એવા કિસ્સાઓની બહુ નવાઈ નથી કે જેમાં નોકરી-ધંધાની મુશ્કેલીઓ કે પારિવારિક ઝઘડાથી ત્રાસેલો પતિ કે ઇવન ક્રાઈમ કરીને છુપાઈ રહેવા માગતો આદમી ઘરબાર છોડી જાય. પછી સાધુ બનીને કે બીજી કોઈ રીતે એ ઘરનાંઓને સહેજ પણ ગંધ આવવા દીધા વિના બાકીની જિંદગી અજ્ઞાતવાસમાં ગાળે.  

પણ પતિ ઘરમાં જ રહીને એકદમ અલિપ્ત થઈ જાય, જાણે સાધુ બની જાય એવું પણ બને ક્યારેક. એવી સ્થિતિમાં કાયદેસર છૂટાછેડા લીધા વિના પતિ-પત્ની એક જ છત નીચે બે રીતે જીવી શકે : 1. શાંતિથી રહે. 2. ઝઘડતાં રહે. તેઓ શાંતિથી સાથે રહે ત્યાં સુધી ઠીક છે, પરંતુ પતિ-પત્ની સતત ઝઘડતાં રહે એ સ્થિતિ ભયંકર એટલે ખૂબ જ ભયંકર હોય છે. કાશ્મીર વિશે જેમ કહેવાય છે કે ધરતી પર જો ક્યાંય સ્વર્ગ હોય તો તે અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે. એમ સાથે રહીને સતત ઝઘડતાં પતિ-પત્નીની ગૃહસ્થી વિશે પણ કહી શકાય કે પૃથ્વી પર જો ક્યાંય નર્ક છે તો તે અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે.  

ટોલ્સ્ટોય અને એમનાં પત્ની સોફિયા આવા નર્કમાં જીવ્યાં.   

અગાઉ આ શ્રેણીમાં આપણે નોંધ્યું હતું તેમ, ટોલ્સ્ટોય-સોફિયા એમના લગ્નજીવનના શરૂઆતના બે દાયકા દરમિયાન એટલાં બધાં નિકટ રહ્યાં, બંને વચ્ચે સક્રિય સંપ-સહકાર-સહભાગિતા એટલાં બધાં હતાં કે એમને વિશ્વના સૌથી સુખી સાહિત્યકાર દંપતીનો ખિતાબ આપી શકાય, પરંતુ પછી બાકીના અંદાજે અઢી દાયકા દરમિયાન તેઓ વિશ્વના સૌથી દુઃખી સાહિત્યકાર દંપતીના લેબલનાં હકદાર બની શકે એવું ત્રાસદાયી સહજીવન જીવ્યાં.  

34ની ઉંમરે પરણેલા ટોલ્સ્ટોય પચાસ-પંચાવન સુધીની ઉંમરમાં આધ્યાત્મિક કટોકટી વેઠ્યા બાદ જાણે ઇસુ ખ્રિસ્ત જેવું જીવન જીવવા લાગ્યા (એમની આધ્યાત્મિક કટોકટી વિશેનું એમના પુસ્તક `કન્ફેશન'માં થયેલું વર્ણન આપણે જાણ્યું).  

વ્યક્તિનું અને સમાજનું આધ્યાત્મિક જીવન કેવું હોવું જોઈએ એ બાબતે ઊંડા ઊતર્યા બાદ ટોલ્સ્ટોયે જે કંઈ લખ્યું એના પર ઇસુના ઉપદેશની ઊંડી છાપ સ્પષ્ટ જોવા મળે છે. એમણે પોતે પાછલા વર્ષના પોતાનાં લખાણોમાં વ્યક્ત થયેલા બધા જ વિચારો પોતાના હોવાનો દાવો કર્યો નહોતો. એ ઇસુ ખ્રિસ્તના ધર્મ વિશેના ઉપદેશોની વાતોમાંથી ચમત્કારો તથા બીજી કેટલીક નકામી બાબતોની બાદબાકી કરીને જાણે ઇસુના ઉપદેશના શુદ્ધ સૂર અને સાર પર ભાર મૂકી રહ્યા છે એવા દાવા સાથે એ ઉચ્ચ આદર્શ જીવન-જગતની વાતો કરતા રહ્યા, લખતા રહ્યા.  

પતિ ટોલ્સ્ટોય પરનો ઇસુનો આ પ્રભાવ, પતિનું `આધુનિક ઇસુ' બનવું પત્ની સોફિયાને ન ગમ્યું. પત્નીને જોઈતો હતો જૂનો પતિ, સાંસારિક પતિ, સફળ પતિ, કમાઉ પતિ, ગૃહસ્થીમાં અને જાગીરના વહીવટમાં ખૂબ રસ લેતો પતિ. કહેવાય છે કે પત્ની ક્યારેક તો ગોઠણભેર બેસીને કરગરતી રહી કે, `પ્લીઝ, તમે પહેલાં જેવા બની જાઓ. શું હવે તમને મારામાં રસ નથી?'  

અહમદ ફરાઝની એક જાણીતી નઝમ `મુઝ સે પહલી સી મોહબ્બત મેરે મહેબૂબ ન માંગ'ના એક અંતરામાં કવિ સંસારનાં દુઃખો અને પીડા વર્ણવ્યા પછી પ્રેમિકાને કહે છેઃ `લૌટ જાતી હૈ ઉધર કો (સમાજની પીડા તરફ) ભી નઝર ક્યા કીજે, અબ ભી દિલકશ હૈ તેરા હુસ્ન મગર ક્યા કીજે'. તારું રૂપ તો હજુ પણ મને આકર્ષે છે, પરંતુ મારી નજર સંસારનાં દુઃખો તરફ રહ્યા કરે છે, હું શું કરું?   

સામાન્ય રીતે આવી દલીલમાં પલાયનવૃત્તિ હોય છે, પરંતુ આવી રીતે એક પાત્ર વળગી રહેવા માગે અને બીજું પાત્ર આઝાદી માગે ત્યારે આખી વાતની ટ્રેજેડી એ હોય છે કે એમાં ઝઘડાનું કારણ હોય છે પ્રેમ.

પત્ની સોફિયાને પ્રેમ, હૂંફ, સાથ, સંગાથ જોઈતાં હતાં અને એ બધું મેળવવાનો એનો હક હતો. વળી, પતિ આખો દિવસ જાતજાતના, સારાખરાબ ચેલાઓથી ઘેરાયેલો રહે અને પોતાની જાગીર પર ખોડાયેલા રહેતા એ બધા ચેલાઓના રહેવા-જમવાની સગવડોનું વધતું ઓછું કામ પત્ની પર આવી પડતું એ વાતે કંટાળવાનો પણ પત્નીને હક હતો. પણ ટોલ્સ્ટોય પત્નીના એ હકને આદર આપવા માટે પોતાની જીવનશૈલી અને ફિલોસોફી ત્યજી શકે તેમ નહોતા. માનવજીવનનાં દુઃખોનો ઇલાજ સાચા, ઉચ્ચ અને આધ્યાત્મિક એવા આદર્શ જીવનમાં સમાયેલો છે એ વાતનો `હરિ-રસ' એક વાર ચાખી લીધા બાદ ટોલ્સ્ટોય માટે પાછા ફરવું મુશ્કેલ હતું.   

પત્ની કહેતી, આપણું વિચારો. પતિ ટોલ્સ્ટોય આખી દુનિયાનું વિચારતા અને જાણે આપણી પેલી ફિલ્મ `ઇજ્જત'ના સાહિર લિખિત ગીતના સૂરમાં વાત કરતા: `હઝારોં ગમ હૈ ઇસ દુનિયા મેં, અપને ભી પરાયે ભી; મહોબ્બત હી કા ગમ તન્હા નહીં, હમ ક્યા કરેં.' સામે પક્ષે પત્ની જાણે કહેતી : `યે દિલ તુમ બિન કહીં લગતા નહીં, હમ ક્યા કરેં.'  

પત્ની થાક્યા-કંટાળ્યા વિના સતત દલીલ કરતી રહી કે સંસારમાં રસ લઈને પણ આધ્યાત્મિક યાત્રા ખેડી શકાય, પરંતુ ટોલ્સ્ટોય કશું અધકચરું કરવામાં માનનારા નહોતા. એમના મતે સાચી આધ્યાત્મિકતામાં અંગત સંપત્તિનું સ્થાન નહીંવત્ હતું અને આ વાત પત્નીને કેમેય મંજૂર નહોતી.

દાયકાઓ સુધી બાખડ્યા બાદ પત્નીએ એટલું તો સ્વીકાર્યું કે પતિ હવે પહેલાં જેવો ફરી ક્યારેય ન બની રહે, પરંતુ પતિ પોતાની સંપત્તિ તેમજ ભાવિ આવક લૂંટાવી દેવાની તજવીજ કરી રહ્યો હતો એ વાત પત્ની સહેજ પણ સાંખી શકતી નહોતી. સોફિયાને ચિંતા હતી સંતાનોની આર્થિક સુરક્ષાની. સંતાનોને પિતાની સંપત્તિ મળે, દુનિયાભરમાં લાખોની સંખ્યામાં વેચાતાં ટોલ્સ્ટોયનાં પુસ્તકોની રોયલ્ટીના પૈસા પતિના અવસાન બાદ સંતાનોને મળે એ બાબતે સોફિયા સહેજ પણ બાંધછોડ કરવા તૈયાર નહોતાં.   

ટોલ્સ્ટોય-સોફિયા વચ્ચે જે છેલ્લો અત્યંત મોટો ઝઘડો થયો અને જે ઝઘડા બાદ ઘર છોડી ગયેલા ટોલ્સ્ટોયને પછી સોફિયા ક્યારેય ન મળી શક્યાં એ ઐતિહાસિક ઝઘડો વિલ અને રોયલ્ટીના મુદ્દે થયો હોવાનું કહેવાય છે.  

ત્યારે ટોલ્સ્ટોય હતા 82 વર્ષના. 1910ના ઓક્ટોબર મહિનાની 27 તારીખની એ રાત હતી. મોડી રાતે ટોલ્સ્ટોયને એમના સ્ટડી રૂમમાં કશીક હિલચાલ સંભળાઈ. ટોલ્સ્ટોય એ દિવસોમાં પોતાનું તાજું નવું વિલ તૈયાર કરાવી રહ્યા હતા, જેમાં એ પોતાનાં લખાણોના અતિ કમાઉ કૉપીરાઈટ્સ પરિવારને વારસામાં આપવાને બદલે જતા કરવાની જોગવાઈ મૂકવાની તજવીજ કરી રહ્યા હતા. ત્યારે ને ત્યારે મોડી રાતે પતિ-પત્ની બાખડ્યાં. બહુ બાખડ્યાં. અને તેમની વચ્ચેનો છેલ્લો તંતુ તૂટી ગયો. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો