પ્રેમની પાછળ કશુંક કારણ હોય છે. એ કારણ વિશે મોટાભાગે તો વ્યક્તિ પોતે પણ સભાન નથી હોતી. સામેની વ્યક્તિ માટે તમને જે કારણોસર આકર્ષણ થાય છે તે કારણો દૂર થઈ જાય કે મટી જાય ત્યારે એ આકર્ષણ પણ ઘટી જવાનું. આ આકર્ષણને પ્રેમનું નામ આપ્યું હોય એટલે તમને લાગે કે એ પ્રેમ હવે ઓછો થઈ ગયો. આવું થઈ ગયા પછી પણ બે વ્યક્તિઓ એકબીજાની સાથે રહેતી હોય છે, રહી શકતી હોય છે, પણ પછી એ બંનેને જોડતી કડી પ્રેમને બદલે કોઈક બીજી જ હોવાની.
એક વ્યક્તિ બીજી વ્યક્તિને આઇ લવ યુ કહે છે ત્યારે એક અદૃશ્ય પૅકેજ ડીલની ઑફર થાય છે. આ ત્રણ શબ્દો કહીને એ જતાવવા માગે છે કે સામેની વ્યક્તિ પોતાને કેટલી ગમે છે. પોતે એની કાળજી લેશે, પોતે એને કટોકટીના વખતમાં સાથ આપશે, ગમે એવા કપરા સંજોગોમાં એની સાથે રહેશે. આના બદલામાં પોતે પણ એની પાસેથી આવી જ બધી લાગણીઓની અપેક્ષા રાખે છે. યાદ રાખજો કે આ પૅકેજ ડીલની ટર્મ્સ અને કન્ડિશન્સની ક્યારેય પ્રગટપણે ચર્ચા થઈ હોતી નથી કે ક્યારેય આ એગ્રિમેન્ટની ફાઈન પ્રિન્ટમાં શું લખાશે એની સ્પષ્ટતા પણ થતી નથી. પ્રેમમાં જે મજા છે તે કશુંય કહ્યા વિના બધું જ કહી દેવાની મજા છે. મોઘમ(અસ્પષ્ટ,ગર્ભિત) રહેવાની મજા છે અને આ જ વાત મુસીબત પણ ઊભી કરે છે. સમય વીતતો જાય છે એટલે પોતાની અપેક્ષાઓ બીજી વ્યક્તિ દ્વારા સંતોષાતી નથી એવી લાગણી જન્મે છે, પણ એ લાગણીને શબ્દોમાં ઢાળીને વ્યક્ત કરી શકાતી નથી. સામે પક્ષે બીજી વ્યક્તિ પણ એવી જ લાગણીથી પીડાયા કરે છે.
તમે એક ટીવી લાવો છો ત્યારે એની પાસેથી તમારી અપેક્ષાઓ બિલકુલ સ્પષ્ટ હોય છે. અવાજ બરાબર સંભળાવો જોઈએ. ચિત્ર સુરેખ દેખાવું જોઈએ, રિમોટ ચાલવું જ જોઈએ વગેરે. આમાંની કોઈ અપેક્ષા ન સંતોષાય ત્યારે ઉત્પાદક કંપનીની ફરજ બને છે એ અભાવની પૂર્તિ કરી આપવાની, કારણ કે ગ્રાહક- ઉત્પાદક વચ્ચેના સોદાનો એ એક હિસ્સો છે - આફ્ટર સેલ્સ સર્વિસ.
પ્રેમમાં અપેક્ષાઓ પ્રગટપણે કહેવાઈ નથી હોતી એટલે એ અપેક્ષાઓ અધૂરી રહી જાય છે ત્યારે એની ફરિયાદો પણ પ્રગટપણે કહી શકાતી નથી. આવી ફરિયાદો દુ:ખે પેટ ને કૂટવામાં આવે માથુંની જેમ, આડકતરી રીતે બહાર આવતી રહે છે, સામેની વ્યક્તિને વધારે ગૂંચવતી રહે છે.
પ્રેમ એક એવો શબ્દ છે જેની એક પણ વ્યાખ્યા સંપૂર્ણ ન હોઈ શકે. આપણને ગમી જાય એવી હોઈ શકે, આપણને સ્વીકાર્ય હોય એવી પણ હોઈ શકે.
પરંતુ જે ગમે કે સ્વીકાર્ય હોય એ સંપૂર્ણ જ હોય તે જરૂરી નથી. પ્રેમ એક ખૂબ લપસણો શબ્દ છે, વ્યાખ્યાની સીમાઓમાંથી છટકી જવાનું લક્ષણ ધરાવતો શબ્દ છે. બે વ્યક્તિઓની પ્રેમ વિશેની સમજ એકબીજા સાથે બિલકુલ બંધબેસતી આવે એવું ન પણ બને. પ્રેમમાં ખરી નિરાશા સંપૂર્ણતાઓનાં મખમલી ખ્વાબો જોયા કરવાને કારણે સાંપડે છે. પ્રેમમાં પડીને બધું જ મેળવી લેવાનાં સપનાં જોતાં આપણે, પોતાનું બધું જ આપી શકતા નથી. ક્યારેક આપવા માગતા નથી તો ક્યારેક આપી શકવા અસમર્થ હોઈએ છીએ અને ક્યારેક આપવા માટે આપણી પાસે આપણી અધૂરપો સિવાય બીજું કશું હોતું નથી.
આનો ઉકેલ શું? જે કારણોસર પ્રેમ થયો હોય તે કારણો ઓસરી જતાં પ્રેમમાં પણ ઓટ આવી જતી લાગે ત્યારે શું કરવું? જૂનાં કારણો પૂરાં થઈ જતાં લાગે ત્યારે નવાં કારણો ઉમેરાવાં જોઈએ, પણ કમનસીબે મોટા ભાગે આ નવાં કારણો માત્ર સામાજિક કે કૌટુંબિક હોય છે. સામાજિક, કૌટુંબિક-આર્થિક કે એવાં ભૌતિક કારણો સિવાયનાં કારણો શોધી શકવાની આપણી પાત્રતા નથી કેળવાતી, ત્યારે એકમેકની સાથે રહેવાનાં કારણો ખૂટી પડતાં લાગે છે.
એક સંબંધ સર્જાય, એક આખું વિશ્વ રચાય અને કોઈક તબક્કે છૂટા પડવાનું આવે ત્યારે નરસિંહ મહેતા યાદ આવે. જાગીને જોઉં તો જગત દીસે નહીં. એક ભ્રમણામાંથી જાગ્યા હોઈએ એવી લાગણી થાય. ફરી નવો સંબંધ, ફરી એ જ અનુભવ. વ્યક્તિ બદલાય પણ સંવેદનો એનાં એ જ રહે. ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાંની જેમ સોનું એનું એ જ રહે છે, ગમે એટલા એના ઘાટ ઘડો અને એ ઘાટને ગમે એ નામ આપો. ચોવીસ કેરેટના સોના જેવો સંબંધ જીવનમાં મળી જાય તો જ દુન્યવી બાબતોમાંથી ઊંચકીને તમને એ આધ્યાત્મિકતાની ઊંચાઈ સુધી લઈ જાય.
આ જગતમાં કશું જ છૂપું રહેતું નથી, ગોપિત રહેતું નથી. બધું જ ખુલ્લું થઈ જતું હોય છે. તમને કોણ જેન્યુઇનલી ચાહે છે એની ખબર તમને આપોઆપ પડી જતી હોય છે. એ ન કહે તો પણ આ વાત તમારાથી ખાનગી રહેતી નથી. તમને કોણ નથી ચાહતું એની પણ તમને ખબર પડી જતી હોય છે. સંબંધની બાબતમાં તમે લાંબા સમય સુધી ભ્રમમાં રહી શકતા નથી અને લાંબા સમય સુધી કોઈને ભ્રમમાં રાખી શકતા નથી. મેળવવામાં અને પામવામાં ફરક છે. માગીએ છીએ ત્યારે મળે છે, માગ્યા વિના જે મળે છે તે પામીએ છીએ.
સંબંધ નિરંતર છે. સંબંધ ક્યારેય મરતો નથી. વ્યક્તિથી છૂટા પડ્યા પછી પણ સંબંધ ચાલુ જ રહે છે, માત્ર એનું સ્વરૂપ બદલાઈ જાય છે. સંબંધમાં મોટી મોટી ઘટનાઓ નથી હોતી. ઝીણી ઝીણી ક્ષણો કૂંપળની જેમ ફૂટતી હોય છે.
ક્ષણાર્ધોની કડી એકમેક સાથે જોડાય છે ત્યારે સંબંધોને આકાર મળતો હોય છે. વિશ્વાસઘાત કે પીઠમાં ખંજર જેવા પ્રચંડ વિસ્ફોટ ધરાવતા શબ્દપ્રયોગ સંબંધમાં અસ્થાને હોય છે. જે હોય છે તે નાની નાની ગેરસમજણો હોય છે. બિલોરી કાચની નીચે મૂકીને જોવાથી રાઈના સ્થાને પર્વત દેખાતો હોય છે. સંબંધોમાંથી વિશ્વાસ ઊઠી જવો એટલે જાત પરથી ભરોસો ચાલ્યો જવો એટલે પોતાની સાથે દુશ્મની કરી નાખવાનું આત્યંતિક પગલું ભરવું જ શું કામ?
પાંચસો વર્ષ પહેલાં જૂનાગઢના મહેતાજી કહી ગયા અને આજેય એ શબ્દો ઘરે ઘરે ગુંજે છે : જે ગમે જગતગુરુ દેવ જગદીશને/ તે તણો ખરખરો ફોક કરવો/ આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે.
સાયલન્સ પ્લીઝ
જે સંબંધ ગઈ કાલના ઝઘડાને આજના અબોલામાંથી બચાવી લે તે ઉત્તમ સંબંધ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો