મહાભારતના `શાંતિપર્વ'માં કુરુક્ષેત્રના યુદ્ધ પછી જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના મનની વ્યાકુળતા, નેતૃત્વની ગંભીર જવાબદારીઓ અને શાસન ચલાવવાની ગૂઢ નીતિઓ વિશે પિતામહ ભીષ્મ પાસે માર્ગદર્શન મેળવવા પહોંચે છે, ત્યારે ભીષ્મે આપેલો એક ઉપદેશ અત્યંત ચોંકાવનારો અને માનસિક સ્તર પર ઊંડું ચિંતન માંગી લે તેવો છે. ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે કે એક ઉત્તમ લીડરે કે શાસકે પોતાની પ્રજા કે હાથ નીચેના લોકોના ગુણ-દોષ જોવા કરતાં પણ સૌથી પહેલાં પોતાના જ અવગુણોનું સતત મનન અને આત્મનિરીક્ષણ કરતા રહેવું જોઈએ! ભીષ્મ આ વાતને એક સામાન્ય નૈતિક સલાહ તરીકે નહીં, પણ લીડરશિપ અને શાસનને અવિચળ રાખવાની એક મનોવૈજ્ઞાનિક જરૂરિયાત તરીકે રજૂ કરે છે. તેઓ કહે છે કે જે લીડર કે મેનેજર પોતાની આસક્તિ શું છે, પોતાના સ્વભાવની આંતરિક મર્યાદાઓ કઈ છે અને પોતાના વર્તનની સીમાઓ ક્યાં પૂરી થાય છે એ બાબતોનું સતત મંથન કરતો રહે છે, તે ક્યારેય પોતાના માર્ગ પરથી ભ્રષ્ટ થતો નથી.   

 પિતામહ ભીષ્મ લીડરના મન અને આત્મનિરીક્ષણ વચ્ચેના સંબંધને સમજાવતાં કહે છે કે પોતાના અવગુણોનું સતત મનન કરવાથી એક લીડરને મુખ્યત્વે બે અસાધારણ લાભ થાય છે. પહેલો લાભ એ છે કે તેને પોતાના દોષોને સમયસર ઓળખીને તેને સુધારવાની સુવર્ણ તક મળે છે, જેનાથી તેનું વ્યક્તિત્વ અને નેતૃત્વ સતત ઈમ્પ્રૂવ થતું રહે છે. બીજો સૌથી મોટો લાભ એ થાય છે કે જ્યારે માણસ પોતાની જ મર્યાદાઓથી સતત પરિચિત અને જાગ્રત રહે છે, ત્યારે તે અહંકાર અને મિથ્યાભિમાનથી સદંતર દૂર રહી શકે છે. ભીષ્મના મતે કોઈ પણ નેતાનું પતન બાહ્ય શત્રુઓથી પાછળથી થાય છે; એ પહેલાં તેનો પોતાનો જ અહંકાર અને અંધ આસક્તિ તેને અંદરથી કોરી ખાતાં હોય છે.   

 આજના આધુનિક મેનેજમેન્ટ, પોલિટિક્સ કે કોર્પોરેટ વર્લ્ડમાં પણ આ વાત એટલી જ સચોટ સાબિત થાય છે. આજના જમાનામાં મોટાભાગના લીડર્સ કે મેનેજર્સ પોતાની નીચે કામ કરતા લોકોની ભૂલો શોધવામાં, તેમની ખામીઓ પર આંગળી ચીંધવામાં કે પોતાની સફળતાનો આંધળો જશ્ન મનાવવામાં જ આખો દિવસ વેડફી નાખે છે, પણ પોતાની આંતરિક નબળાઈઓ કઈ છે, પોતાના નિર્ણય લેવાની પદ્ધતિમાં ક્યાં આસક્તિ કે પક્ષપાત ઘૂસી રહ્યો છે, અથવા તો પોતાના ક્રોધી કે ચંચળ સ્વભાવને કારણે આખી ટીમને કેટલું નુકસાન થઈ રહ્યું છે એ વાતનો ઊંડાણમાં વિચાર કરવાની તેમની પાસે બુદ્ધિ કે ત્રેવડ હોતી જ નથી! ત્યાં સુધી કોઈની બુદ્ધિ પહોંચે તો કોઈ એવી ઊંડી વાતોમાં પડે ને? પરિણામે પોતાની નબળાઈઓને ઢાંકવા માટે તેઓ ખોટા નિર્ણયો લેતા જાય છે, ઓવરથિંકિંગ અને માનસિક તણાવના ભયાનક ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે અને અંતતઃ પોતાની કારકિર્દી કે આખી સંસ્થાને સર્વનાશ તરફ ધકેલી દે છે.   

 પિતામહ ભીષ્મ અહીં બહુ સુંદર રીતે સમજાવે છે કે જ્યારે લીડર પોતાની આસક્તિ અને ઈચ્છાઓ પ્રત્યે આંધળો બની જાય છે, ત્યારે તેની વિવેકબુદ્ધિ ક્ષીણ થઈ જાય છે. માણસ પોતાની આસક્તિને જ સાચી માનવા લાગે છે અને તેને કોઈ પોતાના અવગુણો બતાવે તો તેના પર ગુસ્સે થઈ જાય છે, પરંતુ જો લીડર રોજ પોતાની જાતને પૂછતો રહે કે મારી અંદર કયો અવગુણ ઘર કરી રહ્યો છે, તો તે પોતાના જ દોષોનો દાસ બનવાને બદલે તેનો સ્વામી બની જાય છે. જ્યારે તમે તમારી પોતાની મર્યાદા જાણો છો, ત્યારે તમે બીજા લોકોના સુઝાવ અને સલાહ સાંભળવા માટે ખુલ્લા રહો છો. આ જ પ્રક્રિયા માણસને એક સરેરાશ મેનેજરમાંથી એક મહાન અને સર્વસ્વીકૃત લીડર બનાવે છે.   

 બીજો જે મહત્ત્વનો મુદ્દો ભીષ્મે ઉઠાવ્યો છે તે છે `અહંકારથી મુક્તિ'. અહંકાર એ સાક્ષાત્ અજગર જેવો છે, જે એકવાર મનમાં પ્રવેશ કરી જાય પછી માણસની વિચારશક્તિને સંપૂર્ણપણે ગળી જાય છે. જ્યારે કોઈ નેતા સતત સફળતાઓ મેળવે છે, ત્યારે તેને એવું લાગવા માંડે છે કે તે સર્વજ્ઞ છે અને તેનાથી ક્યારેય કોઈ ભૂલ થઈ જ ન શકે. આ મિથ્યા અહંકાર જ તેના પતનનો પાયો નાખે છે, પણ જે નેતા પોતાના વર્તનની મર્યાદાઓ અને પોતાના અવગુણોથી સતત જાગ્રત રહે છે, તેના મનમાં અહંકાર ક્યારેય પગપેસારો કરી શકતો નથી. તે હંમેશાં જમીન પર રહે છે, વિનમ્ર રહે છે અને પોતાની ભૂલોમાંથી સતત શીખવાની વૃત્તિ ધરાવે છે. અહંકારમુક્ત નેતા પોતાના નિર્ણયોમાં ક્યારેય વ્યક્તિગત આગ્રહો કે રાગ-દ્વેષ લાવતો નથી, 

પણ માત્ર અને માત્ર સંસ્થા કે રાષ્ટ્રના હિતમાં જ નિર્ણયો લે છે.   

 વધુમાં ભીષ્મ એમ પણ કહે છે કે જે લીડર પોતાના આત્મનિરીક્ષણની આ પ્રક્રિયામાંથી નથી પસાર થતો, તેની નીચે કામ કરતા લોકો પણ ધીમે ધીમે તેનો આદર કરવાનું બંધ કરી દે છે, કારણ કે લોકો તમારી મોટી મોટી વાતોથી નહીં, પણ તમારા આંતરિક સંયમ અને ચારિત્ર્યની પવિત્રતાથી પ્રભાવિત થાય છે. એક ક્ષમાશીલ અને પોતાની ભૂલો સ્વીકારીને સુધારવા તૈયાર રહેતો નેતા જ પોતાની ટીમમાં સાચો વિશ્વાસ અને સમર્પણ જગાડી શકે છે. અહંકારી નેતા માત્ર ભયથી કામ કરાવી શકે છે, પણ પ્રેમ કે વફાદારી મેળવી શકતો નથી.   

 પિતામહ ભીષ્મ આ આખી વાતને લીડરશિપ માટેની એક અત્યંત શક્તિશાળી અને ગોલ્ડન વન લાઈન સ્ટ્રેટેજી તરીકે ડિફાઈન કરી આપે છે. તેઓ કહે છે કે શાસન કે મેનેજમેન્ટની શરૂઆત બહારના લોકોને કંટ્રોલ કરવાથી નથી થતી, પણ પોતાની અંદર રહેલી આસક્તિઓ, સ્વાભાવિક મર્યાદાઓ અને અવગુણોને ઓળખીને તેના પર નિયંત્રણ મેળવવાથી થાય છે. જો તમે દરરોજ પોતાના આત્મનિરીક્ષણનો આ અરીસો સાફ કરતા રહેશો, તો તમે સતત ઈમ્પ્રૂવ પણ થતા રહેશો અને અહંકારના ભયાનક ઝેરથી મુક્ત રહીને સર્વત્ર અવિચળ કીર્તિ પામશો. નહીંતર તમારો પોતાનો જ અહંકાર અને અજ્ઞાન એક દિવસ તમારા સામ્રાજ્યને ભસ્મીભૂત કરી દેશે. 

  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો