પોઝ્નીશેફ નામના એક માણસે એની પત્નીનું ખૂન કઈ રીતે અને શા માટે કર્યું એની એક કથા રશિયન લેખક ટોલ્સ્ટોયે `ક્રોત્ઝર સોનાટા' નામે લખી છે. એ ખૂની પોતે કરેલા ખૂન વિશે ટ્રેનના એક સહયાત્રીને કહે છે અને એ સહયાત્રી જાણે એ મુલાકાત વિશે આપણને સૌને કહી રહ્યો હોય એ રીતે કથા લખાઈ છે.
તો પોઝ્નીશેફ સહયાત્રીને કહી રહ્યો હતો...
`સ્ત્રીઓ અંદરખાને એવું કહે કે તમે (પુરુષો) અમને જાતીય ઉપભોગની ચીજ ગણો છોને! તો ઠીક છે, જાવ, અમે પણ તમને જોઈ લઈશું. અમે અમારી જાતીયતાની લગામથી બાંધીને તમને ઝુકાવીશું, દોરવીશું.
`સ્ત્રીઓને અધિકારો નથી મળતાં એમાં મુખ્ય વાત એ નથી કે સ્ત્રીઓને મતાધિકાર નથી. મુખ્ય વાત એ છે કે સ્ત્રીને પોતાની રીતે પ્રેમ કરવાની છૂટ નથી. એ મનગમતો પુરુષ પસંદ નથી કરી શકતી. કન્યાની પસંદગી પુરુષ જ કરે એ છે સ્ત્રીઓની અસલી ગુલામી. જોકે, બહારથી ભલે એવું લાગે કે પસંદગી પુરુષોના જ હાથમાં છે, અસલમાં તો એવું બનતું હોય છે કે એક વાર સ્ત્રીના હાથમાં પાવર આવી જાય, પછી એ એનો દુરુપયોગ કરીને જબરી સત્તા ભોગવે છે.'
મેં (અજાણ્યા સહયાત્રીએ) કહ્યું, `ખરેખર? સ્ત્રીઓની સત્તા તમને ક્યાં ક્યાં જોવા મળે છે?'
`કેમ વળી? ચારે તરફ. તમે કોઈ પણ મોટા શહેરના કોઈ પણ મોટા સ્ટોરમાં જાવ, ત્યાં પુરુષો માટેની ચીજવસ્તુઓ તો માંડ દસેક ટકા હશે. 90 ટકા માલ સ્ત્રીઓને લગતો જ જોવા મળશે. અસંખ્ય ફેક્ટરીઓમાં લાખો પુરુષો અનેક પેઢીઓથી સ્ત્રીઓની મુનસફીઓ અને માગણીઓ સંતોષતી ચીજો બનાવવા માટે પરસેવો પાડતા હોય છે. સ્ત્રીઓ એક રાણીની જેમ 90 ટકા માનવજાતને યુદ્ધકેદીની જેમ કે હાર્ડ લેબરના કેદીની જેમ રાખે છે. સ્ત્રી આપણને (પુરુષોને) એમની જાળમાં કેદ કરે છે. સ્ત્રી પોતાની જાતને એક એવું હથિયાર બનાવી લે છે જે જુવાન તો ઠીક, બુઢ્ઢા પુરુષોને પણ ઘાયલ કરી શકે. આપણા ઉત્સવોમાં અને બૉલડાન્સ સમારંભોમાં તમે ધારીને જોશો તો તમને દેખાશે કે સ્ત્રીઓ પોતાના કામણને, રૂપના પ્રભાવને બરાબર સમજતી હોય છે અને સ્ત્રીઓના ચહેરા પર વિજયનું સ્મિત જોવા મળતું હોય છે.
`જેવો કોઈ જુવાનિયો સ્ત્રીની નજીક જાય છે કે તરત તે આ `અફીણ'ના નશામાં ડૂબી જાય છે અને એનું ભેજું વેરવિખેર થઈ જાય છે. એટલે જ એક જમાનો એવો હતો જ્યારે હું કોઈ પણ સ્ત્રીને ભારે સાજ-શણગાર સાથે જોતો, ચાહે એ ગળે લાલ રૂમાલ બાંધેલી રસ્તા પરની ગણિકા હોય કે શાનદાર ગાઉનમાં સજ્જ થયેલી ભદ્ર વર્ગની મહિલા હોય, હું એમને જોઈને વિહ્વળ થઈ જતો, પરંતુ હવે તો મારી હાલત એવી છે કે એવી શણગારેલી (પુરુષને જીતવા નીકળેલી) સ્ત્રીઓને જોઈને હું ડરી જાઉં છું. મને એ જોખમી લાગે છે. એ હદે કે મને પોલીસને બોલાવવાનો વિચાર આવી જાય છે અને મને એવી ચીસ પાડવાનું મન થાય કે આ જોખમી ચીજને મારી નજરસામેથી હટાવો.
`મારી આ વાત તમને હસવા જેવી લાગશે, પણ તમે જોજો, એ દિવસ હવે બહુ દૂર નથી જ્યારે ભવિષ્યની દુનિયા મારી આ વાત સમજશે અને તેઓ માની જ નહીં શકે કે એક જમાનો એવો હતો જ્યારે સ્ત્રીઓને લલચામણા શણગારો થકી અને બીજી જાતજાતની તરકીબો દ્વારા ખુલ્લેઆમ પુરુષોને જાળમાં ફસાવવાની છૂટ હતી.
`ખૈર, તો હું પણ એ જ જાળમાં ભેરવાયો. હું પ્રેમમાં પડી ગયો. મને બધું સુંદર-સુંદર લાગવા મંડ્યું. મારી ભાવિ પત્ની મને એકદમ પરફેક્ટ લાગવા લાગી એ તો ઠીક, હું પોતે પણ મને બહુ સારો લાગવા લાગ્યો. જગતનો નિયમ છે કે સૌથી નીચલા માણસને પણ પોતાનાથી નીચે કોઈ જડી જ જાય એ ન્યાયે (હું ઠીકઠીક હલકો હોવા છતાં) મારી જાત મને અત્યંત ઊંચેરી લાગવા લાગી. હું મારાથી ગરીબ છોકરીને પરણી રહ્યો હતો. મારા મોટાભાગના ઓળખીતાઓની જેમ હું વધુ અમીર કે વગદાર બનવા માટે નહોતો પરણી રહ્યો. આ વાતે મારી નજરમાં હું આદરણીય બની ગયો હતો. એ ઉપરાંત મોટાભાગના પુરુષો પરણ્યા પછી પણ લફરાં ચાલુ રાખવાનું મનોમન વિચારી રાખતા હોય છે, પરંતુ મેં તો નક્કી કરી લીધેલું લગ્ન પછી હું મારી પત્નીને પૂરેપૂરો વફાદાર રહીશ. આ બધી વાતોને કારણે મારી નજરમાં હું જાણે દેવદૂત બની ગયો.
પછી મારી સગાઈ થઈ ગઈ. સગાઈ અને લગ્ન વચ્ચેનો ગાળો બહુ ટૂંકો હતો. એ ટૂંકો ગાળો બહુ ત્રાસજનક હતો. સૌથી મોટો ત્રાસ વાત કરવાનો હતો. વાત શું કરવી? માંડ કહેવા જેવી એકાદ વાત સ્ફૂરે અને એ કહેવાઈ જાય એટલે પછી તરત ફરી અમારી બોલતી બંધ થઈ જતી અને હવે નવું શું બોલવું એની જદ્દોજિહાદમાં અમે ડૂબી જતાં. આપણી ભાવિ જિંદગી કેવી હશે અને ઘર કેવું હશે એની થોડી વાતો થતી અને પછી વાતચીત અટકી જતી. અમે પ્રાણીઓ હોત તો સારું હતું. પ્રાણીઓએ વાત નથી કરવી પડતી, પણ અહીં તો વાત કરવી જ પડે અને વાત એકેય સૂઝતી નહોતી અને જે વિચારો સૂઝતા એમાંના મોટાભાગના બોલવા જેવા નહોતા.
અને પછી આવી લગ્નની વિધિ. એ જ વાહિયાત તામઝામ ને વેશભૂષા ને ખાણીપીણી ને રીતરિવાજ ને કસ્મેવાદે. નરી ફોર્માલિટી. ચર્ચની વિધિ દરમિયાન વફાદારીની ઊંચીઊંચી વાતો કરનારા સો મુરતિયામાંથી 99 એવા હોય જે અગાઉ ગુલ ખિલાવી ચૂક્યા હોય છે અને 50 મુરતિયામાંથી 49 એવા હોય, જે વફાદારીનાં વચનો આપતી વખતે જ અંદરખાને જાણતા હોય કે ભવિષ્યમાં એ બેવફાઈ આચરવાના છે.
ચર્ચમાં જઈને પરણવાની એ આખી કવાયત આમ જુઓ તો એ ખરીદ-વેચાણની વિધિ છે, જેમાં એક કુંવારિકા વેચાય છે અને એક લંપટ ખરીદી કરે છે. સોદો ધામધૂમથી પાર પાડવામાં આવે છે.
બધા આમ જ પરણે છે અને અમે પણ આવી જ રીતે પરણ્યાં. (ક્રમશઃ)
***
આપણે વિચારવાનું એ છે કે ટોલ્સ્ટોયના આ આકરા હીરોની જાલીમ વાતોમાંથી વાજબી કેટલી છે અને વાહિયાત કેટલી છે?
