દિવાળી ઢૂંકડી આવી ગઇ છે. ફેસ્ટિવ મૂડ બરાબર જામી રહ્યો છે. દરેક પાસે પોતાનું શોપિંગ લિસ્ટ છે. તમે પણ આ દિવાળી પર કંઇક તો નવું લેવાનું નક્કી કર્યું જ હશે. બીજું કંઇ નહીં તો પણ તહેવારના દિવસે નવા કપડાં પહેરવાની માનસિકતા તો પહેલેથી આપણામાં હોય જ છે. ખરીદીની વાત નીકળે ત્યારે લેડીઝના ચહેરા પર રોનક આવી જાય છે. પુરુષ માટે ખરીદી કરવી શોખ કે મજાનું કામ નથી. મોટા ભાગના પુરુષો કરવી પડે એટલે ખરીદી કરે છે. પુરુષોને ખરીદી કરવાનો કંટાળો આવે છે. સ્ત્રીઓ શોપિંગને ફૂલ ટુ એન્જોય કરે છે. તમને ખબર છે, સમગ્ર વિશ્વમાં જે કંઇ ખરીદી થાય છે, એમાં 80થી 85 ટકા ખરીદીનો નિર્ણય સ્ત્રીઓ જ કરે છે. ઘર માટે, પરિવારના સભ્યો માટે, સગાંસબંધીઓ માટે અને વહેવાર કરવા માટે મોટા ભાગની ખરીદી સ્ત્રીઓ જ કરતી હોય છે. એવા અનેક કિસ્સાઓ છે જેમાં પતિ માટે કપડાં સહિતની તમામ ચીજો પણ પત્ની જ ખરીદતી હોય. પુરુષ અને સ્ત્રીની શોપિંગ સાયકોલોજી તદ્ન જુદી હોય છે. તેની પાછળ છોકરા અને છોકરીના ઉછેરથી માંડીને મગજની રચના જવાબદાર હોય છે. છોકરીઓ નાની હોય ત્યારથી એ બાબતે અવેર હોય છે કે, એને શું સારું લાગે છે. ક્યો કલર શોભે છે. કોઇ એની ચોઇસના વખાણ કરે એ પણ એને ગમે છે. છોકરા નાના હોય ત્યારે એને બહુ ફેર પડતો નથી. એ તો એને જે આપો એ પહેરી લે છે. ડ્રેસ પહેર્યા પછી તેને કેરી કરવામાં પણ છોકરીઓ અવેર હોય છે. છોકરીઓના પહેરવેશ સાથે એની સ્ટાઇલ જોડાયેલી હોય છે. એ જ છોકરીઓને સુંદરતા બક્ષે છે. છોકરીઓ પાસે ખરીદીની ચોઇસ પણ અઢળક હોય છે. પુરુષો માટે લિમિટેડ ચોઇસ હોય છે. પેન્ટ, શર્ટ, ટીશર્ટ, ચંપલ, બૂટ, પાકીટ જેવી થોડીક વસ્તુઓ પુરુષોના ભાગે આવે છે. બે વસ્તુ એવી છે જે ખરીદવી પુરુષોને બહુ ગમે છે અને ખરીદતા પહેલા તેના વિશે ઘણું રિસર્ચ પણ કરે છે, એક છે ઘડીયાળ અને બીજો છે મોબાઇલ અથવા બીજા કોઇ ગેઝેટ્સ. મોબાઇલ ખરીદતા પહેલા એની બ્રાંડ તો જોશે જ એ ઉપરાંત મેમરીથી માંડીને કેમેરાની કેપેસિટી સુધીનું બધું માર્ક કરશે. એક અભ્યાસ બાદ એવું બહાર આવ્યું છે કે, ખરીદી એ પુરુષ માટે એક કામ કે મિશન છે. સ્ત્રીઓ માટે ખરીદી એ એક અનુભવ છે, એક અહેસાસ છે અને એક આનંદ છે. સ્ત્રી ખરીદીમાં ઓતપ્રોત થઇ જાય છે. એ દસ વસ્તુ કે નમૂના જોઇને ખરીદે છે. જે ગમે એને અલગ કઢાવે છે અને તેમાંથી પસંદ કરે છે. પુરુષોને એક વાર કંઇ ગમી ગયું એટલે એ વધુ ઝંઝટ વગર ખરીદી લે છે.
સવાલ એ છે કે, આખરે શોપિંગ બાબતે બંનેની મેન્ટાલિટીમાં ફેર કેમ છે? એ વિશે માનસશાસ્ત્રીઓનું કહેવું છે કે, એનું કારણ ઉત્ક્રાંતિ સાથે જોડાયેલું છે. તેના માટે શિકારી વિરુદ્ધ સંગ્રહનો કન્સેપ્ટ આપવામાં આવે છે. પ્રાચીન સમયમાં પુરુષ શિકારી હતો. એનું કામ પેટ ભરવા માટે શિકાર કરવાનું જ હતું. પુરુષ જંગલમાં જતો, લક્ષ્ય નક્કી કરતો, શિકાર કરતો અને જે મળે એ લઇને સીધો ઘરે આવી જતો. આજે ખરીદીમાં પણ પુરુષો આ જ પેટર્નને ફોલો કરે છે. એને શું ખરીદવાનું છે એ પહેલેથી નક્કી હોય છે. એ દુકાને કે મોલમાં જાય છે. જે જોઇએ એ ખરીદી લે છે અને સીધો ઘરે આવી જાય છે. આદિકાળમાં સ્ત્રીઓનો મુખ્ય રોલ પુરુષ જે શિકાર કરીને લાવતો તેને સાફ કરીને રાંધવાનું, શાકભાજી, કંદમૂળ અને ફળો શોધવાના, ક્યું મીઠું છે અને ક્યું ખરાબ છે એનું ધ્યાન રાખવું અને ભવિષ્યમાં કામ લાગે એ માટે જતનપૂર્વક સાચવી રાખવાનું કામ સ્ત્રીઓનું હતું. સ્ત્રીઓ આજે પણ એ જ પેર્ટન અપનાવે છે. એ ખરીદી માટે જાય છે. બધું જોવે છે. પસંદ કરે છે અને પછી ખરીદીને ઘરે લાવે છે. ઘરે લાવ્યા પછી પણ તેને સાચવવાના પૂરા પ્રબંધ કરે છે. સ્ત્રીઓ પોતાના કપડાં પણ સરસ રીતે પેક કરીને રાખશે. હવે તો એના માટે જાતજાતની કોથળીઓ અને બોક્સિસ પણ મળવા લાગ્યા છે.
