સમુદ્રી જહાજો વિના આજની દુનિયાની અર્થવ્યવસ્થા ચાલી શકે તેમ નથી. તે પરિવહનનું સૌથી સસ્તું અને અસરકારક માધ્યમ છે. દરિયાઈ જહાજો આધુનિક વિશ્વના વેપાર અને પરિવહનનો મુખ્ય આધાર છે. દુનિયાનો લગભગ 80%થી 90% વેપાર સમુદ્ર માર્ગે જ થાય છે. તેના ઉપયોગ અને કદના આધારે જહાજોને મુખ્યત્વે છ પ્રકારોમાં વહેંચી શકાય. તેના વિશે જાણીએ

માલવાહક જહાજો (Cargo Ships)

આ જહાજો આંતરરાષ્ટ્રીય વેપાર માટે સૌથી મહત્ત્વનાં છે. તેમાં સામાનની હેરફેર કરવામાં આવે છે.

કન્ટેનર જહાજ : આ જહાજોમાં મોટા લોખંડના ડબ્બાઓ એટલે છે કે આ કન્ટેનરમાં સામાન ભરીને લઈ જવામાં આવે છે. અત્યારે દુનિયામાં સૌથી વધુ આ પ્રકારનાં જહાજો જોવા મળે છે.

બલ્ક કેરિયર : અનાજ, કોલસો કે લોખંડ જેવો ખુલ્લો સામાન લાવવા-લઈ જવા માટે આ જહાજનો ઉપયોગ થાય છે.

બ્રેક બલ્ક જહાજ : જે સામાન કન્ટેનરમાં ન સમાઈ શકે, જેમ કે મોટી મશીનરી કે રેલવેનાં એન્જિન, તેને આ જહાજો દ્વારા મોકલવામાં આવે છે.

ટેન્કર જહાજ (Tanker Ships)

ટેન્કર જહાજોનો ઉપયોગ પ્રવાહી પદાર્થો અથવા ગેસના પરિવહન માટે થાય છે.

ઓઇલ ટેન્કર : આ જહાજો કાચું તેલ (ક્રૂડ ઓઈલ) અથવા પેટ્રોલિયમ ઉત્પાદનો લઈ જાય છે.

ગેસ કેરિયર : LPG કે LNG ગેસને ખૂબ જ ઠંડા તાપમાને સુરક્ષિત રીતે લઈ જવા માટે આ ખાસ પ્રકારનાં જહાજો હોય છે. તેના પર ગોળ ગુંબજ જેવી રચનાઓ હોય છે.

સેવા અને વિશેષ કાર્ય માટેના જહાજો
(Service & Special Purpose Ships)

આ જહાજો માલ ઉપાડવા માટે નહીં, પણ ખાસ કામો માટે હોય છે. જેમ કે,

ટગ બોટ્સ : આ નાનાં પણ ખૂબ શક્તિશાળી જહાજો છે. તે મોટાં જહાજોને બંદર પર ખેંચી લાવવા કે ધક્કો મારવા માટે વપરાય છે.

ડ્રેઝર : નદી કે સમુદ્રના તળિયેથી કાદવ અને રેતી કાઢીને રસ્તો ઊંડો કરવા માટે આ જહાજ વપરાય છે.

નૌકાદળનાં જહાજો (Naval Ships)

દેશની સુરક્ષા અને યુદ્ધ માટે વપરાતાં જહાજો.

એરક્રાફ્ટ કેરિયર : આ સૌથી મોટાં યુદ્ધ જહાજો છે, જેની ઉપરથી ફાઈટર પ્લેન (લડાકુ વિમાનો) ઉડાન ભરી શકે છે અને લેન્ડિંગ કરી શકે છે. તે સમુદ્રમાં તરતા એરપોર્ટ જેવાં હોય છે.

સબમરીન : જે પાણીની અંદર રહીને કામ કરે છે. આને પણ જહાજની શ્રેણીમાં જ ગણવામાં આવે છે.

રો-રો જહાજ (Ro-Ro Ships)

Ro-Ro એટલે `Roll-on/Roll-off'. આ જહાજો ખાસ કરીને વાહનો જેવાં કે, કાર, ટ્રક અને બસ લઈ જવા માટે બનાવવામાં આવે છે. તેમાં ઢાળ (રેમ્પ) હોય છે, જેથી વાહનો જાતે ચલાવીને જહાજની અંદર જઈ શકે અને બહાર નીકળી શકે.

મુસાફર જહાજો

(Passenger Ships)

આ જહાજો લોકોની મુસાફરી અને મનોરંજન માટે હોય છે.

ક્રૂઝ શિપ : આ એક તરતા આલિશાન શહેર જેવું હોય છે.

તેમાં હોટલ, સિનેમા, સ્વિમિંગ પુલ અને રેસ્ટોરાં જેવી તમામ સુવિધાઓ હોય છે.

લોકો રજાઓ ગાળવા માટે તેમાં મુસાફરી કરે છે.

ફેરી : નાની મુસાફરી માટે, જેમ કે એક કિનારાથી બીજા કિનારા સુધી

જવા માટે તેનો ઉપયોગ થાય છે. તે કાર અને ટ્રકોને પણ લઈ જઈ શકે છે.