26મેના દિવસે લંડનમાં 35.1° સેલ્સિયસ તાપમાન નોંધાયું, જે મે મહિનાના તાપમાનનો નવો રેકોર્ડ છે. પાછલો રેકોર્ડ 32.8° સેલ્સિયસનો હતો, જે ઠેઠ 1922/1944માં નોંધાયેલ! ફ્રાન્સમાં પણ મે મહિના દરમિયાન ગરમીના રેકોર્ડ તૂટ્યા. કેટલાક વિસ્તારોમાં 37-39° સેલ્સિયસ તાપમાન નોંધાયું. પોર્ટુગલમાં પારો 40.3° સેલ્સિયસ નોંધાયું. યુરોપ માટે આ આંકડા ખતરનાક ગણાય. અહીંના સામાન્ય તાપમાન કરતા આ વખતે સરેરાશ 10થી 16° સેલ્સિયસ તાપમાન વધારે રહ્યું. ગરમીની આવી પરિસ્થિતિને કારણે યુરોપનું જનજીવન મોટા પાયે અસરગ્રસ્ત રહ્યું.

આ વર્ષે (2026) યુરોપમાં મે મહિનાના અંતમાં અસાધારણ અને રેકોર્ડ તોડી નાખતી ગરમી (હીટવેવ) જોવા મળી છે. આ હીટવેવને કારણે યુકે, ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ અને જર્મની જેવા વેસ્ટર્ન યુરોપના દેશોની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ. વૈજ્ઞાનિકો આ આખા વિસ્તાર પર ફરી વળેલા હીટ વેવને `હીટ ડોમ' (Heat Dome) તરીકે પણ ઓળખી રહ્યા છે. એની ચર્ચા ફરી ક્યારેક.

યુરોપની ચિંતા છોડીને હવે ભારતીય ઉપખંડની વાત કરીએ. આ વખતે ઉત્તર પ્રદેશના બાંદામાં 48° સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું! એ ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને બિહાર જેવા રાજ્યોમાં ઠેકઠેકાણે ગરમીએ માઝા મૂકી. નિષ્ણાતો ચેતવણીના સૂરમાં કહે છે કે ગરમીનું વધતું પ્રમાણ, ભારતની ઉત્તરે અડીખમ ઊભેલા હિમાલય માટે ચિંતાપ્રેરક બની રહેશે. સાચું પૂછો તો માત્ર હિમાલય જ નહિ, પણ સમગ્ર સિંધુ ખીણના પ્રદેશ ઉપર સંકટ ઘેરું બનતું જાય છે. પ્રવર્તમાન રાજકીય સરહદો અનુસાર, સિંધુ ખીણનો વિસ્તાર મુખ્યત્વે ઉત્તર-પૂર્વીય અફઘાનિસ્તાનથી થઈને વાયા પાકિસ્તાન, ઉત્તર-પશ્ચિમી ભારત સુધીનો ગણાય છે.

સિંધુ ખીણનો આ વિસ્તાર ગીચ માનવ વસ્તી ધરાવે છે. પર્યાવરણવિદોના કહેવા મુજબ એકવીસમી સદીના આગામી છ-સાત દાયકાઓ દરમિયાન ગ્લોબલ વોર્મિંગ એ કક્ષાએ પહોંચશે, કે વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા આ પ્રદેશમાં આબોહવા ધરમૂળથી બદલાશે! અને આ બદલાવ અહીં વસવાટ કરતા મનુષ્યો માટે નવા પ્રકારના અનુકૂલન સાધવાની જરૂરીયાત પેદા કરશે. જે પ્રજા અનુકૂલન નહિ સાધી શકે, એમણે માટે મોટી મુશ્કેલીઓ સર્જાશે. છેલ્લા એકાદ દશક દરમિયાન આ બદલાવની શરૂઆત થઇ ચૂકી છે.

આખો મામલો વિગતે સમજીએ. સિંધુ ખીણના પ્રદેશમાં હિન્દુકુશ, કારાકોરમ અને હિમાલય જેવી પર્વતમાળાઓ આવેલી છે. સામાન્યપણે આ પર્વતમાળાઓ બરફાચ્છાદિત હોય છે. તાપમાનમાં થતો ક્રમશ: વધારો શિયાળાની ઠંડીમાં ઘટાડો કરશે. જેથી આવનારા વર્ષો દરમિયાન શિયાળાઓ અગાઉની સરખામણીએ `હૂંફાળા' થતા જશે. સ્વાભાવિક રીતે શિયાળામાં તાપમાન નોર્મલ કરતા ઊંચું રહે તો બરફના સખત પડ જામવામાં મુશ્કેલી ઊભી થાય. વળી ઉનાળામાં સરેરાશ કરતા ઊંચું તાપમાન હોવાથી બરફ પીગળવાની ઝડપ ઓર વધે. શિયાળા-ઉનાળાની આવી સંયુક્ત અસરને પગલે પર્વતોની તળેટીમાં વસતા પ્રદેશો પર બરફ ઓગળવાને કારણે ઓચિંતા ત્રાટકનારા ભારે પૂરનો ખતરો રહેશે. એટલું જ નહિ, પણ આવા પૂર વારંવાર આવશે!

એક અંદાજ મુજબ આવનારા સાતેક દાયકાઓ દરમિયાન `ઇન્ડસ બેઝિન' તરીકે ઓળખાતા સિંધુ ખીણના પ્રદેશમાં શિયાળાના તાપમાનમાં 3.9થી 5.1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો વધારો નોંધાશે. એજ પ્રમાણે ઉનાળુ તાપમાનમાં 3.4થી 4.6 ડિગ્રી જેટલો વધારો નોંધાશે! નિષ્ણાંતોના કહેવા મુજબ વાતાવરણનો આ ફેરફાર 2020થી શરૂ થઇ ચૂક્યો છે અને 2080 સુધીમાં ત્રણેક તબક્કાઓમાં એ જોવા મળશે. આટલો લાંબો સમયગાળો અને તાપમાનનો 3-4 ડિગ્રીનો તફાવત જોઈને કદાચ આપણને આ વાત બહુ મહત્ત્વની નહિ લાગે, પરંતુ થોડા વર્ષો પૂર્વે કેદારનાથમાં ઓચિંતું ત્રાટકેલું ઘોડાપુર લાંબા સમયથી વાતાવરણમાં ચાલતા આવા સૂક્ષ્મ ફેરફારોને કારણે જ પેદા થયેલું!

2080 સુધીમાં હિન્દુકુશ પર્વતની ટેકરીઓ અને તળેટીના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે. ચોમાસુ લાંબુ ચાલશે. આ વિસ્તાર પહેલેથી જ `ફ્લેશ ફ્લડ' (અચાનક ત્રાટકતા પૂર)ને માટે બદનામ છે. પર્વતમાળાના ઉત્તરીય પ્રદેશો વધુ ગરમ થશે અને ગ્લેશિયર્સ પીગળવાની ઘટના ઝડપી બનશે! બીજી તરફ દક્ષિણી પ્રદેશોમાં વરસાદ ઓછો થાય એમ બને. ટૂંકમાં વાતાવરણમાં થનારું આ પરિવર્તન બહુ જટિલ હશે.

તો ફરી એક વાર થશે પરીક્ષા!

જો તમારું શરીર એરકંડિશનરથી ટેવાઈ ગયું હોય તો ચેતી જાઓ! કારણ કે કૃત્રિમ ઠંડકમાં રહેવા ટેવાઈ ગયેલું તમારું શરીર વાતાવરણીય બદલાવ સાથે અનુકૂલન સાધવામાં નિષ્ફળ નીવડશે! એટલું જ નહિ, પણ ખેડૂતોએ પણ પોતાના પાકની પેટર્ન બદલવાનો વારો આવશે.

વૈજ્ઞાનિકોની આ બધી ધારણાઓ-આગાહીઓ સાચી પડશે તો લાંબા ગાળે, એટલે કે સો-સવાસો વર્ષો પછી માનવીએ ફરીથી ઉત્ક્રાંતિકાળમાંથી પસાર થવું પડશે, જ્યાં ડાર્વિનના `સર્વાઈવલ ઓફ ધી ફીટેસ્ટ'ના નિયમ મુજબ માત્ર યોગ્યતા ધરાવનારા અમુક સજીવો જ અસ્તિત્વ ટકાવી શકશે, બાકીના લુપ્ત થયેલા ડાઈનોસોરની જેમ કાળની ગર્તામાં ધકેલાઈ જવાના! આપણે જાણીએ છીએ કે સિંઘુ ખીણની સંસ્કૃતિ માનવ સમાજની સૌથી પૌરાણિક સંસ્કૃતિઓ પૈકીની એક છે. સિંધુ ખીણ - ઇન્ડસ વેલીના જે પ્રદેશમાં સંસ્કૃતિ પાંગરવાની શરૂઆત થઇ, એ જ પ્રદેશના વાતાવરણનો પલટો, માનવ સંસ્કૃતિના વિનાશનું કારણ બનશે કે શું?

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો