આગામી વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે તેવી વાતો દાયકાઓથી થતી આવી છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર(UN)ના તાજેતરના અહેવાલે સાબિત કર્યું કે હવે તે સમય દૂર નથી. યુએન દ્વારા જારી કરવામાં આવેલી `ગ્લોબલ વોટર બેંકરપ્સી' (વૈશ્વિક જળ નાદારી)ની ચેતવણી સૂચવે છે કે માનવજાત તેની કુદરતી મર્યાદા કરતાં અનેકગણું વધુ પાણી વાપરી રહી છે. જો આ જ ગતિ ચાલુ રહેશે, તો 2030 સુધીમાં વિશ્વમાં મીઠા પાણીની માંગ પુરવઠા કરતાં 40% વધી જશે. જેમ બેંક ખાતામાં જમા રકમ કરતાં વધુ ઉપાડ કરવામાં આવે તો ખાતું `બેંકરપ્ટ' કે નાદાર થઈ જાય છે, તેવી જ રીતે પૃથ્વીના જળસ્રોતો પણ નાદાર થઈ રહ્યા છે. વરસાદ દ્વારા જમીનમાં જેટલું પાણી ઊતરે છે તેના કરતાં અનેકગણું પાણી આપણે બોરવેલ, ઉદ્યોગો અને ખેતી દ્વારા ખેંચી રહ્યા છીએ. યુ.એન. અનુસાર, અનેક દેશો અત્યારે `વોટર ક્રેડિટ' પર જીવી રહ્યા છે, એટલે કે આપણે આપણી આવનારી પેઢીના હિસ્સાનું પાણી અત્યારે જ વાપરી રહ્યા છીએ. ભારત માટે આ સ્થિતિ વધુ ગંભીર છે. વિશ્વની 18% વસ્તી ધરાવતા ભારત પાસે પીવાલાયક પાણીના માત્ર 4% સ્ત્રોત ઉપલબ્ધ છે. ભારતનાં 21 મોટાં શહેરોમાં ભૂગર્ભ જળ લગભગ શૂન્યની સપાટીએ પહોંચ્યું છે. ખેતીપ્રધાન દેશ હોઇ ભારતનો 80%થી વધુ પાણીનો વપરાશ સિંચાઈમાં થાય છે, જેમાંથી મોટો હિસ્સો બગાડમાં જાય છે.
પ્રકૃતિના રક્ષણ કરતાં વિનાશ પાછળ 30 ગણો વધુ ખર્ચ!
સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP) દ્વારા જાહેર કરાયેલા `સ્ટેટ ઓફ ફાઇનાન્સ ફોર નેચર 2026'ના રિપોર્ટ મુજબ વિશ્વ પ્રકૃતિને બચાવવા માટે ખર્ચાતા દરેક $1 સામે તેના વિનાશ પાછળ $30 ખર્ચી રહ્યું છે.અશ્મિભૂત ઇંધણ અને કૃષિ સબસિડી જેવા પર્યાવરણને નુકસાન કરતાં ક્ષેત્રોમાં વાર્ષિક 7.3 ટ્રિલિયન ડોલરનું રોકાણ થઈ રહ્યું છે. UNEPએ ચેતવણી આપી છે કે જો આપણે 2030 સુધીમાં પર્યાવરણીય લક્ષ્યો હાંસલ કરવાં હોય, તો પ્રકૃતિ-આધારિત ઉકેલોમાં રોકાણને 2.5 ગણું વધારવું પડશે. આ અસંતુલન વૈશ્વિક આબોહવા પરિવર્તનને વધુ ગંભીર બનાવી શકે છે. યુરોપિયન યુનિયન (EU) દ્વારા લાગુ કરાયેલા નવા વનનાબૂદી વિરોધી કાયદા(EUDR)ને કારણે કેન્યાના હજારો કોફી ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા છે. 21 જાન્યુઆરીના અહેવાલો મુજબ, જો ખેડૂતો સાબિત નહીં કરી શકે કે તેમની ખેતી માટે જંગલો કાપવામાં આવ્યાં નથી, તો તેઓ યુરોપિયન બજાર ગુમાવી શકે છે.
યુક્રેન-રશિયા વચ્ચેનું ઊર્જા સંકટ અમેરિકામાં મીડ ટર્મ ચૂંટણીનો રંગ બદલી શકે ખરું?
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને હવે ચાર વર્ષ પૂરા થવા આવ્યા છે, પરંતુ 20 જાન્યુઆરી 2026ના રોજ થયેલા ભીષણ ડ્રોન હુમલાઓએ ફરી એકવાર વિશ્વની ચિંતા વધારી છે. રશિયાએ કીવના ઊર્જા મથકોને નિશાન બનાવતા પાટનગરનો 60% વિસ્તાર અંધારપટમાં ગરકાવ થઈ ગયો છે. માઈનસ ડિગ્રી તાપમાનમાં લાખો લોકો વીજળી, પાણી અને હીટિંગ વગર રહેવા મજબૂર બન્યા છે. બીજી તરફ, અમેરિકામાં રાજકીય પરિવર્તનો વચ્ચે યુક્રેનને મળતી સૈન્ય સહાય બાબતે અનિશ્ચિતતા સર્જાઈ છે, જે યુદ્ધનાં પરિણામો પર મોટી અસર કરી શકે છે. સંયુક્ત રાષ્ટ્રે આ સ્થિતિને ગંભીર માનવીય કટોકટી ગણાવી છે. અમેરિકામાં વર્ષના અંતે યોજાનારી મિડ-ટર્મ ચૂંટણીઓ માટે અત્યારથી જ રાજકીય જંગ જામ્યો છે. તાજેતરના પોલ્સ (સર્વે) મુજબ, સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ખાસ કરીને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની 435 બેઠકો પર રસાકસી જામશે. ટેક્સાસમાં નવા ચૂંટણી નકશા (Congressional Map) પર કોર્ટે રોક લગાવતા કાયદાકીય વિવાદો પણ તેજ બન્યા છે. આ ચૂંટણીનાં પરિણામો માત્ર અમેરિકા જ નહીં, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય-પૂર્વની શાંતિ પ્રક્રિયા જેવી વૈશ્વિક નીતિઓ પર પણ સીધી અસર કરશે.
મધ્ય-પૂર્વમાં નવો વળાંક અને ચીન-તાઈવાન
વચ્ચે તંગદિલીથી યુદ્ધનાં વાદળો ઘેરાયાં છેમ
ધ્ય-પૂર્વમાં જાન્યુઆરી, 2026ની શરૂઆત ભારે અશાંતિ સાથે થઈ છે. ઈરાનમાં આર્થિક સ્થિતિ અને રાજકીય સુધારાની માંગ સાથે શરૂ થયેલાં વિરોધ પ્રદર્શનો હવે હિંસક બન્યાં છે, જે વર્તમાન શાસન માટે મોટો પડકાર છે. બીજી તરફ ગાઝા અને લેબનોનમાં યુદ્ધવિરામ છતાં છૂટાછવાયા હુમલા ચાલુ છે. સંયુક્ત રાષ્ટ્રે ગાઝામાં માનવીય સહાય પહોંચાડવા માટે વધુ સુરક્ષિત કોરિડોરની માંગ કરી છે. ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે વધતા તણાવને કારણે આ પ્રદેશમાં ફરીથી મોટા પાયે સંઘર્ષ થવાની ભીતિ સેવાઈ રહી છે. દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધતી જતી સૈન્ય હાજરીને કારણે તાઈવાન સ્ટ્રેટમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. 21 જાન્યુઆરીના અહેવાલો મુજબ, ચીને આ વિસ્તારમાં `વિલ ફોર પીસ 2026' નામની નૌકાદળ કવાયત હાથ ધરી છે, જેને તાઈવાન અને અમેરિકાએ ઉશ્કેરણીજનક પગલું ગણાવ્યું છે. તાઈવાનની સંસદમાં પણ રક્ષણ માટેના વિશેષ બજેટ પર વિપક્ષો દ્વારા અવરોધ ઊભો કરાતાં આંતરિક રાજકારણ ગરમાયું છે. ચીની રાજદૂતોએ સ્પષ્ટ કર્યું છે કે, `એક ચીન' નીતિ સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં, જેનાથી એશિયા-પેસિફિક ક્ષેત્રમાં યુદ્ધનાં વાદળો ઘેરાયાં છે.