શાહબુદ્દીન રાઠોડનો એવો એક જોક છે કે લગ્નના પહેલા વર્ષે પતિ બોલે ને પત્ની સાંભળે. બીજા વર્ષે પત્ની બોલે ને પતિ સાંભળે. ત્રીજા વર્ષે બેય બોલે ને પડોશી સાંભળે.
કહેવાનો મતલબ એ છે કે લગ્નના પહેલા વર્ષે પતિ પોતાની મહાનતા અને પરાક્રમો વિશે ઊંચી ઊંચી આત્મશ્લાઘા કરે ત્યારે પત્ની મન મોટું રાખીને ધીરજથી એને સાંભળી લે. પછી બીજા વર્ષથી પત્ની પણ ઘર-સંસારની જરૂરિયાતો સંભળાવતી થઈ જાય ત્યારે પતિ જિંદગીમાં પહેલી વાર કોઈ આટલું ડિમાન્ડિંગ હોઈ શકે એ જોઈને હતપ્રભ થઈને સાંભળતો રહે, પણ પછી ત્રીજા વર્ષે બેય એકમેકને શાંતિથી સાંભળવાનો દયાભાવ ત્યજીને પોતપોતાની વાત મોટેમોટેથી એકમેકને સંભળાવે એટલે બાજુવાળા સાંભળે.
ટોલ્સ્ટોયની આઘાતજનક નવલકથા ક્રોત્ઝર સોનાટામાં લગ્ન બાદ પત્નીનું ખૂન કરનાર `હીરો' પોઝ્નીશેફે તો લગ્ન પહેલાં જ પોતાનાં જાતીય પરાક્રમો વર્ણવતી ડાયરી ભાવિ પત્નીને વાંચવા આપી દીધી. એમાં મૂળ ઇરાદો આત્મશ્લાઘાનો નહોતો. વાત એમ હતી કે લગ્ન પછી બહારથી પત્નીને વરનો ગંદો ઇતિહાસ જાણવા મળે એના કરતાં પહેલેથી પ્રામાણિકતા દેખાડવી સારી એવી ગણતરીથી પતિએ જોખમી ડાયરી ભાવિ પત્નીને ધરી દીધી. એ વાંચીને પેલી ડઘાઈ ગઈ.
આ આખી વાત પોઝ્નીશેફ ટ્રેનમાં એક અજાણ્યા સહયાત્રીને કહી રહ્યો છે (અને એ મુલાકાત વિશે પેલો સહયાત્રી આપણને સૌને કહી રહ્યો હોય એ રીતે આ નવલકથા લખાઈ છે). પોઝ્નીશેફનું બયાન ચાલી રહ્યું છે.
`મેં સામે ચાલીને મારો ભૂતકાળ એની (ભાવિ પત્ની) સામે ખુલ્લો મૂક્યો. એ વાંચીને એ ડઘાઈ ગઈ. એને એટલો આઘાત લાગ્યો કે એણે સગાઈ તોડવાનું પણ વિચાર્યું. કાશ, એણે સગાઈ તોડી નાખી હોત તો અમે બચી
ગયાં હોત.'
આટલું કહીને પોઝ્નીશેફે ઊંડો નિસાસો નાખ્યો. થોડી વાર ચૂપ રહીને એણે વાત આગળ ધપાવી.
`ઠીક છે, જે થયું તે સારું જ થયું. હું એ જ લાગનો હતો. લગ્ન માટે પુરુષને પટાવવાના ખેલમાં ખાસ તો કન્યાઓની મમ્મીઓ એકદમ એક્સપર્ટ હોય છે. એ મમ્મીઓ મરદજાતની અસલિયત જાણતી હોય છે. એમને ખબર હોય છે કે પ્રેમના નામે જે બધી કાવ્યાત્મક કે ઊંચી ઊંચી વાતો થતી હોય છે એ કેવળ કહેવા પૂરતી જ હોય છે, બાકી કહેવાતો પ્રેમ નૈતિક ગુણો પર નહીં, બલ્કે શારીરિક નિકટતા પર અને હેરસ્ટાઈલ અને સાજસજ્જા પર આધારિત હોય છે. કોઈ પણ છેલછબીલી અને રંગીલી નારીને તમે જો પૂછો કે એના સ્વભાવની વરવી અસલિયત ખુલ્લી પડે અથવા તો એણે પુરુષની સમક્ષ વરવા પોષાકમાં રજૂ થવું પડે એ બેમાંથી એ શું પસંદ કરશે તો એ પહેલો વિકલ્પ પસંદ કરશે, કારણ કે એ જાણે છે કે પુરુષને નારીના દેહ અને દેખાવમાં જ વધુ રસ હોય છે, એના ગુણોમાં નહીં. નારીના લઘરવઘર મિજાજને પુરુષ માફ કરી શકે છે, લઘરવઘર દેખાવને નહીં. માટે દેહની નુમાઈશનો નિર્લજ્જ ખેલ ચાલે છે. આમાં બધા વર્ગની સ્ત્રીઓ આવી જાય.'
અહીં મેં (અજાણ્યા સહયાત્રીએ) પોઝ્નીશેફ સામે દલીલ કરવા મોં ખોલ્યું એટલામાં એ મને અટકાવીને બોલ્યોઃ `તમે કહેશો કે ઉચ્ચ સમાજની સ્ત્રીઓ અને પતિત સ્ત્રીઓના સાજ-શણગારના હેતુ અલગ છે.' હું કહું છું કે એવું નથી. મારી વાત હું સાબિત કરી આપીશ. જો એ બંને વર્ગની સ્ત્રીઓના જીવનનો હેતુ અલગ હોય, તો એમનું બાહ્ય જીવન પણ અલગ દેખાવું જોઈએ, પરંતુ હકીકત જુઓ તમે. ઉચ્ચ સમાજની સ્ત્રીઓ અને પતિત સ્ત્રીઓ બંને કપડાં, ફેશન, પરફ્યૂમ, આભૂષણો, નૃત્ય, સંગીત, મોજશોખમાં એકસરખો રસ લે છે. કોઈ ફરક નથી.
`અને હા, હું પોતે પણ એ જ બધાં સાજસજ્જા-શણગારને લીધે લપેટાઈ ગયો હતો.
મને પટાવવો આસાન હતો, કારણ કે હું ખૂબ બધું ખાઈ-પીને એદીની જેમ પડ્યા રહેનારા વર્ગનો પુરુષ હતો. આવા પુરુષો પ્રજોત્પતિ કરવા માટે ઉત્સુક આખલા જેવા હોય છે. જો એમની શક્તિ-સ્ફૂર્તિની અભિવ્યક્તિનો વાલ્વ થોડો સમય બંધ રાખવામાં આવે તો એ અત્યંત બેચેન થઈ જાય અને પછી પ્રેમના ઊંચા માંયલા ભ્રમમાં રાચવા લાગે. બાકી મજૂરોને જુઓ. એ જેટલું ખાય એટલી શક્તિ મહેનત-મજૂરીમાં ખર્ચી નાખતા હોય છે (એટલે એ બહુ રૉમેન્ટિક નથી બનતા). બીજી તરફ આપણે બધા ભદ્ર વર્ગના પુરુષો ખાધા તો કરીએ છીએ, પરંતુ આપણી શક્તિ ક્યાંય ખર્ચાતી નથી. એટલે પછી આપણે રૉમેન્ટિક અતિરેકમાં સરી પડીએ છીએ. મારી સાથે પણ એવું જ થયું. હું કન્યાના પ્રેમમાં પડી ગયો. હું કવિતાઓ અને લાગણીવેડામાં રાચવા લાગ્યો. અસલમાં બધી કમાલ કન્યાની માતાની તથા દરજીની હતી. કન્યા સાથે મને રાતે નૌકાવિહાર પર મોકલવો. કન્યાએ ઉત્તમ વસ્ત્રો પહેર્યાં હોય. એ બધાને લીધે હું ભાવનાઓમાં બહેકી ગયો. બાકી લગ્ન પછી ઘરમાં હું મારી પત્નીને જે કઢંગા બ્લાઉઝ પહેરેલી જોતો એ જ બ્લાઉઝ પહેરીને એ લગ્ન પહેલાં મારી સામે આવી હોત તો હું લપેટાયો ન હોત.'
`આમ જુઓ તો લગ્ન એક સીધોસાદો મામલો છે. જૂના જમાનામાં તેમજ આજે પણ ચાઈનીઝ, હિન્દુ, મુસ્લિમ સમાજોમાં તથા આપણા પોતાના રશિયન નીચલા વર્ગમાં લગ્ન કઈ રીતે ગોઠવાય છે? મા-બાપ મળીને લગ્ન નક્કી કરે. સિમ્પલ. દુનિયામાં (ઓગણીસમી સદીમાં) 99 ટકા લગ્નો આ જ રીતે થતાં હોય છે, પણ આપણા આજના રશિયન ભદ્ર વર્ગને એવું લાગે છે કે આ રીત ખોટી છે, જુનવાણી છે.
એટલે આપણે ત્યાં લગ્ન પહેલાં કન્યાને ઉત્તમ રીતે સજાવી-ધજાવીને પાર્ટીઓમાં, નૃત્યસમારંભોમાં, જ્યાં લાયક મુરતિયાઓ હાજર હોય એવી જગ્યાએ લઈને એમની મમ્મીઓ પહોંચી જાય અને પછી ટહુકાઓ કરે કે મારી દીકરીને પેઇન્ટિંગનો ભારે શોખ, મારી દીકરી તો સંગીત-નૃત્ય-નાટકની દીવાની છે વગેરે વગેરે. એમનો દાવો એવો હોય કે આ બધું તો ઉચ્ચ સાંસ્કૃતિક જીવનનો ભાગ છે. આપણે જો એમને કહીએ કે ના, આ તો કેવળ મુરતિયો શોધો આંદોલન છે, તો એ ભડકી ઊઠે. અસલમાં આ કન્યાનું ભયંકર અપમાન કરનારો ખેલ છે. એમાં કન્યાએ વેચવા માટે મુકાયેલા માલની જેમ બેસવાનું. પછી પુરુષ એને આગળથી, પાછળથી જુએ, વેચાણની ચીજને બરાબર જુએ, પારખે.
`તમને એક વાત કહું? જગતમાં નારીનો જે પ્રભાવ છે એના પાયામાં મેં ઉપર જે કહ્યું તે છે. પુરુષો નારીને ઉપભોગની ચીજ ગણીને એનું જે અપમાન કરે છે એના બદલા રૂપે સ્ત્રીઓ પુરુષોને પોતાની પકડમાં રાખીને નચાવે છે. આ તો પેલા યહૂદીઓ જેવું થયું. આપણે એવું કહીએ કે યહૂદીઓ તો ફક્ત વેપાર કરી જાણે અને આપણે એમને ઉચ્ચ વર્ગમાં પ્રવેશ આપવાને બદલે વેપારીના સ્તરે જ રોકી રાખીએ. એટલે પછી તે એવી રીતે બદલો લે કે હા, જાઓ, અમે ખાલી વેપારી જ બની રહીશું, પણ અમે અમારા પૈસાની શક્તિના જોરે તમારા પર રાજ કરીશું. એ રીતે સ્ત્રીઓ પણ અંદરખાને એવું કહે કે તમે અમને જાતીય ઉપભોગની ચીજ ગણો છોને! તો ઠીક છે, જાઓ, અમે પણ તમને જોઈ લઈશું. અમે અમારી જાતીયતાની લગામથી બાંધીને તમને ઝુકાવીશું, દોરવીશું.' (ક્રમશઃ)
***
શું ખરેખર સ્ત્રી-પુરુષ વચ્ચે આવું પાવર પોલિટિક્સ ચાલતું હોય છે? પોઝ્નીશેફ જીવનથી દાઝેલો છે અને એના અભિપ્રાયોમાં ખુન્નસ ભળેલું છે. એ ભલે આકરી રીતે કહે. આપણે શાંતિથી વિચારવું.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
