ઘણીવાર આપણે સામાન્ય કે મોટી બાબતોમાં ઝઘડો કરતા હોઇએ છીએ, ત્યારે આપણે જે તે વ્યક્તિને કહી દેતા હોઇએ છીએ કે, `જો વધુ બોલીશને તો તારી બત્રીસી તોડી નાખીસ, સમજ્યો?'

ટૂંકમાં દરેક માણસ પાસે 32 દાંત હોય છે (કેટલાક લોકો પાસે 28 દાંત પણ હોય છે), પરંતુ મલેશિયામાં રહેતા પ્રથાબ મુનિયાંડી પાસે 32 નહીં, પરંતુ તેના કરતાં પણ વધુ દાંત છે. તેની પાસે કુલ 42 દાંત છે, તેથી જો તમે તેની બત્રીસી તોડવા માંગતા હોવ તો તમારે બત્રીસી નહીં, પરંતુ બેતાલીસી તોડવી પડે એમ છે. પ્રથાબ વ્યવસાયે એન્જિનિયર છે અને તેને પોતાને 42 દાંત છે. તેની જાણ તેને એક ચા પીવાના પ્રસંગમાં ખબર પડી હતી. ચા પીતા દરમિયાન કોઇ પરિવારજનની તેના દાંત પર નજર ગઇ અને તેને થયું પ્રથાબના દાંત સામાન્ય લોકો કરતાં વધારે છે! અંતે તેના દાંત ગણવામાં આવ્યા ત્યારે 38 નીકળ્યા હતા. ત્યારબાદ ડોક્ટર પાસે એક્સ-રે દ્વારા તપાસ કરી તો કુલ 42 દાંત જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, પ્રથાબના આ બેતાલીસીની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે પણ લીધી છે!

જેન ઝી રિ-બોર્ન બેબી ડોલ પાળી રહી છે!

જસ્ટ થોડા સમય પહેલાં જ વિશ્વભરમાં લાબુબૂ ડોલે (એક વિશિષ્ટ પ્રકારની દાંત દેખાડતી ઢીંગલી) જેન ઝી પ્લસ અન્ય કેટલાક લોકોને પણ પ્રભાવિત કર્યા હતાં. અલબત્ત, લાબુબૂ ડોલ જબરદસ્ત ટ્રેન્ડિંગમાં હતી. થોડો સમય જતાં આ ડોલ ભુલાવા લાગી, પરંતુ હવે જેન ઝી લાબુબૂ ડોલ નહીં, પણ સોફ્ટ ટોય્ઝ ( કે જેમાં ઢીંગલા-ઢીંગલી, રિબોર્ન બેબી ડોલ (એનિમલ ટોય્ઝ પણ) ભાવનાત્મક દર્શાવતી હોય તેને પાળવા લાગી છે. એટલે કે, જેન ઝી આ ટોય્ઝની સાથે જરૂરિયાત કરતાં પણ વધારાનો સમય કાઢી રહી છે. તેઓ આ ઢીંગલા ઢીંગલીને પોતાની જ દિનચર્યામાં સામેલ કરીને તેના પર વિશેષ પ્રેમ દર્શાવે છે. જેમાં તેઓ ઢીંગલા ઢીંગલીને સવારના બ્રેક ફાસ્ટથી માંડીને લંચ, ડિનર કરાવવું, તેને મ્યુઝિક સંભળાવવું, બુક્સ વંચાવવી ઉપરાંત ડાયપર બદલવાનો પણ સમાવેશ થાય છે. મૂળ આ ટ્રેન્ડ જેન-ઝી ફિમેલમાં લોકપ્રિય છે, જેને તેઓ `દર્દ રહિત પેરેન્ટિંગ' (Pain-free parenting) તરીકે ઓળખાવી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જેન ઝી પોતાનાં આ ઢીંગલા ઢીંગલીઓમાં લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. આ ટ્રેન્ડ એશિયામાં ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે. વધુમાં અમેરિકા ઉપરાંત યુરોપના કેટલાક દેશોમાં પણ ધીમે-ધીમે આ ટ્રેન્ડ પ્રસરી રહ્યો છે.

મંદ ગતિની આ ટ્રેનમાં તમે બેઠા છો?

હવે ભારતમાં પણ ટેક્નોલોજીના આધારે 150 કિમી. પ્રતિ કલાક દોડતી ટ્રેનો જોવા મળે છે. એટલે કે, ભારતમાં બમણી ગતિએથી ચાલતી ઘણી ટ્રેનો છે. જોકે, આ બધા વચ્ચે પણ ધીમી ગતિથી ચાલતી ટ્રેન પણ ભારતભરમાં લોકપ્રિયતા પામી રહી છે. આ ટ્રેન પાંચ કલાકમાં માત્ર 45-46 કિમી.નું જ અંતર કાપે છે. અલબત્ત, આ ટ્રેન કલાકના અંદાજિત 9-10 કિમી. પ્રતિ કલાકનું અંતર કાપે છે. મંદ ગતિએ પણ મસ્ત નજારા દેખાડતી આ ટ્રેનનું નામ `નીલગિરિ માઉન્ટેન રેલવે' છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ ટ્રેન તમિલનાડુના પહાડી વિસ્તારમાં દોડાવવામાં આવે છે અને તે ઊટી તેમજ કુન્નુર જવાવાળા મુસાફરોના ચહેરા પર ખુશીઓ લાવે છે, કારણ કે આ ટ્રેનમાં બેસીને થોડા અંતરે જતાં જ અંદાજિત 208 રોમાંચક વળાંકો, 16 ટનલ ઉપરાંત 250 કરતાં પણ વધુ પુલ પરથી પસાર થાય છે. સાથે સાથે તમે ચાના બગીચાઓ, હરિયાળી તેમજ ઠંડી-ઠંડી હવાનો પણ લુત્ફ ઉઠાવી શકો છો. જો તમારે પણ આ ટ્રેનની મુસાફરી કરવી હોય તો તમારે એડવાન્સમાં બુકિંગ કરાવવું જરૂરી છે, કારણ કે આ ટ્રેનની ટિકિટ મળવી ખૂબ જ મુશ્કેલ છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો