ભેદભાવ છે. ભારતીયને જેલમાં મોકલો છો અને તમારા પોતાના પોલીસ ઓફિસરોને બેલ ઉપર છોડો છો. આ અન્યાય કહેવાય.'
`યુ' વિઝા મેળવીને તમે અમેરિકામાં રહી શકો છો. તમારી જોડે તમારા કુટુંબીજનો પત્ની યા પતિ અને બાળકોને પણ ડિપેન્ડન્ડ યુ વિઝા મળી શકે છે. આમ તમે અમેરિકામાં રહી શકો છો.
પટેલને જ શા માટે જેલ? એનો જવાબ છે કે એ પટેલે ખરેખર ખોટું કામ કર્યું છે. જજને એવું લાગ્યું છે કે ચંદ્રકાંત પટેલ `ફ્લાઈટ રિસ્ક' છે. એ ભાગી જાય એવો છે એટલે એમને બેલ નહીં જેલ આપેલી છે. જ્યારે બીજા ચાર પોલીસ ઓફિસરો જેઓ અમેરિકન છે તેઓ ભાગી જઈ શકે એમ નથી. એટલે એ લોકોને બેલ ઉપર છોડવામાં આવ્યા છે. આ ઉપરાંત એમનો ગુનો પ્રમાણમાં ઓછો છે. ચંદ્રકાંત પટેલની જેમ અનેકો આ `ધ વિક્ટિમ્સ ઓફ ટ્રાફિકિંગ એન્ડ વાયોલન્સ પ્રોટેક્શન એક્ટ' જે ઓક્ટોબર, 2000માં ઘડવામાં આવ્યો છે અને જેની હેઠળ `યુ' વિઝા ઘડવામાં આવ્યા છે એનો ગેરલાભ ઉઠાવે છે. આથી જ અમેરિકાની સરકાર દિવસે દિવસે `યુ' વિઝા આપવામાં કડક વલણ અખત્યાર કરે છે.
