ગાંધીજી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા, સ્વચ્છતાનું મહિમાગાન કર્યું હતું, સ્વચ્છતાને શક્ય હોય ત્યાં સુધી અપનાવવાની પ્રામાણિકતાથી કોશિશ કરી હતી.

તેમને ખબર હતી કે ભારતમાં સફાઇ અને સ્વચ્છતાની સ્થિતિ વાસ્તવમાં સારી નથી. ગાંધીજીના મૃત્યુ પછી છેક જેમનો આજે જન્મદિવસ છે તે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્થાનેથી સ્વચ્છતાને પ્રાથમિકતા સાથે મહત્ત્વ આપ્યું અને મહાત્મા ગાંધીના સ્વચ્છતા અંગેના વિચારોની પ્રેરણારૂપે સ્વચ્છ ભારત યોજનાની શરૂઆત કરવામાં આવી (તેમની રાજકીય સાફસૂફી ભલભલાને તમ્મર લાવી દે છે). `સ્વચ્છતા ત્યાં પ્રભુતા' કે `સ્વચ્છતા હોય ત્યાં જ લક્ષ્મીનો વાસ હોય છે' જેવાં સૂત્રો ચમકતાં રહ્યાં, પરંતુ કોઈ ખાસ પ્રયત્ન થયા ન હતા. સ્વચ્છ ભારત યોજનાના ફળસ્વરૂપ ઘણી જાહેર જાગૃતિ જોવા મળી રહી છે. અત્યારે ભારતના મોટાભાગનાં રેલવે, બસ સ્ટેશનો સ્વચ્છ જોવા મળે છે.

વિશ્વ સફાઈ દિવસ દર વર્ષે 20 સપ્ટેમ્બરે ઊજવવામાં આવે છે. વૈશ્વિક સામાજિક કાર્યક્રમ, જેનો ઉદ્દેશ દરિયાઈ કાટમાળ સહિત વૈશ્વિક ઘન કચરાની સમસ્યાનો સામનો કરવાનો છે. સમાજનાં તમામ ક્ષેત્રોને સફાઈ કાર્યોમાં ભાગ લેવા માટે એકત્ર કરીને ગેરવ્યવસ્થાપિત કચરાના સંકટ અંગે જાગૃતિ લાવવાનો છે. વ્યક્તિઓ, સરકારો, કોર્પોરેશનો અને સંગઠનોને સફાઈમાં ભાગ લેવા અને ગેરવ્યવસ્થાપિત કચરાનો સામનો કરવા માટે ઉકેલો શોધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. વૈશ્વિક સ્તરે સફાઈ દિવસના કાર્યક્રમોનું આયોજન અને સુવિધા આપતી અસંખ્ય સંસ્થાઓ છે.

પહેલો વિશ્વ સફાઈ દિવસ 15 સપ્ટેમ્બર, 2018ના રોજ ઊજવવામાં આવ્યો હતો, જેમાં ધ્યેય વિશ્વની વસ્તીના 5 % (આશરે 38 કરોડ લોકો)ને સામેલ કરવાનું રાખવામાં આવ્યું હતું, જે પ્રયાસ લક્ષ્ય સુધી પહોંચવામાં ધરાર નિષ્ફળ ગયો હતો. વિશ્વભરમાં માત્ર 1.8 કરોડ લોકો જ સીધા જોડાયા હતા. 2019નો વિશ્વ સફાઈ દિવસ 19 સપ્ટેમ્બરના રોજ ઊજવવામાં આવ્યો હતો.

જોકે, જે અને જેટલી ગંદકી બાબતે ભારતને બદનામ કરવા પશ્ચિમી જગત સ્વયંને આધુનિક પ્રગતિશીલ વિશ્વના દેશો તરીકે પ્રસ્તુત કરતા રહે છે, તેમની સ્થિતિ પણ કંઈ બહુ વખાણવા જેવી નથી. આ અંગે અનેક વીડિયો ક્લિપ વાઇરલ થઇ જ રહી છે, જેમાં ન્યૂયોર્ક જેવાં શહેરોમાં પણ ગંદકીના ઢગલા જોવા મળે છે. અનેક દેશો સ્વચ્છતા મુદ્દે રીતસર નઘરોળ બેદરકારી સેવે છે. આવા જ કારણોસર 2024થી વિશ્વ સફાઈ દિવસને યુએનની સત્તાવાર રજા જાહેર કરવામાં આવી છે, સત્તાવાર યુએન કેલેન્ડરમાં ઉમેરવામાં આવ્યો છે.

આ કંઈ આપણો બચાવ કરવા માટે નથી લખ્યું, સ્વચ્છતા જાળવવા વિશે મતમતાંતર હોઈ જ ન શકે. ઘણા લોકોના મતે પોતાનું ઘર છોડીને આખું વિશ્વ કચરાટોપલી જ છે. જાહેર કે ખાનગી એપાર્ટમેન્ટના ખૂણા, દીવાલોનો મૂળ કલર થૂંકી થૂંકીને ઢાંકી દેવામાં આવે છે. પોતાનું આંગણું ચોખ્ખું રાખવા કચરો બાજુના આંગણા તરફ હળવેકથી સરકાવી દેવામાં આવે છે ક્યાં તો અડધા રોડ પર ધકેલી દેવામાં આવે છે. નીચેથી કોઈ પસાર થતું હોય તે જોયા વગર બારીમાંથી દે મારવામાં આવે છે. એવા પણ જાગૃત લોકો છે જે ટ્રેનમાં એક ખાલી થેલી સાથે રાખે છે અને ચા તેમજ નાસ્તો કરે તો ખાલી કપ કે પેકેટ એ થેલીમાં ભર્યે રાખે છે. પછી વ્યવસ્થિત કચરાટોપલીમાં નાખી દે છે તો બીજી તરફ એવાય લોકો જોવા મળે છે જે ટ્રેનમાં સીંગનાં ફોતરાંથી માંડી નાસ્તાનાં ખાલી પેકેટ પોતાની સીટ પાસે જ ધબકાવ્યે જાય છે. ગુટખા ખાઈને રસ્તા પર કે પુલોની દીવાલ પર કોગળા કરતા તો મોટી અને મોંઘી ગાડીવાળાને પણ શરમ નથી આવતી હોતી. કચરાનો યોગ્ય નિકાલ કરવાથી પ્રાણીઓના જીવનનું રક્ષણ કરવામાં પણ મદદ મળે છે. એક મિલિયન પ્રાણીઓ અયોગ્ય રીતે નિકાલ કરાયેલ કચરાથી દર વર્ષે મૃત્યુ પામે છે.