સિનેતારિકા દીપિકા પાદુકોણે દીકરીના જન્મ પછી તેની દેખભાળમાં વધુ સમય આપી શકાય એટલે ફિલ્મોના શૂટિંગ માટે આઠ કલાકની વર્કશિફ્ટની માંગણી કરી હતી.
પરંતુ જે નિર્માતાઓને તે મંજૂર નહોતું તેમની ફિલ્મો દીપિકાએ છોડવી પડી છે. ફિલ્મ ઉદ્યોગમાં આઠ કલાકની પાળી માંગનાર દીપિકાને અનપ્રોફેશનલ ગણવાયાં હતાં. જ્યાં આઠ કલાકની પાળી પ્રથા અસ્તિત્વમાં છે તેવા સતત પ્રક્રિયા ધરાવતા ઉદ્યોગો અને અન્ય વ્યવસાયોમાં અનેક રાજ્યોએ તાજેતરમાં બાકાયદા કામના કલાકો વધારી દીધા છે. ગુજરાતમાં તો કામના કલાકો હવે એક પાળીમાં બાર કરવામાં આવ્યા છે. પહેલાં વટહુકમ અને પછી અતિ ટૂંકા વર્ષા સત્રના છેલ્લા દિવસે ગુજરાત વિધાનસભાએ ફેક્ટરી અધિનિયમ 1948માં સુધારા કર્યા છે, જે રાજ્યના શ્રમ કાયદા અને નીતિમાં નોંધપાત્ર પરિવર્તન આણનારા છે.
સતત પ્રક્રિયા ધરાવતા ઉદ્યોગો, કારખાનાં, ખાનગી કંપનીઓ, મનોરંજનનાં સ્થળો, દુકાનો, હોટલો અને બીજા વ્યવસાયોમાં દૈનિક કામના કલાકોમાં મોટો વધારો કરનારું ગુજરાત એકમાત્ર રાજ્ય નથી. મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગોવા, તેલંગણા અને ઓડિશા સરકારે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તથા ફેક્ટરી વર્કર્સના કામના કલાકો જે વર્ષોની શ્રમિક લડતો પછી આઠ મેળવ્યા હતા, તેને વધારીને દોઢા કરી દીધા છે. કામના કલાકોમાં વૃદ્ધિ કરનારમાં ભાજપ, કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષોની રાજ્ય સરકારો પણ છે અને નાના-મોટા પ્રાદેશિક પક્ષોની સરકારો પણ છે.
ગુજરાત અને બીજા રાજ્યોના શ્રમ કાયદાના વર્તમાન સુધારામાં 12 કલાકની પાળીની સતત પ્રક્રિયા ધરાવતા ઉદ્યોગો અને બીજા વ્યવસાયોને પરવાનગી આપતી જોગવાઈ છે. 3 મહિને 125 કલાકના હાલના ઓવરટાઈમને વધારીને 144 કલાક કરવામાં આવ્યા છે. બાર કલાકની શિફ્ટ હોય તો 5ને બદલે 6 કલાકે કામદારોને રીસેસ મળશે તેવી જોગવાઈ છે. મહિલાઓને રાત પાળીમાં કામ કરવાની પણ જોગવાઈ કાયદો કરે છે.
શ્રમ સુધારામાં કેટલીક મહત્ત્વની શરતો છે. જેમ કે, બાર કલાક કામ માટે કામદારની સંમતિ લેવી આવશ્યક છે. મહિલાઓને રાત પાળીમાં કામ કરાવવા માટે વર્કપ્લેસને સુરક્ષિત અને સીસીટીવીથી સજ્જ રાખવા, સલામત પરિવહનની વ્યવસ્થા કરવા તથા સતત 4 દિવસ 12 કલાક કામ કરનારને બે દિવસની રજા આપવાની પણ શરત છે. જોકે, આ તમામ બાબતો તેના અમલીકરણના તબક્કે પોકળ સાબિત થતી હોય છે. કામદારોને નોકરી છૂટી જવાનો ડર એટલો બધો હોય છે કે તેઓ માલિકો ઈચ્છે તેવી સંમતિ આપતા હોય છે.
કામના કલાકો અને ઓવર ટાઈમમાં વૃદ્ધિ સાથે મહિલાઓને રાત પાળીમાં કામ કરવાની છૂટ આપતા હાલના કાયદા કે કાયદામાં સુધારાના ઉમદા ઉદ્દેશો વર્ણવવામાં આવી રહ્યા છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની નીતિને પ્રોત્સાહન, ઉદ્યોગો માટે રોકાણ આકર્ષવું, કામદારોની અછતનું નિવારણ, ઉદ્યોગોના સંચાલનમાં લવચીકપણું આણવું, ઉત્પાદનમાં વધારો કરવો, નવા રોજગારનું સર્જન અને આર્થિક વિકાસને વેગના હેતુથી આ કાયદા, નીતિ કે સુધારા થયા હોવાનો સરકાર પક્ષનો દાવો છે.
કામદાર-કર્મચારીમંડળો ભલે આ સુધારાઓને તેમના હિત વિરોધી અને મૂડીપતિઓના લાભાર્થે થયેલા ગણાવે, સરકારો તો તેને શ્રમિકોના અધિકારોનું રક્ષણ, ઓદ્યોગિક નિયમોને વધુ સરળ અને કામદારોને અનુકૂળ બનાવવા, ઘણા ઉદ્યોગો અને ધંધાઓમાં આમેય કામદારો પાસે બાર બાર કલાકનું વૈતરું ઓછા પગારમાં કરાવાય છે ત્યારે આ સુધારો તેમના વેતનમાં વધારા માટે અને સરવાળે તેમના લાભમાં ઘડાયાનું ગાણું ગાવા સાથે તે આંતરરાષ્ટ્રીય માપદંડો સાથેના જોડાણનો હેતુ ધરાવતા હોવાનું કહેવાનું પણ ચૂકતા નથી.
મહિલાઓને રાત્રે કામ કરવાની મંજૂરી મળે તે પહેલી નજરે મહિલા સમાનતાની દૃષ્ટિએ પ્રગતિશીલ પગલું લાગી શકે છે, પરંતુ તે વાસ્તવિક કેટલું છે તેવો સવાલ પણ થાય છે. ફેક્ટરી એક્ટ 1948માં જેમ મહિલાઓ માટે રાત પાળીમાં કામ કરવું પ્રતિબંધિત છે તેમ જોખમી અને ભારે શ્રમનાં કામો પણ પ્રતિબંધિત છે. એટલે જ્યારે મહિલાઓ માટે રાત પાળીમાં કામ કરવાની મંજૂરી મળે છે ત્યારે બાકીના પ્રતિબંધો પણ રહેતા ન હોય તેમ બનશે. પુરુષોની તુલનામાં મહિલાઓને ઘરના કામનો અનેક ગણો બોજો ઉઠાવવાનો હોય છે એટલે તે દિવસે ઘરના, ખેતરના, પતિ, બાળકો, વડીલોની સંભાળનાં કામો કરે અને રાત્રે કારખાનામાં કામ કરે તો તેના માથે બેવડો બોજો આવશે.
આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાન (આઈએલઓ) 8 કલાક કામ, 8 કલાક આરામ અને 8 કલાક કુટુંબ-સમાજ માટે તેમ ગણીને રોજના 8 જ કલાકના કામને માન્ય ગણે છે. હાલ જે 12 કલાકની કામની પાળી નિર્ધારિત કરી છે તે કામદારો-કર્મચારીઓના શારીરિક, માનસિક અને કૌટુંબિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ગરીબ શ્રમિકો બે છેડા ભેગા કરવા વધુ કલાકો કામ કરશે તો ખરા, પણ તે તેના આરોગ્યના ભોગે જ હશે. નિ:શંક ઉત્પાદનમાં વધારો થશે, પણ તે નવા રોજગારનું સર્જન કરશે તેવા સરકારી દાવા સાચા નહીં ઠરે. જો હાલનો કામદાર 12 કલાક કામ કરવાનો હોય તો નવાને માટે કોઈ તક રહેતી નથી. એટલે રોજગાર સર્જનનો દાવો ખોટો છે. ઉપરથી જો કામદારો 12 કલાક કામ કરે તો ત્રણને બદલે બે પાળી જ ચાલશે, તેથી એક પાળીના કામદારોને બેકાર થવાનો વારો આવશે એટલે કામના કલાકોની વૃદ્ધિ કામદારોમાં ઘટાડો અને ઉત્પાદનમાં વધારો બનશે.
કેન્દ્ર સરકારની શ્રમસંહિતા અને ગુજરાત સરકારે 2015માં મજૂર કાયદામાં કરેલા સુધારા પછી હાલના કાયદાથી કામદારોમાં વધુ નિરાશા સર્જાઈ શકે તેમ છે. 2015માં લઘુતમ વેતનના ભંગને સજાપાત્ર ગુનામાંથી મુક્તિ આપવામાં આવી છે. હવે કામના કલાકોમાં વૃદ્ધિ માલિકોને વધુ મનમાની કરાવશે અને કામદારોનું શોષણ થશે. અઠવાડિક 48 કલાકના કામના વૈશ્વિક માપદંડને બદલે ભારતનો કામદાર કાયદેસર 60 કે 72 કલાક કામ કરશે.
ઈન્ફોસિસના ચેરપર્સન નારાયણ મૂર્તિ અને એલ એન્ડ ટીના એમ. એન. સુબ્રમણ્યમે કામદારો-કર્મચારીઓને અઠવાડિયે તેમની જેમ 70થી 90 કલાક કામ કરવા સૂચન કર્યું હતું. બેંગલુરુની મોબાઈલ ગેમિંગ એપ બનાવનારી એક કંપનીના સહસ્થાપક મોહનકુમારે તો તેમની કંપનીમાં બધા રોજ 12 કલાક કામ કરતા હોવાનું એક્સ (કે ટ્વીટર) પર જાહેર કર્યું છે. એટલે કામના કલાકોની વર્તમાન વૃદ્ધિ કેટલી કામદારોના હિતમાં છે અને કેટલી ઉદ્યોગપતિઓના હિતમાં છે તે વિચારણીય મુદ્દો રહે છે.
