વસંતનાં વધામણાં વહાવતો વરણાગી વાયરો વગડો વીંધી, વેંઢારી વલવલતી વનરાજીને વહાલપથી હૈયે વળગાડી રહ્યો હતો. નાઘેરની લીલીછમ સીમ ષોડસી જેમ સોળ કળાએ ખીલી ઊઠી હતી.

ત્રણ ગામના ત્રિભેટે આવેલો આશ્રમ પણ વસંતની લીલામાં લપેટાઇ ગયો હતો. આશ્રમના વિશાળ પટાંગણમાં ઉગાડેલા ને પાંગરેલા નાના-મોટા ફૂલછોડ સાથે વેલ-વૃક્ષો પણ નવજાતની જેમ તરોતાજા થઇ ઊઠ્યાં હતાં. આમ જુઓ તો સમગ્ર વાતાવરણ પ્રાકૃતિક સંત સમાન વસંતમય થઇ ઊઠ્યું હતું. તેમાં મહાલતી મુગ્ધા જેવી માલતી તો જાણે હવામાં ઊડવા લાગી હતી. જ્યારે સ્વામીએ એકાંતમાં બોલાવીને કહ્યું હતું: `આપ તો ગત જન્મના યોગભ્રષ્ટ આત્મા નહીં પણ મહાત્મા છો.' આટલું સાંભળતાં માલતીનાં અંગેઅંગમાં ન ખાળી કે ટાળી શકાય એવો વેગ-આવેગ ઘોડાપૂર જેમ ઊમટી આવ્યો હતો. સ્વામીના તેજોમય મુખમુદ્રા સામે વાચા તો હણાઇ જ ગઈ હતી, પણ સ્વામીએ જણાવી દીધું હતું: `મહાત્મા તો વૈરાગ્યમય આશ્રમમાં જ વસેને.'

માલતી આવું કંઈ માનવા તૈયાર નહોતી, પણ જ્યારે સત્સંગસભામાં સ્વામીએ પુષ્પવર્ષા કરેલી ત્યારે પુષ્પની એકાદ પાંખડી જ નહીં, પણ આખું ગુલાબ પોતાના પર વરસ્યું હતું. છતાંય ક્ષણભર સ્વીકારી લીધું હતું, હોય આવું બને, પણ એક સાધ્વી જેવી સ્ત્રી ઉતાવળા પગે લગોલગ આવીને ઊભી રહ્યા પછી નવાઇ પામતાં બોલી હતી : `બહેનજી, આપ ખરા પુણ્યશાળી છો. સ્વામીજીની પુષ્પદૃષ્ટિ આપ પર પડી, પાવન થઇ ગયાં સમજો!' ત્યાં બીજી સ્ત્રીએ સૂર પુરાવ્યો હતો: `અમે તો આવી સભાઓમાં વર્ષોથી આવીએ છીએ છતાંય સ્વામીની કૃપાદૃષ્ટિ થઇ નથી.' પછીથી કાને પડ્યું હતું: `જન્મારો સુધરી ગયો, સમજો.'

આ ઘટનામાં માલતીને એટલું સમજાયું હતું કે, પોતાના પર સ્વામીની કૃપા વરસી છે. ત્યાં ફરી સામે આવ્યું હતું: `સ્વામીજીના સન્મુખ થવાની તજવીજ હું કરી આપીશ.' માલતીને ભારે અચરજ થયું હતું. તેમાં પાછું સંભળાયું હતું: `સ્વામીજી આપની સાથે સંવાદ કરશે. ધ્યાનથી ગ્રહણ કરજો.' જિંદગીના ચાર દાયકામાં સંસારથી ઊબકાઈ ગયેલી માલતી પરમ તત્ત્વને પામવા નહીં પણ મનની શાંતિ અર્થે સત્સંગસભામાં જોડાઈ હતી. ભણેલી-ગણેલી માલતીને સંસાર જીવનના વમળમાં અટવાયા પછી ક્યારેક થઈ આવતું હતું, પોતે આ સંસારની વ્યક્તિ જ નથી ને અકસ્માતે આવી ચઢી છે અથવા માયાજાળમાં ફસાઇ ગઈ છે. તેમાં ખુદ સ્વામીજીએ અનુમોદન આપ્યું હતું. હવે તો સંસારની સઘળી માયા સંકેલી લઇ અહીં જ સમર્પિત થઇ જવું છે! હાશ, ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું ભગવાન.

આનંદ અને ઉત્સાહથી છલકાતી માલતી આશ્રમમાં ટહેલતી હતી ત્યાં એક સ્ત્રી પાસે આવીને સહેતુક ઊભી રહી હતી. તેણીનું સફેદવસ્ત્રોમાં સાદગીભર્યું વ્યક્તિત્વ પણ મનમોહક હતું. સામે જોઈ સહેજ હસીને પછી બોલી હતી: `સ્વામીજી સન્મુખ થવાનો લાભ મળ્યો, ધન્ય થયા.' થોડું અટકીને પૂછ્યું હતું: `સ્વામીજીએ આપને કંઈ કહ્યું'તું?' માલતી મૌન રહી હતી. ત્યાં સામેથી આવ્યું હતું: `કોઈને કહેવાની ના પાડી હશે, ગુપ્ત જ્ઞાન ખરુંને.' સ્ત્રીનો વ્યંગ માલતીને દઝાડી ગયો હતો. મોંએ આવી ગયું હતું: `મારી બાઇ તને મોહભંગ થયો હોય તો એ તારો પ્રશ્ન છે!' પણ તે સ્ત્રી આડાઅવળું જોઈ, કોઈ સાંભળી ન જાય એવી રીતે કહી દીધું હતું: `આપ તો ગત જન્મના યોગભ્રષ્ટ આત્મા નહીં પણ મહાત્મા છો.'

માલતીએ ઘડીભર સાંભળ્યું, અણસાંભળ્યું કર્યું હતું, પણ પછી તો પગથી માથા લગી આગ લાગી ગઈ હતી. પોતાને પરભવના મહાત્મા હોવાનો ભ્રમ ચક્કર ચક્કર ભમવા લાગ્યો હતો. સ્ત્રીને કહ્યું હતું: `બહેન, તમે આ શું કહો છો?' તે સ્ત્રી ભારે ઉતાવળમાં હતી. છતાંય કહી ઊઠી હતી: `કોઈની જિંદગી ન બગડે એટલે.' કોઈ એવો છૂપો ભય અનુભવતી હોય તેમ તે સ્ત્રી ઝડપથી આઘાપાછી થઇ ગઈ હતી.

કોઈ સુકાયેલા ઝાડ જેમ માલતી ઊભી રહી હતી. સઘળું સ્તબ્ધ ને અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. એક પળે એવું પણ થયું હતું, એ સાધ્વી જેવી સ્ત્રી, ઈર્ષાના લીધે પણ આવું સાચું-ખોટું કહી કે ભરાવીને ગઈ હોય!

રાતભર માલતી પડખાં ઘસતી રહી હતી. હવે ક્યારેક આવા કોઈ આશ્રમમાં નથી જવું, પણ મન એટલેથી અટક્યું નહોતું. તે વળતા દિવસની ઊઘડતી સવારે સ્વામીજી સામે પલાંઠી વાળીને બેસી ગઈ હતી.

સ્વામીને થયું હતું, તાક્યું તીર બરાબર વાગ્યું છે એટલું જ નહીં, વીંધાઈને આરપાર ઊતરી ગયું છે.

ભાવુક થઇ સ્વામીએ કહ્યું હતું: `વત્સ! કોઈ પ્રશ્ન?'

નજરને સ્થિર કરી માલતીએ માથું હલાવ્યું હતું. પછી ગળું ખંખેરીને બોલવું શરૂ કર્યું હતું: `સ્વામીજી હું તો ગત ભવનો યોગભ્રષ્ટ આત્મા છું, બરાબરને?' સ્વામીના મોં પર પ્રસન્નતા છવાઇ ગઈ હતી અને માલતીના સવાલને અનુમોદન આપવા અતિ તત્પર થયા હતા. ત્યાં માલતીથી બોલી જવાયું હતું: `સ્વામીજી આપ તો અંતર્યામી છો, બ્રહ્મજ્ઞાની છો.' સ્વામીએ હકાર દર્શાવવા મૃદુ એવું મોઘમ હાસ્ય વેર્યું હતું.

`તો પછી આપ પૂર્વભવ છોડો પણ આ ભવમાં શું હતા તે કહો, નહિતર હું કહી દઉં?'

સાવ અણધાર્યું થતાં સ્વામી વિચલિત થઇ ગયા હતા અને માલતીએ ઘરનો રસ્તો લીધો.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો