આંધ્રપ્રદેશના કડપા જિલ્લામાં આવેલા ગાંડીકોટા (Gandikota) અને બેલુમ કેવ્ઝ (Belum Caves) ભારતની અદ્ભુત અને અનોખી જગ્યાઓમાંથી એક છે. પ્રકૃતિપ્રેમીઓ, સાહસિકો અને ઇતિહાસના શોખીનો માટે આ જગ્યાઓ સ્વર્ગ સમાન છે.
ગાંડીકોટા - ભારતનું ગ્રાન્ડ કેનયન
ઇતિહાસ : ગાંડીકોટા એ 1123માં કલ્યાણી ચાલુક્ય રાજાઓના નેતૃત્વ હેઠળના એક સરદાર `કાપા રાજુ' દ્વારા સ્થાપિત એક નાનું ગામ અને તેની આસપાસ કિલ્લારૂપે બંધાયું હતું. ત્યારબાદ કાકતીય, વિજયનગર સામ્રાજ્ય અને કુતબશાહી શાસકોએ અહીં શાસન કર્યું. 17મી સદીમાં કુતબશાહી સામ્રાજ્યના કબ્જામાં આવ્યા બાદ અહીં મુસ્લિમ સ્થાપત્યનો પ્રભાવ પણ જોવા મળે છે. પેન્નર નદીએ એરામાલા ટેકરીઓને કાપીને બનાવેલી એક ઊંડી ખીણ(કેનયન)ને કારણે આ સ્થળ `ગ્રાન્ડ કેનયન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખાય છે.
ગાંડીકોટા કિલ્લો : લાલ પથ્થરોથી બનેલો વિશાળ અને ઐતિહાસિક કિલ્લો છે.કિલ્લાની એક તરફ પેન્નર નદીની 300 ફૂટ ઊંડી કુદરતી ખીણ છે, જ્યારે બાકીની તરફ લાલ પથ્થરોથી બનેલી ઊંચી અને મજબૂત દીવાલો છે. આ કુદરતી અને માનવસર્જિત સુરક્ષાને કારણે એ સમયે કિલ્લાને જીતવો ખૂબ મુશ્કેલ હતો.
કિલ્લાની અંદર આવેલાં મુખ્ય સ્થાપત્યો
માધવરાય મંદિર: આ 16મી સદીમાં વિજયનગર સામ્રાજ્ય દરમિયાન બનેલું એક વિશાળ મંદિર છે. તેના પ્રવેશદ્વાર અને પિલર પર કરવામાં આવેલી બારીક કોતરણી એ સમયની ઉત્કૃષ્ટ શિલ્પકળાનો નમૂનો છે.
રઘુનાથસ્વામી મંદિર : રેડ સેન્ડસ્ટોનથી બનેલું આ બીજું એક પ્રાચીન મંદિર છે, જેમાં જટિલ કોતરણીવાળા સ્તંભો અને મંડપ આવેલા છે.
શાહી ધાન્ય ભંડાર : યુદ્ધ કે દુષ્કાળના સમયે સૈનિકો અને પ્રજા માટે અનાજ સંગ્રહ કરવા માટે એક અતિ વિશાળ અનાજ ભંડાર બનાવવામાં આવ્યો હતો.
બેલુમ કેવ્ઝ
ઇતિહાસ : બેલુમ ગુફાઓ ભારતીય ઉપખંડની બીજી સૌથી લાંબી અને વિશાળ પ્રાકૃતિક ગુફાઓ છે. હજારો વર્ષો સુધી પાણીના સતત વહેણને કારણે ચૂનાના પથ્થરો ઓગળીને આ ગુફાઓ તૈયાર થઈ છે. 1884માં બ્રિટિશ સર્વેયર રોબર્ટ બ્રુસ ફૂટે તેની નોંધ લીધી હતી, પરંતુ 1982-84માં જર્મન ગુફા સંશોધકોની ટીમે એચ. ડી. ગિબૌરના નેતૃત્વમાં આ ગુફાનો સંપૂર્ણ નકશો તૈયાર કર્યો હતો.
પાતાળગંગા : ગુફાના સૌથી ઊંડા ભાગમાં (લગભગ 150 ફૂટ નીચે) વહેતો આ એક રહસ્યમય અને સતત વહેતો કુદરતી જળસ્રોત છે. આ પાણી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે આજે પણ ચમત્કાર માનવામાં આવે છે.
સિમ્હા દ્વારમ : હજારો વર્ષો સુધી પાણીના પ્રવાહ અને ચૂનાના પથ્થરોના ઘસારાને કારણે અહીં કુદરતી રીતે અનોખા આકારો તૈયાર થયા છે, જેમાં આ પથ્થરની રચના જોતાં એવું લાગે છે કે જાણે સિંહનું મોં ખુલ્લું હોય.
કોટી લિંગાલુ : ગુફાની છત પરથી ટપકતા પાણી અને ચૂનાથી હજારો નાનાં-મોટાં શિવલિંગ જેવા આકારો બની ગયા છે.
સપ્તસ્વર ગુફા : આ ગુફાનું એક અત્યંત ખાસ આકર્ષણ છે, જ્યાં આવેલા ચૂનાના કુદરતી સ્તંભો પર જો હળવેથી પથ્થર કે લાકડા વડે પ્રહાર કરવામાં આવે, તો તેમાંથી સંગીતના સપ્તસુર જેવો મધુર ધ્વનિ ઉત્પન્ન થાય છે.
ભગવાન બુદ્ધની વિશાળ મૂર્તિ : ગુફાના મુખ્ય પ્રવેશદ્વારની બહાર એક નાની ટેકરી પર ભગવાન બુદ્ધની 40 ફૂટ ઊંચી અને ભવ્ય સફેદ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જે બેલુમ ગુફાના બૌદ્ધ ઇતિહાસ અને શાંતિના પ્રતીક રૂપે ઊભેલી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
