આજના સમયમાં ઇન્ટરનેટનો ઉપયોગ લગભગ દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રીતે કરે છે. ભલે પછી સર્ચ કરવું હોય કે શોપિંગ, ગીતો સાંભળવાં હોય કે જ્ઞાન મેળવવું હોય, દરેક લોકોને તેની જરૂર પડે છે.

ફોન ડેટા સિવાય ઇન્ટરનેટનો બીજો મહત્ત્વનો સ્રોત વાઈ-ફાઈ છે. વાઈફાઈ કનેક્શન મોલ, એરપોર્ટ, હોટલ સહિત દરેક જગ્યાએ ફ્રી વાઈફાઈ પણ ઉપલબ્ધ હોય છે. ઘરના ફ્રીઝ, એસી સહિતનાં ઘણાં ડિવાઈસ વાઈફાઈ કનેક્ટેડ થવા લાગ્યાં છે. માટે ઘરે પણ લોકો વાઈફાઈ રાખવા લાગ્યા છે. તમે વાઈફાઈનો ઉપયોગ કરતી વખતે ક્યારેક વિચાર્યું છે કે તે કેવી રીતે કામ કરે છે? જાણીએ વાઈફાઈ વિશે એ બધું જ, જે જાણવું જોઈએ.

વાઈફાઈ શું છે?

વાઈફાઈ એક વાયરલેસ નેટવર્કિંગ ટેક્નોલોજી છે. વાઈફાઈનું ફુલ ફોર્મ Wireless Fidelity છે, જે Wi-Fi એલાયન્સ નામના નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશનનો ટ્રેડમાર્ક છે. તે વાઈફાઈ ટેક્નોલોજીના ઉપયોગને પ્રમોટ કરે છે. વાઈફાઈ ટેક્નોલોજીની મદદથી લેપટોપ, ડેસ્કટોપ, સ્માર્ટફોન, વિયરેબલ ડિવાઈસ, પ્રિન્ટર્સ, વીડિયો કેમેરા, ટેલિવિઝન સહિતનાં ઉપકરણો વગેરે ડિવાઈસને ઇન્ટરનેટની મદદથી એક્સેસ કરી શકાય છે. આ ટેક્નોલોજીની મદદથી ડિવાઈસ પરસ્પર એકબીજાની સાથે કનેક્ટ થાય છે અને એક નેટવર્ક ક્રિએટ કરીને જાણકારીની આપ-લે કરે છે.

વાઈફાઈ આ રીતે કામ કરે છે

વાઈફાઈ ડિજિટલ ડિવાઈસમાં ડેટા ટ્રાન્સફરનું વાયરલેસ માધ્યમ છે. વાસ્તવમાં વાયરલેસ હોવાની સાથે જ આ સર્વિસ રેડિયો વેવ્સ દ્વારા કામ કરે છે. વાઈફાઈ રાઉટર એક એવું ડિવાઈસ હોય છે, જેના દ્વારા ઘર અને ઓફિસમાં ઇન્ટરનેટનો ઉપયોગ શક્ય થઈ શકે છે. અહીં ધ્યાન આપવાની બાબત એ છે કે વાઈફાઈનો ઉપયોગ કરવા માટે વાઈફાઈ એડેપ્ટરની જરૂર હોય છે. જ્યારે સ્માર્ટફોનથી લઈને કમ્પ્યૂટર જેવા ડિવાઈસમાં વાઈફાઈ એડેપ્ટર ઇનબિલ્ટ હોય છે.

વાઈફાઈ ટેક્નોલોજીના પ્રકાર

વાઈફાઈ ટેક્નોલોજીના પણ વિવિધ પ્રકાર હોય છે. વાસ્તવમાં વાઈફાઈ સર્વિસ કોસ્ટ, રેન્જ અને સ્પીડના માપદંડોને આધારે અલગ-અલગ પ્રકારની હોય છે. આ વાઈફાઈ ટેક્નોલોજી Wi-Fi-802.11a, Wi-Fi-802.11b, Wi-Fi-802.11g, Wi-Fi-802.11n વગેરે નામથી ઓળખાય છે. જાણીએ વાઈફાઈની આ ટેક્નોલોજીની રેન્જ, સ્પીડ વગેરે વિશે.

Wi-Fi-802.11a જે નેટવર્કિંગ રાઉટર અને એન્ટેનાનાં રેડિયો સિગ્નલ પર કામ કરે છે.

જ્યારે Wi-Fi-802.11b ટેક્નોલોજી 11mbpsની બેન્ડવિથને સપોર્ટ કરવાની સાથે કોસ્ટ ઇફેક્ટિવ નેટવર્ક છે. ખાસ કરીને આ ટેક્નોલોજીનો ઉપયોગ ઘરના ગેઝેટ્સ માટે કરી શકાય છે. આ ટેક્નોલોજીમાં રેન્જને લઈને કોઈ પ્રકારની મુશ્કેલી સર્જાતી નથી.

Wi-Fi-802.11g ટેક્નોલોજી 54mbpsની બેન્ડવિથને સપોર્ટ કરે છે. સારી રેન્જ માટે આ ટેક્નોલોજી 2.4 GHz ફ્રીક્વન્સીનો ઉપયોગ કરે છે. આ Wi-Fi-802.11bની તુલનામાં થોડી મોંઘી હોય છે, પરંતુ ઇન્ટરનેટની સ્પીડની બાબતમાં બહુ સારું કામ કરે છે.

Wi-Fi-802.11n એ વાઈફાઈની લેટેસ્ટ ટેક્નોલોજી છે. આ ટેક્નોલોજી એકથી વધારે વાયરલેસ સિગ્નલ અને એન્ટેનાનો ઉપયોગ કરે છે. આ ટેક્નોલોજી 100mbps બેન્ડવિથને સપોર્ટ કરે છે. આ ટેક્નોલોજીમાં સિગ્નલ ઇન્ટેન્સિટી ખૂબ જ સારી મળે છે.

વાઈફાઈટ ટેક્નોલોજીને સિલેક્ટ કરવા આટલું ધ્યાન રાખો

એક વાઈફાઇ નેટવર્ક સિલેક્ટ કરવા માટે સ્પીડથી લઈને કોસ્ટ સુધીની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ફાસ્ટ ઇન્ટરનેટ માટે વાઈફાઈની સ્પીડ મહત્ત્વની હોય છે. આ બધાને આધારે ફીચર્સ અને ટાઈપ્સ અલગ-અલગ હોઈ શકે છે. સ્પીડ અને કોસ્ટ એમ બે ફેક્ટર સિવાય વાઈફાઈ નેટવર્કની પસંદગી કરતી વખતે સિક્યોરિટીનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. તે નેટવર્ક યૂઝરના ડેટાને અનઓથોરાઈઝ્ડ એક્સેસથી બચાવવા કામ આવે છે.