મહાભારતના શાંતિપર્વમાં પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને જીવનનાં ગહન સત્યોનો બોધપાઠ આપે છે અને તેમના શબ્દો આજે પણ લીડરશિપના સંદર્ભમાં અત્યંત પ્રસ્તુત છે.
ભીષ્મ કહે છે કે જીવનમાં પીડા અને સ્પર્શની ઝંખનાથી દૂર રહેવું, પરંતુ તેનો એક ગહન અર્થ એ પણ છે કે લીડરે પોતાની શારીરિક, સામાજિક કે વ્યાવસાયિક પીડાઓની ફરિયાદ કરવાનું ટાળવું જોઈએ. લીડરનું જીવન એક દીવાદાંડી જેવું હોય છે, જે પોતાની આસપાસના લોકોને પ્રકાશ આપે છે, પરંતુ પોતે બળતો રહે છે. આથી જ લીડરે પોતાની વેદનાઓને સહન કરવાની કળા શીખવી જોઈએ અને તેની ફરિયાદ કરવાનું ટાળવું જોઈએ. શાંતિપર્વમાં ભીષ્મના આ ઉપદેશો લીડરને એક એવો માર્ગ બતાવે છે, જ્યાં તે પોતાની પીડાઓને ન માત્ર સ્વીકારે, પરંતુ તેનો ઉપયોગ પોતાની લીડરશિપને વધુ મજબૂત બનાવવા માટે કરે.
લીડરનું જીવન સામાન્ય માણસથી અલગ હોય છે. તેની આસપાસના લોકો તેની પાસે દિશા, પ્રેરણા અને સ્થિરતાની અપેક્ષા રાખે છે. જો લીડર પોતાની શારીરિક વેદના, સામાજિક દબાણ કે વ્યાવસાયિક પડકારોની સતત ફરિયાદ કરે, તો તેની પ્રતિષ્ઠા અને પ્રભાવ ઘટે છે. ભીષ્મના શબ્દોમાં શબ્દોનો વપરાશ એટલે કે બોલવાની કળા એ લીડરની સૌથી મોટી સંપત્તિ છે. જો લીડર પોતાની પીડાઓનું વર્ણન કરવામાં વધુ પડતું બોલે, તો તેના શબ્દો ન માત્ર તેની નબળાઈ દર્શાવે છે, પરંતુ તેની આસપાસના લોકોનો વિશ્વાસ પણ ડગમગી શકે છે. લીડરની આ નબળાઈઓનો લાભ તેના વિરોધીઓ કે સ્પર્ધકો ઉઠાવી શકે છે, જેનો ઉલ્લેખ શાંતિપર્વમાં ભીષ્મે પરોક્ષ રીતે કર્યો છે.
આપણે ઘણીવાર જોઈએ છીએ કે લીડરો પોતાની શારીરિક પીડાઓ, જેમ કે થાક, બીમારી કે શારીરિક મર્યાદાઓ વિશે ખુલ્લેઆમ ફરિયાદ કરે છે. આવું કરવું એટલે પોતાની જાતને નબળી બતાવવી. લીડરનું શરીર ભલે થાકે, પરંતુ તેનું મન અને નેતૃત્વ હંમેશાં સ્થિર રહેવું જોઈએ. શાંતિપર્વમાં ભીષ્મ એક ઉદાહરણ આપે છે, જેમાં તેઓ કહે છે કે યુદ્ધના મેદાનમાં યોદ્ધાએ પોતાની ઈજાઓને છુપાવવી જોઈએ, કારણ કે તેની નબળાઈ જોવાથી શત્રુનું મનોબળ વધે છે. આ જ વાત લીડરશિપ પર લાગુ પડે છે. જો લીડર પોતાની શારીરિક પીડાઓની વાત કરે, તો તેની ટીમનું મનોબળ ઘટે છે અને તેના વિરોધીઓને તેનો લાભ મળે છે.
સામાજિક પીડાઓની વાત કરીએ, તો લીડર ઘણીવાર સમાજના દબાણ, ટીકા કે ગેરસમજને કારણે પીડાય છે. આવા સમયે ફરિયાદ કરવી એટલે પોતાની નબળાઈને જાહેર કરવી. ભીષ્મના મતે લીડરે આવાં દબાણોને મૌનથી સ્વીકારવાં જોઈએ અને પોતાનાં કાર્યો દ્વારા જવાબ આપવો જોઈએ. ઉદાહરણ તરીકે, જો લીડરને સમાજમાંથી ટીકા મળે, તો તેની ફરિયાદ કરવાને બદલે તેનાં કાર્યો દ્વારા પોતાની યોગ્યતા સાબિત કરવી જોઈએ. આવું કરવાથી લીડરની પ્રતિષ્ઠા વધે છે અને તેનો પ્રભાવ લાંબા ગાળે ટકી રહે છે. શાંતિપર્વમાં ભીષ્મ આવી સ્થિતિઓમાં મૌન અને સંયમનું મહત્ત્વ સમજાવે છે, જે લીડરને ન માત્ર મજબૂત બનાવે છે, પરંતુ તેની આસપાસના લોકોને પણ પ્રેરણા આપે છે.
વ્યાવસાયિક પીડાઓની વાત કરીએ, તો લીડરને ઘણીવાર નિષ્ફળતા, સ્પર્ધા કે આર્થિક દબાણનો સામનો કરવો પડે છે. આવા સમયે ફરિયાદ કરવી એટલે પોતાની નિષ્ફળતાને સ્વીકારવી. ભીષ્મના ઉપદેશોમાં એક વાત સ્પષ્ટ છે કે લીડરે પોતાની નિષ્ફળતાઓને એક તક તરીકે જોવી જોઈએ. જો લીડર નિષ્ફળતાની ફરિયાદ કરે, તો તેની ટીમનો વિશ્વાસ ઘટે છે અને તેની નેતૃત્વની ક્ષમતા પર સવાલ ઊભા થાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કંપનીનો લીડર આર્થિક નુકસાનની ફરિયાદ કરે, તો તેના કર્મચારીઓમાં અસુરક્ષાની લાગણી વધે છે. તેના બદલે લીડરે આવા સમયે શાંત રહીને નવી રણનીતિ ઘડવી જોઈએ. શાંતિપર્વમાં ભીષ્મ આવી પરિસ્થિતિઓમાં ધીરજ અને સ્વ-નિયંત્રણની વાત કરે છે, જે લીડરને મુશ્કેલીઓમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે.
લીડરની ફરિયાદ એક રીતે તેની નબળાઈનું પ્રતીક બની જાય છે. જો લીડર પોતાની પીડાઓને જાહેર કરે, તો તેના અનુયાયીઓમાં નિરાશા ફેલાય છે અને તેની નેતૃત્વની છબી ઝાંખી પડે છે. ભીષ્મના શબ્દોમાં, લીડરે પોતાના શબ્દોનો ઉપયોગ ઓછો અને સમજદારીપૂર્વક કરવો જોઈએ. ફરિયાદ કરવાને બદલે લીડરે પોતાની પીડાઓને એક પડકાર તરીકે સ્વીકારવી જોઈએ અને તેનો ઉપયોગ પોતાની લીડરશિપને વધુ શક્તિશાળી બનાવવા માટે કરવો જોઈએ. આવું કરવાથી લીડર ન માત્ર પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખે છે,
પરંતુ તેની આસપાસના લોકોને પણ પ્રેરણા આપે છે. મહાભારતના શાંતિપર્વમાં ભીષ્મના આ ઉપદેશો લીડરને એક એવો માર્ગ બતાવે છે, જે તેને પોતાની પીડાઓને મૌનથી સ્વીકારવા અને તેનો ઉપયોગ પોતાની શક્તિ તરીકે કરવા પ્રેરે છે. ઈનશોર્ટ, લીડરે ફરિયાદ ન કરવી, પરંતુ મૌન અને કાર્ય દ્વારા પોતાની યોગ્યતા સાબિત કરવી જોઈએ. વળી, તેણે એ વાત પણ યાદ રાખવી જોઈએ કે જો તે પણ ફરિયાદો કરતો રહે તો તેનામાં અને સામાન્ય લોકોમાં કંઈ ફરક નથી રહેતો.