મહાભારતના શાંતિપર્વમાં પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને રાજધર્મ અને નેતૃત્વના સિદ્ધાંતો વિશે ઊંડાણપૂર્વકનો ઉપદેશ આપે છે. આમાં તેમણે લીડર્સની નીતિઓની સ્પષ્ટતા અને પારદર્શિતા પર આપેલી સલાહ આજના આધુનિક નેતૃત્વ માટે પણ અત્યંત પ્રસ્તુત અને માર્ગદર્શક છે. ભીષ્મ ભારપૂર્વક જણાવે છે કે નેતાએ પોતાની નીતિઓ, નિર્ણયો અને ઉદ્દેશ્યોમાં સ્પષ્ટ અને પારદર્શક રહેવું જોઈએ, જેથી પ્રજા (અથવા ટીમ)માં વિશ્વાસ અને એકતા જળવાઈ રહે. નહીંતર તેને લીડરશિપ અત્યંત ભારે પડશે.
ભીષ્મ શાંતિપર્વમાં ઉલ્લેખ કરે છે કે નેતાની નીતિઓ અને નિર્ણયો પ્રજા સમક્ષ સ્પષ્ટ હોવા જોઈએ. તેમનું કહેવું છે કે ગેરસમજણો અને અવિશ્વાસનું મૂળ કારણ અસ્પષ્ટતા છે. જો નેતા પોતાના ઇરાદાઓ અને નિર્ણયોની પ્રક્રિયામાં પારદર્શક નથી, તો પ્રજામાં શંકા અને અસંતોષ ઉદ્ભવે છે. આજના સંદર્ભમાં આ સલાહ સંસ્થાઓ, વ્યવસાયો અને સરકારી નેતૃત્વ માટે અત્યંત મહત્ત્વની છે. ઉદાહરણ તરીકે, કોઈ કંપનીના CEOએ જો નવી નીતિ લાગુ કરવી હોય, જેમ કે રિમોટ વર્કની નીતિ, તો તેના હેતુ, લાભો અને અસરો વિશે સ્પષ્ટ સંચાર કરવો જરૂરી છે. જો કર્મચારીઓને આ નીતિનાં કારણો અને પરિણામો સમજાવવામાં ન આવે, તો તેમનામાં અસંતોષ અને અવિશ્વાસ ઊભો થઈ શકે છે, જે સંસ્થાના એકંદર પ્રદર્શનને અસર કરે છે.
ભીષ્મ એમ પણ જણાવે છે કે નેતાએ પોતાના નિર્ણયો પાછળની પ્રક્રિયા અને તર્કને પ્રજા સમક્ષ રજૂ કરવા જોઈએ. આજના નેતાઓ માટે આનો અર્થ એ થાય કે તેઓએ પોતાના નિર્ણયોના આધાર અને હેતુઓને ખુલ્લેઆમ શેર કરવા જોઈએ. ઉદાહરણ તરીકે, જો કોઈ નેતા કર્મચારીઓની છટણીનો નિર્ણય લે, તો તેની પાછળનું કારણ જેમ કે નાણાકીય મુશ્કેલીઓ કે રચનાત્મક ફેરફારો, સ્પષ્ટ રીતે સમજાવવું જોઈએ. આ પારદર્શિતા કર્મચારીઓના મનમાં શંકાઓ ઘટાડે છે અને નેતા પ્રત્યેનો વિશ્વાસ જાળવી રાખે છે. ભીષ્મના આ ઉપદેશનું આધુનિક ઉદાહરણ એ છે કે ઘણી આધુનિક સંસ્થાઓ હવે `ઓપન-ડોર પોલિસી' અપનાવે છે, જ્યાં નેતાઓ કર્મચારીઓ સાથે ખુલ્લો સંવાદ રાખે છે અને તેમના પ્રશ્નોના જવાબ આપે છે.
વધુમાં ભીષ્મ લીડર્સને સલાહ આપે છે કે તેમના શબ્દો અને કાર્યોમાં સુસંગતતા હોવી જોઈએ. જો લીડર જે કહે છે તેનાથી વિપરીત કરે છે, તો તેની વિશ્વસનીયતા ઘટે છે. આજના લીડરો માટે આ એક મહત્ત્વનો પાઠ છે. ઉદાહરણ તરીકે, જો કોઈ લીડર ટીમની સુખાકારીની વાત કરે છે, પરંતુ વધુ પડતા કામનો બોજ આપે છે, તો તેના શબ્દો અને કાર્યો વચ્ચેનું અંતર ટીમનો વિશ્વાસ ડગમગાવી શકે છે. ભીષ્મની આ સલાહ આજના લીડરને `Walk the Talk'ના સિદ્ધાંતને અનુસરવાનું શીખવે છે, જેનો અર્થ છે કે નેતાએ પોતે જે નીતિઓનું પાલન કરવા કહે છે તેનું પોતે પણ પાલન કરવું જોઈએ.
ભીષ્મ એમ પણ કહે છે કે લીડરે પોતાની નીતિઓને સરળ અને સમજી શકાય તેવી રાખવી જોઈએ. જટિલ અને અસ્પષ્ટ નીતિઓથી પ્રજામાં ગેરસમજણો ઉદ્ભવે છે. આજના સંદર્ભમાં આનો અર્થ એ થાય કે લીડરે જટિલ નીતિઓને સરળ શબ્દોમાં સમજાવવી જોઈએ. ઉદાહરણ તરીકે, કોર્પોરેટ દુનિયામાં જો કોઈ નવી ટેક્નોલોજી અપનાવવામાં આવે, તો તેના ફાયદા અને ઉપયોગને ટીમ સમક્ષ સરળ રીતે રજૂ કરવા જોઈએ. આમ કરવાથી ટીમના સભ્યો નવી પદ્ધતિઓને સરળતાથી સ્વીકારી શકે છે અને નેતા પ્રત્યેનો તેમનો વિશ્વાસ વધે છે.
આધુનિક નેતૃત્વના સંદર્ભમાં ભીષ્મની આ ટિપ્સ `ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ' અને `સર્વન્ટ લીડરશિપ' જેવાં મોડલ્સ સાથે સીધી રીતે સંકળાયેલી છે. ટ્રાન્સફોર્મેશનલ લીડર પોતાના વિઝનને સ્પષ્ટ રીતે શેર કરે છે અને ટીમને પ્રેરણા આપે છે, જ્યારે લીડર ટીમની જરૂરિયાતોને પ્રાથમિકતા આપે છે. ભીષ્મની પારદર્શિતાની સલાહ આ બંને મોડલ્સનો પાયો બની શકે છે, કારણ કે તે નેતા અને ટીમ વચ્ચે વિશ્વાસનું નિર્માણ કરે છે.
ભીષ્મની સલાહનું બીજું મહત્ત્વનું પાસું એ છે કે લીડરે પોતાની નીતિઓની સમીક્ષા કરતા રહેવું જોઈએ અને જરૂર પડે તો તેમાં ફેરફાર કરવો જોઈએ. આજના ઝડપથી બદલાતા વિશ્વમાં જ્યાં ટેક્નોલોજી અને બજારની સ્થિતિઓ સતત બદલાય છે, લીડરે ફ્લેક્સિબલ અને અનુકૂલન ક્ષમતા ધરાવતા રહેવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો કોઈ કંપનીની નીતિ બજારની નવી માંગને અનુરૂપ નથી, તો લીડરે તેને સ્પષ્ટ રીતે સુધારવી જોઈએ અને આ ફેરફારોનું કારણ ટીમને સમજાવવું જોઈએ, જેથી ટીમને ધરપત રહે કે નીતિ અચાનક કેમ બદલાઈ. નહીંતર જો ટીમને એ વિશે ખ્યાલ જ નહીં હોય તો ટીમમાં કારણ વિનાની ગોસિપ થશે, જે અંતતઃ અસંતોષમાં પરિવર્તિત થશે.
ઈનશોર્ટ, શાંતિપર્વમાં ભીષ્મની નીતિઓની સ્પષ્ટતા અને પારદર્શિતાની સલાહ આજના નેતાઓ માટે અત્યંત માર્ગદર્શક છે. તેણે જો તેની સ્વીકૃતિ મેળવવી હોય કે ઈવન સારી પ્રોડક્ટિવિટી મેળવવી હોય તો પોતાની નીતિઓ બાબતે તેની ખુદની પાસેય સ્પષ્ટતા હોવી જ જોઈએ. નહીંતર તમારી ટીમ તમારાથી ક્યારેય સંતુષ્ટ નહીં રહે.