ખાવા-પીવા કે સ્નાન માટે કોઈ નિયમ તો નથી, પરંતુ શરીરને ચોખ્ખું રાખવા માટે દરરોજ સ્નાન કરવું જોઈએ, એ લગભગ દરેક દેશ કે સમાજમાં સ્વીકાર્ય છે. છતાં આ જ પૃથ્વી પર એવી મહિલાઓ પણ વસે છે, જે આખી જીંદગીમાં એક જ વખત નહાય છે!

આપણે ત્યાં એવી કથા છે કે માનવજાતને કેટલી વખત જમવું અને કેટલી વખત સ્નાન કરવું એ અંગે ગૂંચવાડો હતો, તેથી તેઓએ નંદીને મહાદેવને એ અંગે પૂછી લાવવા કહ્યું. શિવજીએ ત્રણ વખત સ્નાન કરવું અને એક વખત ભોજન કરવું એવો જવાબ મોકલ્યો હતો, પરંતુ કૈલાસથી પાછા ફરતી વખતે નંદી ભૂલી ગયો અને તેણે એક વખત સ્નાન કરવું અને ત્રણ વખત જમવું એવો જવાબ આપ્યો, ત્યારથી આપણે દરરોજ ત્રણ વખત ભોજન કરીએ છીએ. તો એક વખત સ્નાન કરીએ છીએ, પરંતુ એવો ઉકેલ આફ્રિકામાં વસતી એક જનજાતિને કોઈએ આપ્યો નહીં હોય, તેથી દિવસમાં એક વખત પણ સ્નાન કરવાનું ટાળે છે. એ જનજાતિની મહિલાઓ આખી જીંદગીમાં એક જ વખત નહાય છે. એ જનજાતિ આફ્રિકાના નામિબિયાની હિંબા જનજાતિ છે.

આફ્રિકામાં આજે પણ અનેક જનજાતિના લોકો એ જ સદીઓ જૂની પરંપરા અને માન્યતા મુજબ જ જીવન જીવે છે. ધરતી પર જીવતી અનેક જનજાતિના રિવાજો અનોખા હોય છે. મોટાભાગે દરેક ખંડમાં વસતા મૂળ નિવાસીઓ તેમના પૂર્વજો જે રીતે જીવતા હતા, એ જ પરંપરાથી જીવતા જોવા મળે છે. નામિબિયામાં હિંબા નામની એક જનજાતિ પોતાની અનોખી પરંપરા તેમજ રીતરિવાજોને કારણે દુનિયાભરમાં અલગ તરી આવે છે અને એ કારણે જ દુનિયાભરમાં જાણીતી પણ છે. હિંબાના લોકો આજે પણ આધુનિક જીવનથી જોજનો દૂર છે. તેમના પૂર્વજો જે રીતરિવાજો અપનાવી જીવતા હતા, એ જ પરંપરા આજે પણ તેઓ પાળે છે.

હિંબા જનજાતિની વસ્તી ફક્ત 50 હજાર છે. આ જનજાતિના લોકો મહદંશે ખેતી કરે છે. રણ વિસ્તારમાં આ લોકો રહેતા હોવાને કારણે તેઓ સાવ વિષમ કહી શકાય એવા હવામાનમાં રહેવા ટેવાયેલા છે. રણ હોવાને કારણે ભીષણ ગરમીમાં ટકી રહેવાની શારીરિક શક્તિની સાથે સાથે ઓછા પાણીથી જીવતાં શીખવું એ તેમની જીવનશૈલીનો એક મહત્ત્વનો પાઠ છે. આ જાતિના લોકો પાસે ગાય હોવી એ સન્માનનું એક પ્રતીક ગણાય છે. આ લોકો ઢોરઢાંખર પાળે છે. ગાય, બકરી અને ઘેંટાં જેવાં પ્રાણીઓ તેઓ પાળે છે. જોકે, ગાય જેવાં દુધાળાં પ્રાણીઓને દોહવાનું કામ ફક્ત મહિલાઓ જ કરે છે. હિંબા જનજાતિના લોકો વિચરતી જાતિના ગણાય છે. ચામડી તતડી જાય એવી ગરમીમાં રહેતી આ પ્રજા કેવી ખડતલ હશે એની તો કલ્પના જ કરવી પડે.

હિંબા જાતિની મહિલા સંતાનને જન્મ આપે એ તારીખ એ સંતાનની જન્મતારીખ હોતી નથી. મહિલા જ્યારે સંતાન અંગે વિચારે એ તારીખ એ બાળકની જન્મતારીખ ગણાય છે! મતલબ કે મહિલા પોતાને બાળક હોવું જોઈએ એવું વિચારે એ જ દિવસ તેના આવનારા બાળકનો જન્મદિવસ ગણાય છે. ભીષણ ગરમી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ પરસેવે રેબઝેબ થઈ જવાય અને એ કારણે પાણી પીતા રહેવું પડે છે, પરંતુ રણપ્રદેશમાં પાણીની અછત હોય, ત્યારે પાણીનો ઓછો ઉપયોગ કરવાનું તો આધુનિક માણસ પણ જાણે જ છે. છતાં ગરમીમાં ટકી રહેવું હોય તો પાણી પીવું તો પડે જ. પાણીની અછત હોય તો પાણીને બચાવવા સ્નાન કરવા પાછળ કે કપડાં ધોવાં પાછળ પાણીનો બગાડ કરવો ન જોઈએ એવું એ સમુદાયના લોકો માને છે. એ માન્યતાને નિભાવવાનું કામ પણ મહિલાઓના માથે જ આવે છે.

સ્વાભાવિક રીતે જ સૂરજદેવ કોપાયમાન થયા હોય એવી ગરમીમાં પરસેવો પણ ખૂબ થતો હોય છે. શરીર પરસેવો બહાર કાઢીને ગરમી સામે શરીરને ઠંડું રાખવાનું કામ કરે છે. એ કુદરતી ક્રિયા તો હિંબા સમુદાયના લોકોમાં પણ અવિરત ચાલતી જ હોય છે, પરંતુ પાણીની અછત હોવાને કારણે આ હિંબાની મહિલાઓ કપડાં ક્યારેય ધોતી જ નથી! જ્યારે કપડાં ધોવાનો રિવાજ જ ન હોય, ત્યારે નહાવું એ તો વૈભવ ન ગણાય?

જોકે, એક સવાલ તો થાય જ કે, ગરમીને કારણે પરેસવો થતો હોય, ત્યારે શરીર ગંધાઈ ન ઊઠે? ભલે આદિવાસી હોય, પણ હિંબા જાતિની મહિલાઓમાં સ્વાસ્થ્ય અંગે જાગૃત તો છે જ. ભલે દરરોજ નહાતી ન હોય, પણ આ મહિલાઓ શરીરને ચોખ્ખું રાખવા ખાસ પ્રકારની જડીબુટ્ટીઓ પાણીમાં નાંખીને ઉકાળી તેની વરાળથી શરીરને ચોખ્ખું કરી લે છે! સ્નાન કરવાનું નામ ન લેતી હિંબાની મહિલાઓ જીવનમાં એક જ દિવસ સ્નાન કરે છે અને એ તેના લગ્નના દિવસે!