33 વર્ષની લાંબી ઈંતેજારી પછી હિન્દી સિનેમાના વર્તમાન સુપરસ્ટાર શાહરુખ ખાનને ફિલ્મ `જવાન' માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો, ત્યારે સિને ચાહકોએ એક અવાજમાં કહ્યું હતું કે ખાનને જો આ પુરસ્કાર આપવો જ હતો તો તેના `જવાન' માટે નહીં, પણ 2004માં આવેલી `સ્વદેશ' વધુ ઉચિત ફિલ્મ હતી.
ચાહકોએ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ખાને આટલાં વર્ષોમાં એક એકથી શાનદાર ફિલ્મો આપી છે અને અનેક યાદગાર કિરદાર નિભાવ્યાં છે તેમ છતાં અત્યાર સુધી તેની એક પણ રાષ્ટ્રીય પુરસ્કાર માટે કેમ પસંદગી કરવામાં નથી આવી?
ખાનની અદાકારીની વાત આવે ત્યારે `સ્વદેશ'નો ઉલ્લેખ ન થાય તેવું શક્ય નથી. આ ફિલ્મમાં તેણે એક એનઆરઆઈ વૈજ્ઞાનિક મોહન ભાર્ગવના કિરદારમાં જે સંવેદનશીલતા અને સહજતા દર્શાવી હતી, તે આજે પણ દર્શકોનાં હૃદયમાં વસેલી છે. એટલા માટે સોશિયલ મીડિયા પર ઘણા યૂઝર્સ ગુસ્સે થયા હતા કે `સ્વદેશ' જેવી પ્રેરણાદાયી ફિલ્મને અવગણીને `જવાન' જેવી મસાલા ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર કેમ આપવામાં આવ્યો?
આ નારાજગીમાં વજૂદ તો છે. હિન્દી સિનેમાના ઈતિહાસમાં બોક્સ ઓફિસ પર કમાણીની દૃષ્ટિએ નબળી સાબિત થયેલી, પરંતુ રસિકોનો પ્રેમ મેળવવામાં સફળ રહેલી અનેક કલ્ટ ફિલ્મો બની છે. `સ્વદેશ'નો તેમાં સમાવેશ થાય છે.
આમિર ખાનની `લગાન'ની ધૂઆંધાર સફળતાનાં ત્રણ વર્ષ પછી આશુતોષ ગોવારીકર એક અલગ વિષય પર `સ્વદેશ' લઈને આવ્યા હતા. શાહરુખ ખાન આ ફિલ્મ કરવા માંગતો નહોતો. તેને લાગતું નહોતું કે તે બોક્સ ઓફિસ પર ચાલશે. તેણે આશુતોષને કહ્યું પણ હતું કે, `સ્વદેશ એક સારી ફિલ્મ છે, પરંતુ તે ફ્લોપ થશે, પરંતુ આશુતોષને ફિલ્મમાં વિશ્વાસ હતો. તેના પિતાનું આ સપનું હતું અને તેને લાગતું હતું કે શાહરુખ તેના માટે એકદમ ઉચિત છે.'
શાહરુખ `સ્વદેશ'ને બદલે આશુતોષ સાથે `જોધા અકબર' કરવા માંગતો હતો. આ ફિલ્મમાં રિતિક રોશન અને ઐશ્વર્યા રાય મુખ્ય ભૂમિકામાં હતાં. `સ્વદેશ'માં ગ્લેમરનો અભાવ હતો અને વિષયની દૃષ્ટિએ તે સાધારણ નજર આવતી હતી. આજે આ ફિલ્મ શાહરુખની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.
ફિલ્મમાં તે (મોહન ભાર્ગવ) નાસામાં પ્રોજેક્ટ મેનેજર છે. તે તેની દાદી કાવેરી અમ્મા (કિશોરી બલ્લાલ)ને અમેરિકા લઇ જવા માટે ગામ પાછો આવે છે. ત્યાં તે ગામની વાસ્તવિકતાથી અને તેની બાળપણની મિત્ર ગીતા (ગાયત્રી જોશી)થી પરિચિત થાય છે. તેને ખબર પડે છે કે ગામમાં વીજળીની સમસ્યા છે. તે નજીકના જળ સ્રોતમાંથી એક નાની જળવિદ્યુત ઉત્પાદન સુવિધા સ્થાપે છે.
જોકે, નાસા તેને અમેરિકા પાછો બોલાવી લે છે. કાવેરી અમ્મા પરદેશમાં વસવા ના પાડી દે છે. ગીતા પણ કહે છે કે તે અમેરિકાને બદલે ભારતમાં મોહન સાથે રહેવાનું પસંદ કરશે. મોહન ભારે હૃદય સાથે અમેરિકા પરત ફરે છે. અમેરિકામાં તેને વસમું લાગે છે અને ગામ યાદ આવતું રહે છે. તે ત્યાંનો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરો કરીને, ગામનો વિકાસ કરવાની ઈચ્છા સાથે કાયમ માટે સ્વદેશ આવી જાય છે.
ગોવારીકરને `સ્વદેશ' બનાવવાનું ગૌરવ છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, `લગાન પછી લોકોને લાગ્યું નહોતું કે હું સ્વદેશ જેવી ફિલ્મ બનાવીશ. લોકોને હતું કે મારી નવી ફિલ્મ ફૂટબોલ કે એવી કોઈ સ્પોર્ટ્સ પર હશે. સ્વદેશ સંપૂર્ણપણે આંતરમનની યાત્રા હતી. લગાન ઢોલ હતી, તો સ્વદેશ વાંસળી હતી. લગાનમાં રાષ્ટ્રપ્રેમની વાત હતી, તો સ્વદેશમાં દેશભક્તિ હતી. એમાં કોઈ ઢોલ પીટવાનું નથી હોતું. તે આંતરિક ભાવ છે, તેનો અહેસાસ કરવાનો હોય.'
1995માં આશુતોષે `વાપસી' નામની સીરિયલના બે એપિસોડમાં કામ કર્યું હતું. તેમાં મોહન ભાર્ગવ વીજળી પેદા કરવા માટે એક પ્રોજેક્ટ સ્થાપે છે. આશુએ મોહનનો કિરદાર કર્યો હતો. કે. શિવરામન કારંથની એક કન્નડ નવલકથા પરથી બનેલી કન્નડ ફિલ્મથી પ્રેરાઈને આ એપિસોડ કરવામાં આવ્યા હતા. આશુતોષને આ એપિસોડ યાદ રહી ગયા હતા. તેઓ કહે છે, `મને થયું હતું કે આ તો આખી ફિલ્મ બને તેવો વિષય છે. મેં કન્નડ ફિલ્મના લેખક સથ્યુ પાસેથી તેના અધિકાર મેળવ્યા હતા.' સથ્યુએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ જ્યારે બેંગ્લોરમાં સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમના પર મહાત્મા ગાંધીના આદર્શો અને તે વખતના સામાજિક-રાજકીય વાતાવરણની બહુ અસર હતી.
આશુતોષ કહે છે કે, `મારે દેશની એ સ્થિતિને ફિલ્મમાં વ્યક્ત કરવી હતી. હું મેરા ભારત મહાનની તર્જ પર દેશભક્તિના વિષયને `સ્વદેશ'માં લઇ આવ્યો હતો. આપણે બહુ સરળતાથી રાષ્ટ્રપ્રેમ બતાવીએ છીએ, કારણ કે એમાં બીજા દેશ પર નિશાન હોય છે, પરંતુ આપણા સૌમાં દેશભક્તિનો ભાવ જગાડવો જરૂર હતો. જેમ કે, ક્રિકેટ મેચ કે યુદ્ધ હોય ત્યારે રાષ્ટ્રપ્રેમ ચરમસીમાએ હોય છે. મને લાગ્યું કે દેશને ઉપર લાવવો હોય તો દેશભક્તિનો અહેસાસ જગાવવો જોઈએ. મારે આ ભાવ સ્વદેશમાં લાવવો હતો.'
શાહરુખ ખાન પણ કહે છે કે, `મેં આશુતોષને કહ્યું હતું કે આ ફિલ્મ કમાણીની દૃષ્ટિએ નહીં ચાલે. ફિલ્મ પાછળનો ઈરાદો ઉત્તમ હતો. એમ તો `મૈં હૂં ના'માં પણ (ભારત-પાકિસ્તાન એકતાની) ઉદાત્ત ભાવના હતી. સમાજને સંદેશો આપવાની ઘણી રીત હોય છે. સ્વદેશનો મારો કિરદાર મને ગમે છે. કમનસીબે, હું એવી સ્થિતિમાં નથી કે સમાજને બદલી શકું. સમાજમાં જાગૃતિ લાવવાના મારા પ્રયાસો કેન્સર, પોલિયો અને એઇડ્સની શોર્ટ ફિલ્મો સુધી સીમિત ન હોવા જોઈએ. મને લાગે છે કે સામાજિક સંદેશ આપવા માટે સિનેમા અગત્યનું માધ્યમ છે. બ્લેક અને માય બ્રધર નિખિલ સામાજિક રીતે બહુ ઉપયોગી ફિલ્મો છે, પણ મારી ફિલ્મોમાં મજા-મસ્તી સાથે સંદેશ હોવો જોઈએ.'
આશુતોષને વિશ્વાસ હતો કે સ્વદેશ ધંધો કરશે. તેઓ કહે છે, `એવું લાગે છે કે લગાન પછી દર્શકોને મારી પાસેથી અને આવા કિરદારમાં શાહરુખ પાસેથી જુદી અપેક્ષાઓ હતી. સ્વદેશ જોઈને તેઓ નિરાશ થયા હતા. બોક્સ ઓફિસ પર તો તે ન ચાલી, પરંતુ વર્ષો પછી તે સેટેલાઈટ ટીવી અને ડીવીડી પર આવી તે પછી લોકોને તે ગમવા લાગી. ફિલ્મ પ્રત્યે લોકોનો પ્રેમ ધીમે ધીમે વધ્યો. આજે લોકો જે રીતે તેને યાદ કરે છે, જુએ છે તેનાથી મને ઘણો સંતોષ થાય છે.'
દુશ્મનોને પાડી દેવા માટે બાવડાં ચઢાવતા આક્રમક રાષ્ટ્રપ્રેમના સ્થાને, ખુદની કમજોરીઓમાં ઝાંખતી દેશભક્તિની વાત કરતી `સ્વદેશ' ફિલ્મ વતનપરસ્તીનો મજબૂત સંદેશો ખૂબસૂરતીથી આપે છે.
પરંપરાગત શહેનાઈના સૂર સાથે રેલાતી તેની પંક્તિ `યે જો દેશ હૈ તેરા, સ્વદેશ હૈ તેરા' અર્થપૂર્ણ છે. આ પહેલી હિન્દી ફિલ્મ છે જે દર્શકોને એક દેશ કેવી રીતે સ્વદેશ બને તેની રીત શીખવાડે છે. તે કહે છે એક દેશમાં જન્મ લેવો તે સ્વદેશ નથી, તે દેશ માટે કશું કરવું તે સ્વદેશ છે.
દિલચસ્પ વાત એ છે કે, `સ્વદેશ'માં શાહરુખ ખાને જે આંતરમનની ઉદારતાના દેશપ્રેમની વાત કરી હતી, તે જ દેશપ્રેમને તેણે `જવાન' ફિલ્મમાં આક્રમક રીતે પેશ કર્યો હતો, કારણ કે `સ્વદેશ'થી `જવાન' વચ્ચેના ગાળામાં ભારત ઘણું બદલાઈ ગયું હતું.
