લગભગ એક મહિના પહેલાં જ સાપની માફક સરકતી, શક્તિશાળી રુદ્રાસ્ત્ર માલગાડી પહેલીવાર દોડી; ભારતીય રેલવેએ 7 એન્જિનની મદદથી, 354 વેગન અને સાડા ચાર કિમી લાંબી માલગાડી `રુદ્રાસ્ત્ર'નું સફળતાપૂર્વક સંચાલન કરીને ઇતિહાસ રચ્યો છે.
ગુરુવારે બપોરે પીડીયુ રેલવે ડિવિઝનના ગંજખ્વાજા સ્ટેશનથી નીકળેલી સાડા ચાર કિમી લાંબી `રુદ્રાસ્ત્ર' માલગાડી રેક લગભગ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે 400 કિમીનું અંતર કાપતા 14 કલાક પછી શુક્રવારે સવારે સાડા ચાર વાગ્યે ધનબાદના ફુલબાસિયા કોલસા લોડિંગ સાઇટ પર પહોંચી.
અત્યાર સુધી સુપર વાસુકિ ટ્રેનને ભારતની સૌથી લાંબી ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. તેને સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠ પર દોડાવવામાં આવી હતી. આ ટ્રેન લગભગ 3.5 કિલોમીટર લાંબી હતી. જો ટ્રેનના ડબ્બાને ગણવા બેસો તો ઓછામાં ઓછો એક કલાક થાય. આ ટ્રેનમાં 20 કે 30 ડબ્બા નહીં, પરંતુ 295 કોચ હતા, જેને 6 એન્જિને મળીને ધક્કો માર્યો હતો. કુલ 27000 ટન કોલસાનો ભાર વહન કરીને છત્તીસગઢના કોરબાથી નાગપુરના રાજનાંદગાંવ સુધી ચલાવવામાં આવી હતી. આટલું અંતર કાપવામાં તેને આશરે 11/11.30 કલાકનો સમય લાગ્યો હતો. તે એક ખાસ પ્રસંગ હોવાથી સુપર વાસુકિ ટ્રેન માટે કોઈ ચાલુ કે અનુમાનિત સમયપત્રક નથી. તેના પહેલાં ભારતીય સૌથી લાંબી ટ્રેનનો રેકોર્ડ `શેષનાગ' નામની 2.8 કિમી લાંબી માલગાડીનો હતો.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર અત્યાર સુધીની સૌથી લાંબી અને ભારે ટ્રેન ઓસ્ટ્રેલિયન BHP આયર્ન ઓર ટ્રેન છે, જે 7.353 કિમી લાંબી અને લગભગ એક લાખ ટન વજન ધરાવતી હતી. તેમાં 682 વેગન હતા અને આઠ ડીઝલ-ઇલેક્ટ્રિક લોકોમોટિવ દ્વારા સંચાલિત હતા. આ ટ્રેન 21 જૂન, 2001ના રોજ ન્યુમેન અને યાન્ડી ખાણોથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પોર્ટ હેડલેન્ડ સુધીના 275 કિમીના રૂટ પર દોડી હતી. તેની અદ્ભુત ડિઝાઇન અને કામગીરીએ તેને તેની અજોડ લંબાઈ અને વજન માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મેળવ્યો છે. જોકે, રેકોર્ડ તોડનારી આ ટ્રેન નિયમિત સેવામાં નથી.
ક્યારેક આ ટ્રેનોએ પણ એક વખતની દોડ લગાવી હતી, ખાસ કરીને રેકોર્ડ બનાવવા માટે. સિશેન-સલદાન્હા, દક્ષિણ આફ્રિકા. 26-27 ઓગસ્ટ, 1989ના રોજ દોડાવવામાં આવેલી, જેમાં 660 વેગન, 7.302 કિલોમીટર લાંબી અને કુલ 71765 ટન વજન 1067 મીમી ગેજ લાઇન હતી. આ ટ્રેનમાં 16 લોકોમોટિવ હતા. અમેરિકામાં નોર્ફોક અને વેસ્ટર્ન રેલવે યુનિટ કોલસાની ટ્રેન, વેસ્ટ વર્જિનિયાના ઇએગરથી પોર્ટ્સમાઉથ, ઓહાયો સુધી 15 નવેમ્બર, 1967. આ ટ્રેનમાં 500 કાર અને છ ડીઝલ-ઇલેક્ટ્રિક લોકોમોટિવનો સમાવેશ થતો હતો, જેનું કુલ વજન 48170 ટન હતું અને કુલ લંબાઈ 6.5 કિલોમીટર હતી.
જ્યારે રશિયા યુએસએસઆર હતું, 20 ફેબ્રુઆરી 1986ના રોજ સોવિયેત યુનિયનના એકિબાસ્તુઝથી યુરલ્સ સુધીની બલ્ક કોલસાની ટ્રેન દોડી હતી. ટ્રેનમાં 439 વેગન અને અનેક ડીઝલ લોકોમોટિવનો સમાવેશ થતો હતો. તેનું કુલ વજન 43400 ટન હતું અને કુલ લંબાઈ 6.5 કિલોમીટર હતી. ચીન, શુઓઝોઉ-હુઆંગુઆ રેલવે જેણે એપ્રિલ 2024માં 4 કિમીથી વધુ લંબાઈ ધરાવતી 30000 ટન કોલસાની ટ્રેનોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ટ્રેનમાં 324 વેગન, ચાર લોકોમોટિવ સાથે ખેંચવામાં આવ્યા હતા. દાતોંગ-કિન્હુઆંગદાઓ રેલવે, 2 એપ્રિલ, 2014ના રોજ એક પ્રાયોગિક ટ્રેન 320 વેગન અને છ લોકોમોટિવ સાથે દોડી હતી, જેમાં 31500 ટનનો ભાર હતો, જેની કુલ લંબાઈ 3.971 કિમી હતી. આવી લાંબી લાંબી ટ્રેનોનો રોજિંદો વ્યવહારિક ઉપયોગ શક્ય નથી. સુપર લોંગ એક ટ્રેન ચાલતી હોય ત્યારે બીજી બધી ટ્રેનોએ પોતપોતાનાં સ્ટેશનો પર રાહ જોવી પડે, જ્યાં સુધી આ રાક્ષસી ટ્રેન પસાર ન થઇ જાય. તેથી આવી ટ્રેનને દૈનિક અથવા સાપ્તાહિક ધોરણે ચલાવવાનું શક્ય નથી. જો નિયમિત રીતે પાટા પર દોડતી રહેશે તો ભારતીય રેલવે દ્વારા સંચાલિત રુદ્રાસ્ત્ર વિશ્વની સૌથી લાંબી કાર્યરત માલગાડી ટ્રેનનો ખિતાબ મેળવશે.