જેમનાં કામ મીડિયોકર હોય છે એમને રિફ્લેક્ટેડ ગ્લોરીમાં મહાલવું છે. બીજાના પ્રકાશથી પોતે પ્રકાશિત થવા માગનારાઓ અચૂક વાતવાતમાં નેમ ડ્રોપિંગ કરવાના. તમે એમનાથી ઈમ્પ્રેસ થઈને તમારા સર્કલમાં એમનાં ગુણગાન ગાતા થઈ જવાના. આ જ રીતે એમના અન્ય પરિચિતો-મિત્રો પોતપોતાના સર્કલમાં એમનાં ગુણગાન ગાઈને એમની `ખ્યાતિ' વધારવાના. થોડાક જ સમયમાં આવા નેમ ડ્રોપર્સની આસપાસ અન્ય નેમ ડ્રોપર્સનું વર્તુળ ભેગું થઈ જવાનું અને તમને લાગવા માંડશે કે અરે વાહ! કેટલા મહાન માણસો તમારા મિત્રો અને મિત્રોના મિત્રો છે. એ પછી તમે પણ તમારી જાતને મોટા માનતા થઈ જવાના, કોઈ મોટાં કામ કર્યા વિના જ.  

 ઘણા લોકોને વાતે વાતે મોટા માણસોનું નામ લઈને તેમને ઈમ્પ્રેસ કરવાની આદત હોય છે. એમને ખબર હોય છે કે તમે જો ભોળા હશો તો એમની વાતોમાં આવી જઈને એમના સેલ્સમેન બની જશો. `અરે યાર, આપણો પેલો છગન ખરોને, એને ત્યાં તો શાહરુખ અવરજવર કરે અને દીપિકા તો એની ખાસમખાસ બહેનપણી.' આવું બોસ્ટિંગ કરીને આપણે બીજા આગળ ભાવ ખાતા હોઈએ ત્યારે વાસ્તવમાં તો આ `માહિતી' તમને જેમણે આપી એના મિડલમેન બનીને એની તથાકથિત `પ્રતિષ્ઠા'માં ઉમેરો કરતા હોઈએ છીએ.  

 હું કેટલો મહાન છું એની જાણકારી જો તમને મારી પાસેથી પ્રાપ્ત થઈ હોય તો તમારે માની લેવાનું કે હું મહાન નથી.  

 `મારે તો પી.એમ. સાથે એ જમાનાથી ઘરોબો' એવું કોઈ તમને કહે તો તમારે વિવેકથી પૂછવાનું કે, `મારે એમને મળવું છે અપોઈન્ટમેન્ટ ગોઠવી શકો?' ઘરોબાવાળાની બોલતી બંધ થઈ જશે. આ જ સમયે કોણ કેટલા પાણીમાં છે અથવા તો કોણ કેટલું ખોટું બોલે છે અને અતિશયોક્તિ કરે છે તે તમને સ્પષ્ટ સમજાઈ જશે. અલબત્ત, તે પછીની તમારી તેની સાથેની મુલાકાત સરળ અને સહજ સાબિત થશે. બસ, તમે ઉપરોક્ત પ્રયોગ એકવાર કરી જોજો.

 ગઈ કાલે જ હું મુકેશભાઈના ઘરે હતો, નીતાબહેનની આગતાસ્વાગતા એટલે કહેવું પડે, તમારે મળવું છે એમને, મળવા જેવા લોકો છે. આવું કહેનારાઓને તમારે કહી દેવું કે `હા', પછી ભવિષ્યમાં ક્યારેય તેઓ આવી ડંફાસ નહીં મારે, કમ સે કમ તમારી આગળ તો નહીં જ.  

 જે જેન્યુઈન લોકો છે એમને પોતાની મોટી મોટી ઓળખાણો વિશે કે કોની કોની જોડે પોતાની ઊઠબેસ છે એ વિશે પોતાના મોઢે કોઈ બીજી વ્યક્તિને કહેવાની જરૂર જ નથી હોતી. તેઓ એ મહાનુભાવો સાથેના પોતાના સંબંધો વિશે મૌન સેવતા હોય છે. આ બાબતમાં ચૂપ રહેવાની આદત એમની જીવનશૈલી બની ચૂકી હોય છે.  

 જેઓ ખરેખર મોટા છે એમને ક્યારેય પોતે કેટલા મોટા છે એવું કહેવાની જરૂર જ નથી પડતી. એ લોકોને એમનું કામ મોટા બનાવે છે, એમની ઓળખાણો નહીં. એમના મોટા ગજાના કામને લીધે બીજા મોટા લોકો, જેઓ પણ પોતાના મોટા ગજાના કામને લીધે જ મોટા બન્યા હોય છે તેઓ એમના તરફ આકર્ષાય છે અને એમની વચ્ચે સંબંધો, વ્યવહાર સર્જાય છે.  

 માણસ પોતે પોતાના વિશે ભ્રમણામાં રાચ્યા કરે છે ત્યારે એને ક્યારેય વાસ્તવિકતાના વિશ્વમાં પગ મૂકવાનું મન થતું નથી. પોતાની ભ્રમિત અવસ્થામાં જે કંઈ ભૂતાવળો એણે પોતાના મનોવિશ્વમાં સર્જી હોય એને એ બીજાઓ સાથે વહેંચતો ફરે છે. જેમની સાથે આવી ભ્રમિત કથાઓ એ વહેંચતો ફરે છે એમાંના બધા જ કંઈ એની લપેટમાં આવતા નથી, કારણ કે એ લોકો તો પોતે એવાં એમનાં કામો કરવામાં બિઝી હોય છે જે એમને ભવિષ્યમાં, અત્યારે તેઓ છે એના કરતાં મોટા બનાવશે, પણ જેઓ લૂઝર્સ છે, જેમની પાસે નક્કર કામ કરીને મોટા બનવાની આવડત કે દાનત નથી, તેઓ એમના ઝાંસામાં આવી જશે અને એમની વાહવાહીના કોરસમાં ભળી જશે.  

 ગોલ્ડ એટલે કે સોનાના ફાયદાઓ વિશે એનાં ગુણગાન ગાવાં પડ્યાં છે કોઈએ ક્યારેય? પણ મારે લોકોને કહેવું પડે છે કે મારે કોની કોની સાથે ઓળખાણ છે, કેવી રીતની ઊઠબેસ છે, જેથી હું મોટો લાગું અને લોકોને મારી સાથે સંબંધ રાખવામાં ફાયદો છે એવું લાગે. હું જો ખરેખર મોટાં કામો કરી રહ્યો હોઈશ તો મને તમારી સાથેની વાતચીતમાં તમને ઈમ્પ્રેસ કરવામાં કોઈ રસ જ નહીં હોય, કારણ કે ભવિષ્યમાં મારું કામ જ બોલવાનું છે, મારી ઓળખાણો કે મારી વગ મને પ્રતિષ્ઠા નથી અપાવવાની એની મને ખબર હોવાની છે. મારા પોતાના પ્રકાશમાં ઝળહળતો હું ત્યારે જ દેખાઈશ જ્યારે હું રિફ્લેક્ટેડ ગ્લોરીમાં મહાલવાનું બંધ કરીશ. હું ઝળહળું એ માટે મારે મારા પ્રયત્નોથી મને પ્રકાશિત કરવો પડે અને સ્વયં પ્રકાશિત થવા માટે કામ કરવાં પડે. મોટાં કામ કરવાં પડે. હજુ વધારે મોટાં કામ કરવાં પડે. 

 સાયલન્સ પ્લીઝ!  

 તમારા મિત્રો જ્યારે એમના મિત્રોને કહે કે તમે એના મિત્ર છો ત્યારે માનવું કે તમે કંઈક છો.  


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો