મિત્રોંઓંઓં, શિયાળો આવે, કડકડતી ટાઢ પડે, ગુલાબી ઠંડી ડાર્ક રેડ કલરની ઠંડી બની જાય એટલે કેટલાક લોકોમાં એક ખાસ પ્રકારનો શોખ અચાનક `ઉછળવા' માંડે છે. એ `ઠંડીજન્ય' શોખ છે - ઈંડાં ખાવાનો શોખ. યસ, મોટાભાગે વર્ષના અગિયાર મહિના દાળ, ભાત, શાક, રોટલી, ભાખરી, ખીચડી ખાનારી વ્યક્તિઓમાં ઠંડીના આ એક મહિનામાં ઈંડાં યાનિ કિ એગ્સ ખાવાની વૃત્તિ અચાનક ફૂટી નીકળે છે. ઠંડી અને ઈંડાંને શું સંબંધ છે એ તો વૈજ્ઞાનિક સંશોધનનો વિષય છે, પણ આપણે યાનિ કિ ગુજરાતીઓ એવું દૃઢપણે માનીએ છીએ કે, `ઈંડાં એ શિયાળુ ખોરાક છે. બાકીના ટાઈમે ઈંડાં ખાઈએ તો ગરમ પડે.' અને આપણા આ જ માનસિક વિચારના કારણે ઠંડી પડે એટલે ચારે બાજુ ઈંડાં-આમલેટની લારીઓ ધમધમવા માંડે છે. ત્યાં અચાનક ભીડ થવા માંડે છે.
ઈંડાં તરફ આપણું આકર્ષણ કંઈક ભેદી પ્રકારનું હોય છે. આ ઈંડાં અંગે જાતજાતના મતભેદ પણ પ્રવર્તે છે. ઈંડાં ખાવાં જોઈએ કે ન ખાવાં જોઈએ એના પર રાજકારણ જેવી ઉગ્ર ચર્ચાઓ અને દલીલો થતી હોય છે. ઘણા લોકો એને `નોનવેજ આઇટમ' ગણી એનો સદંતર બહિષ્કાર કરવાની બૂમાબૂમ કરતા હોય છે, તો કેટલાંક ઈંડાં માટે `એ નોનવેજ છે જ નહીં' એવું કહેતા હોય છે. અમુક જણા ઈંડાંથી થતા નુકસાનનું લિસ્ટ બહાર પાડે છે તો કેટલાક એના ફાયદા ગણાવા માડે છે. ઈંડાં ખાવાં કે ન ખાવાં એ વ્યક્તિગત પસંદગીનો વિષય છે, પણ જે લોકો માત્ર શિયાળા દરમિયાન `ઈંડાંખાઉં' બની જતા હોય છે, એ લોકો તો ખૂબ કમાલના હોય છે.
સૌથી પહેલાં તો આવા ટેમ્પરરી એગલવર્સ યાનિ કિ કાચા કામના ઈંડાં કેદીઓ કોઈ ગેબી પ્રકારની માનસિકતાથી વર્તતા હોય છે. એ લોકો પોતે ઈંડાં ખાય છે એ પોતાના કુટુંબ કે સમાજ સામે જાહેર કરવા માગતા નથી હોતા એટલે એ પોતાના ઘર પાસેનો એરિયા છોડી દૂર-સુદૂરના એરિયાની લારીઓ પર જઈ ગુપચુપ ઈંડાંની આઇટમ્સ ઝાપટી આવતા હોય છે અને એ પણ લપાઈ-છુપાઈને. કોઈ મિત્ર જેના ઘરમાં ઈંડાં ખાવાનો વાંધો ન હોય, જેના ઘરે ઈંડાંની આઇટમ્સ બનતી હોય એના ઘરે ઈંડાં ખાવા જવાનો સ્પેશિયલ પ્રોગ્રામ પણ બની જતો હોય છે. આવા લોકો પોતાના ઘરની વ્યક્તિ સમક્ષ `પોતે ઈંડાં ખાય છે' એવું જાહેર ન થઈ જાય એની ખૂબ તકેદારી રાખે છે. મારો એક મિત્ર તો ઘરમાં ઈંડાં બોલતા પણ બીવે છે. એ ઈંડાંને `સફેદ બટાકા' એવા હુલામણા નામથી બોલાવે છે. ઈંડાંથી શરીરમાં શક્તિ આવે છે, તાકાત આવે છે, એનાથી બોડી બને છે એવું એમનું માનવું હોય છે, પણ ઘરમાં `ઈંડા ખાન નિષેધ' હોવાથી ખાનગી રાહે, ગેરકાયદેસર રીતે ઈંડાં આરોગી એ શક્તિ મેળવવા પ્રયત્ન કરતા રહે છે, પણ આવું કરતી વખતે એ કોઈ ગુનો કરતા હોય એવી ગિલ્ટ ફીલિંગ્સ પણ એમનામાં આવી જતી હોય છે.
ઈંડાંની આમ તો અનેક વાનગીઓ બનતી હોય છે, પણ આ ટેમ્પરરી ઈંડાં ખાનારા બાફેલાં ઈંડાં અને આમલેટ જ ખાતા હોય છે. ક્યારેક થોડા વધુ જાણકાર હોય એ `અંડા ભૂરજી' અથવા તો `અંડાકરી' પણ આરોગતા હોય છે. આ સિવાયની ઈંડાંની વાનગીઓ વિશે તેમનામાં ઘોર અજ્ઞાન પ્રવર્તતું હોય છે અને હા, શિયાળાની ઠંડી મોસમમાં ગુજરાતીઓ ખાસ પ્રકારનું `પીણું' પીધા પછી તો ઈંડાં ખાવા ચોક્કસ ધસી જ જતાં હોય છે, કેમ કે એ પીણું પીધા પછી ઈંડાં ખાવાનો જૂનો રિવાજ છે જ.
આ ઈંડાં-એગ્સ તરફ આપણું જ ગુજરાતીઓનું વલણ પણ કંઈક અનોખું છે. ગુજરાતી ટેલિવિઝન ચેનલો પર જેટલા રસોઈ શો આવે છે એ બધા જ આમ તો ફીમેલ વ્યૂઅર્સમાં ખૂબ પોપ્યુલર હોય છે, પણ આ બધી જ રસોઈમાં ક્યારેય ઈંડાંની કોઈ પણ વાનગી દેખાડવામાં આવતી નથી. આનું કારણ આજ સુધી `અકળ' છે. વળી, આપણા બધાયને ત્યાં કોઈ પણ પ્રસંગની ઉજવણીમાં `કેક' તો જરૂર કપાય છે, પણ આપણે ત્યાં ઈંડાં વગરની યાનિ કિ `એગલેસ' કેકનો જ રિવાજ છે.
`ભાંયોં ઔર બેહેનો' આ ઈંડાં ગુણકારી છે કે નુકસાનકારક, એ ખાવાં જોઈએ કે ન ખાવાં જોઈએ, એ નોનવેજ ગણાય કે નહીં આ બધા વિષયો પર ટીકા-ટિપ્પણી કરવા હું, અમો યાનિ કિ લેખકશ્રી સહેજ પણ સક્ષમ નથી, પણ આ સફેદ, ચમકતાં, લંબગોળ ઈંડાં તરફ આપણું ગુજરાતીઓનું વર્તન મનોરંજક છે એ વાત તો ચોક્કસ છે. અંતમાં એક પૂરક માહિતી કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર સાઈડે ઈંડાંને `બેદા' કહેવામાં આવે છે.