આજે આપણે સૂર્યમંડળના ગ્રહોને થયેલા `હળહળતા અન્યાય' અને એની પાછળનાં કારણો અંગે ચર્ચા કરવાની છે. ખગોળ વિજ્ઞાનમાં થોડો ઘણોય રસ લીધો હશે તો તમને ખ્યાલ હશે જ કે બ્રહ્માંડ અફાટ છે. એમાં અઢળક ગેલેક્સીઝ આવેલી છે. આવી જ એક ગેલેક્સી એટલે આપણી આકાશગંગા. આકાશગંગા ગેલેક્સીમાં વળી આપણને રોજ દેખાતો સૂર્યનો ધગધગતો ગોળો અને એની આસપાસ ફરતા ગ્રહોનું સૌરમંડળ આવેલું છે. આપણી પૃથ્વી આ જ સૌરમંડળનો હિસ્સો છે. આ સૌરમંડળમાં કુલ આઠ ગ્રહો છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ , શનિ, યુરેનસ અને નેપ્ચ્યૂન. આ દરેક ગ્રહની આસપાસ ફરતા ઉપગ્રહો (દાખલા તરીકે પૃથ્વીની આસપાસ ફરતો ચંદ્ર) તો વળી જુદા. હવે આટલી પ્રારંભિક ચર્ચા પછી જરા મગજને તસ્દી આપીને યાદ કરી જુઓ. આ નાસા અને ઇસરોવાળા ચંદ્ર અને મંગળ સિવાય બીજે કશે ગયા હોવાનું યાદ છે? આ લોકો પોતાનાં તમામ મિશનો મંગળ અને ચંદ્રને ધ્યાનમાં રાખીને જ ઘડી કાઢે છે. તો પછી બીજા ગ્રહોનું શું? એમને આવો અન્યાય શા માટે? શું સૂર્યમંડળમાં એમની કોઈ વેલ્યૂ જ નહિ? આ મુદ્દે વૈશ્વિક આંદોલનો અને ધરણા પર ઊતરી જતા પહેલાં થોડી રસપ્રદ વૈજ્ઞાનિક સ્પષ્ટતા કેળવી લેવી જોઈએ.
ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે અને પૃથ્વીનો જ ઉપગ્રહ છે. એટલે ત્યાં બીજા ગ્રહોની સાપેક્ષે આસાનીથી પહોંચી શકાય છે. વળી, ચંદ્રના ખડકો અને ક્રેટર્સમાંથી પૃથ્વીના પ્રારંભિક કાળના પુરાવા મળે છે. પાણીનો બરફ, ઊર્જાના સ્રોત સમા હિલિયમ-3 સહિત અન્ય ખનિજોની હાજરી વગેરે બાબતો સંશોધકોને આકર્ષે છે. એટલું જ નહિ પણ ચંદ્ર પૃથ્વી ઉપર કેટલીક સીધી અસરો પેદા કરે છે. જેમ કે, પૃથ્વીની અક્ષીય સ્થિરતા ચંદ્રને આભારી છે. જેના પરિણામે ઋતુઓ અને વાતાવરણમાં સ્થિરતા જળવાય છે. જો ચંદ્ર ન હોત તો પૃથ્વીની અક્ષ ચલિત થઈ શકે અને આબોહવા અસ્થિર બની શકે. આ ઉપરાંત દિવસ-રાતની લંબાઈ, સજીવોના જીવન અને વર્તન પર અસર વગેરે અનેક મુદ્દાઓ છે, જે ચંદ્ર પ્રત્યેની આપણી જિજ્ઞાસા વધારે છે. આથી જ અવકાશી સંસ્થાઓ ચંદ્રને ધ્યાને રાખીને મિશન્સ ડિઝાઈન કરતી રહે છે.
સંશોધનો માટે મંગળને અન્ય ગ્રહો (જેમ કે, શુક્ર, બુધ, ગુરુ) કરતાં વધુ પસંદ કરવામાં આવે છે, કારણ કે પૃથ્વી સાથે ઘણી સમાનતા ધરાવે છે. મંગળના દિવસની લંબાઈ (24.6 કલાક) સ્ ગળ ઉપર પણ ભૂતકાળમાં પાણી, તળાવો અને ગરમ વાતાવરણ હતું, જે જીવનની શક્યતા વધારે છે. અન્ય ગ્રહોમાં આવી સમાનતા નથી. આ ઉપરાંત મંગળ પર સંશોધન કરવું વૈજ્ઞાનિકો અને અવકાશ એજન્સીઓ માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે સૂર્યમંડળના ઉદ્ભવ, જીવનની શક્યતા અને માનવ અવકાશ અન્વેષણના ભવિષ્ય વિશે માહિતી આપે છે, પણ એ તો બીજા ગ્રહોના અભ્યાસ ઉપરથી પણ મળી શકેને? બીજા ગ્રહો પાસેથીય બ્રહ્માંડના ભૂતકાળ વિશે જાણી જ શકાય, પણ એ ગ્રહો પર પહોંચવું કઠિન છે. મંગળ પર 6-7 મહિનામાં પહોંચી શકાય. જ્યારે અન્ય ગ્રહો (જેમ કે, ગુરુ અથવા શનિ) પર પહોંચતાં વર્ષો લાગે. પરિણામે અવકાશી મિશન્સ અત્યંત ખર્ચાળ અને જોખમી બની રહે.
હવે જરા બીજા ગ્રહોની કુંડળી તપાસીએ. શુક્રનું વાતાવરણ અત્યંત ગરમ (460 ઔંસ C) છે. આ વાતાવરણમાં લેન્ડર માત્ર થોડા કલાકો પૂરતું જ ટકી શકે. હાલ Akatsuki (JAXA) ઓર્બિટર શુક્રનું પરિભ્રમણ કરી રહ્યું છે. 2030 પછી નાસા અન્ય પણ કેટલાંક મિશન્સ શુક્રને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરી રહ્યું છે. બુધ પૃથ્વીની સૌથી નજીક છે એ ખરું, પણ ત્યાં પહોંચવું અને ટકવું દુષ્કર છે, કારણ કે તે સૂર્યની પણ ખૂબ નજીક છે. બુધ પર દિવસનું તાપમાન 430 ઔંસ C સુધી પહોંચે છે. સૂર્યની નજીક હોવાથી સોલર રેડિએશન 10 ગણું વધુ લાગે છે. આથી સ્પેસક્રાફ્ટ માટે ખાસ હીટ-રેઝિસ્ટન્ટ મટીરિયલ, સનશિલ્ડ અને રેડિએટર્સની જરૂર પડે, જે પ્રોજેક્ટને અતિશય ખર્ચાળ બનાવી મૂકે. વળી, બુધ પર વાતાવરણ શૂન્યવત્ છે. એટલે સ્પેસક્રાફ્ટને લેન્ડિંગ કરવા માટે જરૂરી વાતાવરણીય ઘર્ષણ મળતું નથી. ગુરુનો ગ્રહ તો પોતે જ ગેસ જાયન્ટ છે, એટલે ત્યાં લેન્ડ કરવા માટેની સપાટી જ ઉપલબ્ધ નથી.
ગુરુ જેવો જ કેસ શનિ મહારાજનો છે. એ પણ ગેસ જાયન્ટ હોવાને કારણે લેન્ડિંગ સરફેસ મળતી નથી. વળી, તે પૃથ્વીથી લગભગ 1.2 અબજ કિમી દૂર છે. યુરેનસ અને નેપ્ચ્યૂન પણ એટલે દૂર ચકરડી મારે છે કે ત્યાં પહોંચતાં 20થી 30 વર્ષ લાંબી મુસાફરી ખેડવી પડે!
આમ, બધી રીતે જોવા જઈએ તો પૃથ્વીનો ઉપગ્રહ એવો ચંદ્ર અને સૌરમંડળનો ગ્રહ મંગળ જ અવકાશીય મિશન્સ માટે સૌથી સરળ અને ફાયદેમંદ રહે એમ છે. જોકે, અહીં એટલીય સ્પષ્ટતા કરી લેવી જોઈએ કે અવકાશીય સંસ્થાઓ ખાસ કરીને નાસા પોતાના મિશન્સ દરમિયાન મંગળ સિવાયના ગ્રહોનો અભ્યાસ કરતું રહે છે. એ વિશેની રસપ્રદ માહિતી ફરી ક્યારેક.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો