જ્ઞાન એ એક એવી મૂડી છે જેનો સંગ્રહ કરવાથી નહીં, પરંતુ તેના વિવેકપૂર્ણ ઉપયોગથી જ પ્રગતિનાં દ્વાર ખૂલે છે. પિતામહ ભીષ્મે મહાભારતના શાંતિપર્વમાં જ્યારે યુધિષ્ઠિરને ઉપદેશ આપ્યો, ત્યારે તેમણે સત્તા કે સંગઠન ચલાવવાના પાયાના સિદ્ધાંતોમાં એક અત્યંત મહત્ત્વની વાત કહી હતી કે માત્ર જ્ઞાન હોવું પૂરતું નથી, પરંતુ તે જ્ઞાનનો યોગ્ય સમયે અને યોગ્ય પરિસ્થિતિમાં પ્રયોગ કરવો જ ખરી લીડરશિપ છે. આજના અત્યંત ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં એક સફળ લીડર માટે આ વાત પથદર્શક સાબિત થાય છે. પુસ્તકિયા જ્ઞાન કે માહિતીનો ભંડાર હોવો અને તે માહિતીને ક્યારે કાર્યમાં પરિવર્તિત કરવી તે વચ્ચેનું અંતર જ સફળતા અને નિષ્ફળતા નક્કી કરે છે. એક લીડર પાસે કદાચ વિશ્વની શ્રેષ્ઠ ડિગ્રીઓ હોય કે બહોળો અનુભવ હોય, પરંતુ જો તે નિર્ણાયક ક્ષણે જ્ઞાનનો અમલ કરવામાં થાપ ખાઈ જાય, તો તેનું જ્ઞાન કે તેની હોશિયારી નિરર્થક બની જાય છે. આફ્ટર ઓલ જ્ઞાન એ શસ્ત્ર સમાન છે, જે માત્ર મ્યાનમાં રહે તો શોભા વધારે છે, પરંતુ યુદ્ધ જીતવા માટે તેને યોગ્ય સમયે મ્યાનમાંથી બહાર કાઢવું અનિવાર્ય છે.

લીડરશિપના સંદર્ભમાં `ટાઈમિંગ' અથવા યોગ્ય સમયનું મહત્ત્વ પાયાનું છે. જ્યારે કોઈ સંસ્થા કે ટીમ સંકટમાં હોય, ત્યારે લીડરની સૌથી મોટી કસોટી એ નથી હોતી કે તે કેટલું જાણે છે, પણ એ હોય છે કે તે તે ક્ષણે શું પગલાં લે છે. ઘણા લીડરો પાસે બુદ્ધિ અને કુશળતા હોવા છતાં તેઓ `એનાલિસિસ પેરાલિસિસ'નો શિકાર બની જાય છે, એટલે કે વધુ પડતા વિશ્લેષણ અને વિચારણામાં એટલો સમય વિતાવી દે છે કે તક હાથમાંથી સરકી જાય છે.

ભીષ્મનો આ ઉપદેશ સ્પષ્ટ કરે છે કે જ્ઞાન એ શક્તિ છે, પરંતુ `એપ્લાઇડ નોલેજ' એટલે કે અમલી જ્ઞાન એ સુપર પાવર છે. એક શ્રેષ્ઠ લીડર એ છે જે જાણે છે કે ક્યારે મૌન રહેવું અને ક્યારે બોલવું, ક્યારે આક્રમક બનવું અને ક્યારે સંરક્ષણાત્મક વ્યૂહરચના અપનાવવી. ભીષ્મ આ માટે એમ પણ કહે છે કે જો જ્ઞાનનો ઉપયોગ યોગ્ય સમયે ન થાય, તો તે ભોજનમાં યોગ્ય સમયે ન નાખેલા મીઠા જેવું છે, જે ભલે ગમે તેટલું શુદ્ધ હોય, પણ રસોઈ તૈયાર થયા પછી તેનો અર્થ રહેતો નથી.

આ ઉપરાંત જ્ઞાનનો યોગ્ય સમયે ઉપયોગ કરવા માટે લીડર પાસે `ઈમોશનલ ઇન્ટેલિજન્સ' અથવા ભાવનાત્મક બુદ્ધિ હોવી પણ એટલી જ જરૂરી છે. ઘણીવાર લીડર પાસે ડેટા અને તથ્યો હોય છે, પરંતુ જો તે પોતાની ટીમના માનસને સમજી શકતા નથી, તો તેમનું જ્ઞાન સફળતા અપાવી શકતું નથી. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને, કયા સમયે કયા જ્ઞાનનો ઉપયોગ કરવો તે માટે અત્યંત સતર્કતાની જરૂર હોય છે. પિતામહ ભીષ્મે જે એનર્જી મેનેજમેન્ટની વાત કરી હતી, તે પણ આની સાથે સીધી રીતે જોડાયેલી છે. તમારી માનસિક ઊર્જા ત્યારે જ સચવાય છે જ્યારે તમે જાણો છો કે કઈ ચર્ચાઓમાં ઊતરવું અને કઈ બાબતોને અવગણવી. જ્ઞાનનો દુરુપયોગ કે અકાળે ઉપયોગ ઘણીવાર અહંકારને પોષે છે, જ્યારે તેનો સમયસર ઉપયોગ સંસ્થાની ગરિમા વધારે છે.

લીડર તરીકે જ્યારે તમે જ્ઞાનનો પ્રયોગ કરો છો ત્યારે તમારી વિશ્વસનીયતા વધે છે. ટીમ ત્યારે જ લીડરને અનુસરે છે જ્યારે તેમને ખાતરી હોય કે આ વ્યક્તિ માત્ર વાતોમાં જ્ઞાની નથી, પણ અમલમાં પણ કુશળ છે.

અંતે, જ્ઞાનની સાર્થકતા તેના પરિણામમાં છે. એક સફળ લીડર હંમેશાં પરિણામલક્ષી અભિગમ ધરાવે છે. તે સતત શીખતા રહે છે, પણ તે શિક્ષણને પુસ્તકો સુધી સીમિત રાખવાને બદલે તેને પોતાની કાર્યપદ્ધતિમાં વણી લે છે.

શાંતિપર્વનો આ બોધ એ બાબત પર ભાર મૂકે છે કે શાણપણ માત્ર વધુ જાણવામાં નથી, પણ જે જાણો છો તેને ક્યારે અને કેવી રીતે અમલમાં મૂકવું તેની સમજદારીમાં છે. ઇતિહાસ એવા લીડરોથી ભરેલો છે જેઓ બુદ્ધિશાળી તો હતા, પણ સમયની માંગ પારખવામાં નિષ્ફળ રહ્યા અને પરિણામે પરાજિત થયા. તેથી એક પ્રભાવશાળી લીડર બનવા માટે જ્ઞાનનો સંગ્રહ કરવાને બદલે, તેની ધાર કાઢતા રહેવું જોઈએ અને જ્યારે જરૂર પડે ત્યારે તે જ્ઞાનના આધારે મક્કમ નિર્ણય લેવાની હિંમત કેળવવી જોઈએ. જે લીડર જ્ઞાન અને સમય વચ્ચેનો આ સેતુ બાંધી શકે છે, તે કોઈ પણ પડકારને જીતી શકે છે અને પોતાની ટીમને અજય બનાવી શકે છે. પિતામહ ભીષ્મનો આ ઉપદેશ હજારો વર્ષો પછી પણ આજે કોર્પોરેટ જગતથી લઈને રાજકારણ અને વ્યક્તિગત જીવન સુધીનાં તમામ ક્ષેત્રોમાં એટલો જ પ્રસ્તુત છે.